હોલિવૂડમાં હાલમાં લગ્નની મોસમ ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટે ટ્રેવિસ કેલ્સે સાથે લગ્ન કર્યાં હતાં, જ્યારે હવે `ધ વેમ્પાયર ડાયરીઝ'ના સ્ટીફન સાલ્વાટોરની ભૂમિકા ભજવનાર ફેમસ એક્ટર પોલ વેસ્લીએ પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાલી કુકેનબર્ગની સાથે લગ્ન કરી લીધાં છે. અત્યારે હોલિવૂડમાં ખુશીઓની લહેર જોવા મળી રહી છે. જોકે, આ કપલે ખૂબ જ શાંતિથી અને એકદમ સાઇલન્ટ લગ્ન કર્યાં હતાં. તેમનાં આ લગ્નમાં માત્ર એક મિનિસ્ટર અને તેમનો પાલતુ કૂતરો ગ્રેગ જ સામેલ રહ્યા હતા. નોંધનીય છે કે, કુકેનબર્ગે પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોતાના સમારોહની કેટલીક તસવીરો શેર કરી હતી અને કેપ્શનમાં જણાવ્યું હતું કે, `મિસ્ટર એન્ડ મિસીસ એન્ડ ધ બેસ્ટ બોય ગ્રેગ.' અલબત્ત, આ કપલે તેમના વહાલા કૂતરાને બેસ્ટમેન ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વેસ્લી અને કુકેનબર્ગે વર્ષ 2025માં સગાઇ કરી હતી. જોકે, વેસ્લીનાં આ ત્રીજાં લગ્ન છે.

`ધ બેટમેન પાર્ટ 2'ના રોબર્ટ પેટિસનનો ફર્સ્ટ લુક રિવિલ

હોલિવૂડની સુપર હીરોઝ ફિલ્મોમાં બેટમેનની વિશેષ બોલબાલા રહી છે. આજે પણ બેટમેનનો ક્રેઝ એટલો જ જોવા મળી રહ્યો છે જેટલો દશકા પહેલાં જોવા મળી રહ્યો હતો. ગત સપ્તાહે જ ડાયરેક્ટર મેટ રિવ્સે `ધ બેટમેન પાર્ટ 2'ના રોબર્ટ પેટિનલનનો પહેલો લુક રિવીલ કર્યો હતો, જેને લઇને નેટિજન્સમાં મોજનું ઘોડાપૂર આવી ગયું હતું, કારણ કે બેટમેનને ચાહનારાઓમાં માત્ર યુવાવર્ગ જ નહીં, પરંતુ નાના બાળથી માંડીને યુવાન તેમજ વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મના ટીઝરમાં બેટમેનનો આકર્ષક લુક જોવા મળે છે. શરૂઆત એક દમદાર મ્યુઝિકથી થાય છે, જેમાં બેટમેનની પીઠ જોવા મળે છે પ્લસ વરસાદ પણ વરસતો જોવા મળે છે. ત્યારબાદ તેમાં પોલીસની ગાડીની ફ્લેશિંગ લાઇટ્સ પણ જોવા મળે છે. અલબત્ત, આ ફિલ્મને લઇને સિનેરસિકોમાં જબરદસ્ત રોમાંચ જોવા મળી રહ્યો છે અને આ ફિલ્મ જોવા આતુર પણ બન્યા છે. આ ફિલ્મ 1 ઓક્ટોબર, 2027ના રોજ વર્લ્ડ વાઇડ રિલીઝ કરવામાં આવશે.  

કિમ કર્દાશિયનની દાદી `એમજે'નું જૈફ વયે નિધન  

લોકપ્રિય રિઆલટી સ્ટાર પ્લસ એક્ટ્રેસ કિમ કર્દાશિયનની દાદી મેરી જો શેનન જેને લોકો `એમજે'ના હુલામણા નામથી સંબોધતા હતા, તેમનું 91 વર્ષની જૈફ વયે નિધન થતાં કિમ કર્દાશિયન અને તેનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. કિમ કર્દાશિયન માટે તેની દાદી બધું જ હતી. કિમ કર્દાશિયને સોશયિલ મીડિયા પેજ પર તેમની સાથેની તસવીરો શેર કરીને તેમને દિલથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સાથે તેણે એક ઈમોશનલ નોટ પણ લખી હતી જેમાં કિમે જણાવ્યું હતું કે, `તમે તે સ્ત્રી હતાં કે, જેમણે મને એક મહેનતી બિઝનેસ વુમન બનવા માટેની પ્રેરણા આપી. તમે મને ડિએગોમાં પોતાની શોપ પર ફર્સ્ટ જોબ આપી, ત્યાંથી હું કામ પ્રત્યે નિષ્ઠા અને આત્મવિશ્વાસ કેળવતા શીખી હતી.' કિમે વધુ ભાવુકતા સાથે એમ પણ લખ્યું હતું કે, દાદી, હવે તેના પિતા (રોબર્ટ કર્દાશિયન), દાદા હેરી અને આન્ટી કરેનને મળશે. વાતના અંતે કિમે લખ્યું કે, `મારા પપ્પાને મારા તરફથી ગળે લગાવજો.'

હોલિવૂડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝે ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ `ધ ઓડિસી'ને વધાવી 

થોડા દિવસ પહેલાં જ રિલીઝ થયેલી ફિલ્મ `ઓડિસી'ની દુનિયાભરમાં બોલબાલા છે. આ ફિલ્મ બોક્સઓફિસ બ્રેક કરવાના આરે છે. પ્લસ નવા રેકોર્ડ પણ બનાવવાના આરે છે. આ ફિલ્મને માત્ર નેટિજન્સ જ નહીં, પરંતુ હોલિવૂડ સ્ટાર્સ પણ વખાણી રહ્યા છે, જેમાં ટોમ ક્રૂઝનો પણ સમાવેશ થાય છે. ટોમ ક્રૂઝે આ ફિલ્મને બેસ્ટ ઓફ ધ બેસ્ટ ફિલ્મ ગણાવી છે. વધુમાં તેણે આ ફિલ્મના પોસ્ટર સાથે પોતાની તસવીર પણ ક્લિક કરાવી છે. આ ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન તેણે `ધ ઓડિસી'ની સમગ્ર ટીમ સાથે ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલન, પ્રોડ્યૂસર એમ્માને દિલથી શુભેચ્છાઓ પાઠવી હતી. અલબત્ત, તે આ ફિલ્મને બીજીવાર પણ જોવા માંગે છે. આ વાત તેણે પોતાના સોશિયલ મીડિયા પેજ પર લખી હતી. નોંધનીય છે કે, આ ફિલ્મ હોમરની પ્રસિદ્ધ પ્રાચીન ગ્રીક કવિતા પર આધારિત છે, જેમાં `ઓડિસિયસ' નામના યોદ્ધાની સ્ટોરી પ્રસ્તુત કરવામાં આવી છે, જે ટ્રોજનનું યુદ્ધ ખતમ થયા બાદ 10 વર્ષ સુધી મુશ્કેલીઓ અને ચમત્કારિક ઘટનાઓ સામે ઝઝૂમતા પોતાના ઘરે પરત ફરવાની કોશિશ કરી રહ્યો છે. ભારતમાં પણ આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો