`યેઢાઈ કિલો કા હાથ જબ કિસી પે પડતા હૈ ના, તો આદમી ઉઠતા નહીં, ઉઠ જાતા હૈ!' ભારતીય સિનેમાનો મોસ્ટ ફેવરિટ ડાયલોગ અને સની દેઓલની ફિલ્મી કરિયરનો મોસ્ટ આઈકોનિક સીન આ સંવાદ સાથે જોડાયેલો છે. 1993ના વરસમાં રાજકુમાર સંતોષીએ દામિની ફિલ્મ બનાવી હતી. સન્ની દેઓલની સપોર્ટિંગ ભૂમિકા હતી, પણ આખી ફિલ્મની હિટ ક્રેડિટ તેના ખાતામાં ગણાવી શકાય. ગોવિંદ શ્રીવાસ્તવ નામના એડવોકેટની ભૂમિકામાં સની દેઓલે દર્શકોને રાજીના રેડ કરી દીધા હતા. દામિની આજે પણ ભારતીય સિનેમાની કલ્ટ ક્લાસિક બ્લોકબસ્ટર કેટેગરી સાથે હિટ થયેલી ફિલ્મની યાદીમાં મોખરાના સ્થાને છે. દામિની ફિલ્મને યાદ કરવાનું કારણ સની દેઓલની ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થયેલી લેટેસ્ટ ફિલ્મ ઈક્કા છે.  

આફ્ટર લોંગ ટાઈમ સની દેઓલ બેક વિથ કોર્ટરૂમ ડ્રામા. ગોવિંદ શ્રીવાસ્તવનું કેરેક્ટર સની દેઓલ માટે જમા પાસું સાબિત થયું હતું. છતાં કોઈ ફિલ્મકારે સની દેઓલને લઈને સ્પેશિયલ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ન બનાવી એ આશ્ચર્યની વાત છે. વર્ષો પછી એટલે કે તેત્રીસ વર્ષના લાંબા અંતરાલ બાદ સિદ્ધાર્થ પી. મલ્હોત્રા નામના ડિરેક્ટરને સનીને લઈને કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો અને ઈક્કા બનાવી. સનીની કરિયરમાં બોર્ડર અને ગદર સીરિઝ સિવાય કોઈ એવો ચડતો ગ્રાફ નથી, પણ સનીની માર્કેટ વેલ્યૂ આજે પણ નકારી ન શકાય. સિદ્ધાર્થે પણ કોર્ટરૂમ ડ્રામાની પ્રેક્ટિસ તેની છેલ્લી ફિલ્મ મહારાજમાં કરી લીધી હતી. ઈક્કાનું બીજું જમા પાસું અક્ષય ખન્ના છે. 

અક્ષય થ્રિલર અને સસ્પેન્સ ફિલ્મમાં જમાવટ કરી દે છે. તેની ઓળખ કોમેડી એક્ટર તરીકે વધુ થઈ, પણ હમરાઝ, દીવાનગી, નકાબ, રેસ, આક્રોશ, ઈત્તેફાક, દૃશ્યમ, છાવા અને ધુરંધર જેવી ફિલ્મો તેને થ્રિલ, એક્શન અને સસ્પેન્સમાં વધુ પાવરફુલ બનાવે છે. 

આ ફિલ્મનો બોક્સઓફિસ રિપોર્ટ તો બનવાનો નથી, પણ ઓટીટી પર વ્યૂઅર્સના મામલમાં એક્સલન્ટ રિસ્પોન્સ મેળવી રહી છે અને ઓટીટીમાં વ્યૂઅર્સ એ જ તેની કમાણી હોય છે.   

કોર્ટરૂમ લીગલ ડ્રામા કેટેગરીની ફિલ્મો બનવાનું પ્રમાણ વધ્યું છે. તેનું એક કારણ ઈન્ડિયન ઓડિયન્સ ગ્લોબલ સિનેમા સાથે કનેક્ટ થઈ એ પણ છે. ઓડિયન્સમાં ધીમે ધીમે આ જોનર વધુ ને વધુ હિટ થવા લાગ્યું છે. બોક્સઓફિસ કરતાં ઓટીટી પર તેનો પ્રભાવ વધુ છે. 

જોકે, કોર્ટરૂમ લીગલ ડ્રામાના મામલે પણ અક્ષય કુમાર સૌથી આગળ નીકળતો કલાકાર છે. ભૂતબંગલા અને વેલકમ ટુ ધ જંગલ પહેલાં અક્કીની જોલી એલએલબી થ્રી ફિલ્મ આવી હતી. 2013ના વર્ષમાં ડિરેક્ટર સુભાષ કપૂરે બ્લેક કોમેડી લીગલ ડ્રામા જોલી એલએલબી ફિલ્મ બનાવી હતી. સોશિયલ મીડિયામાં ફરતા મીમ્સમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા કેરેક્ટરમાં એક નામ જજ સુંદરલાલ ત્રિપાઠીનું પણ છે. એટલે કે જોલી એલએલબીમાં સૌરભ શુક્લાએ ભજવેલી આ જજની ભૂમિકા ખૂબ લોકપ્રિય થયેલી અને લોકપ્રિયતા હજુ યથાવત્ જ છે. પછી અક્ષય કુમારને લઈને સુભાષ કપૂરે પાર્ટ ટુ બનાવ્યો. કોમેડીના સ્કેલ સાથે લીગલ બેટલ વધુ મજબૂત બની અને દર્શકોને આ સીરિઝ સાથે જમાવટ પડવા લાગી. અરસદ વારસી અને અક્ષય કુમાર બંને હિટ થયા એટલે સુભાષ કપૂરે બંનેને એકસાથે લઈને ફિલ્મનો ત્રીજો ભાગ બનાવી નાખ્યો. 

અક્ષય કુમારની એ જ વર્ષે કેસરી ચેપ્ટર 2 હિસ્ટોરિકલ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ હતી. 2004માં રજૂ થયેલી અબ્બાસ મસ્તાનની ઐતરાઝ રોમેન્ટિક સાઇકોલોજિકલ થ્રિલર હતી, પણ ફાઈનલ વરડિક્ટ તો કોર્ટરૂમ ડ્રામાનો જ હતો. અક્ષયની વધુ એક ફિલ્મ ઓહ માય ગોડનો કોન્સેપ્ટ કોર્ટરૂમ ડ્રામા સાથે જ જોડાયેલો હતો. પાર્ટ વન અને પાર્ટ ટુ બંને ફિલ્મ કોર્ટરૂમ લીગલ ડ્રામા સાથે જોડાયેલી સ્ટોરી હતી અને જે ફિલ્મ માટે અક્ષય કુમારને નેશનલ એવોર્ડ મળ્યો એ રુસ્તમની બેટલ પણ લીગલ ડ્રામા જ હતી.   

નેશનલ એવોર્ડની વાત આવી છે તો રાની મુખર્જીને મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે ફિલ્મ માટે જે એવોર્ડ મળ્યો એ પણ કોર્ટરૂમ ડ્રામા જ ફિલ્મ હતી. નો મિન્સ નો ટેગલાઈન જે ફિલ્મથી પોપ્યુલર બની એ અમિતાભ બચ્ચનની પિંક ફિલ્મ દમદાર હતી. લીગ થ્રિલર કેટેગરીમાં પિંકનો દબદબો કાયમી જળવાઈ રહે એવો છે. 

અમિતાભ બચ્ચનની પિંકની તમિલ અને તેલગુ બંનેમાં રિમેક બની છે. વન ઓફ ધ બેસ્ટ થ્રિલર લીગલ ડ્રામા ફિલ્મમાં પિંક જુદી તરી આવે છે. દક્ષિણમાં પણ એકથી એક ચડિયાતી લીગલ બેટલ ફિલ્મ બની છે. સ્મોલ બજેટની બિગ કોન્સેપ્ટ સાથેની 2025ના વરસમાં આવેલી એક્સલન્ટ તેલુગુ ફિલ્મ કોર્ટ : સ્ટેટ વર્સેસ નોબડી સુપર્બ રીતે ડિઝાઈન કરેલી ફિલ્મ છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો