હાલમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સામંથા રુથ પ્રભુ પોતાની લેટેસ્ટ ફિલ્મ `મા ઇન્ટી બંગારામ'ની શાનદાર સફળતાની ખુશી મનાવી રહ્યાં છે. આ ફિલ્મ બોક્સઓફિસ બ્રેક કરી છે અને તે 80થી 100 કરોડથી પણ વધુની કમાણી કરવા તરફ આગળ વધી રહી છે. રાજેન્દ્ર નિદિમોરુ (રાજ સર) દ્વારા લિખિત અને નિર્મિત આ ફિલ્મે સૌ દર્શકોનાં દિલ જીતી લીધાં છે. આ ફિલ્મ સ્ત્રીપ્રધાન હોવા છતાં પણ રેકોર્ડ બ્રેક કરવા સક્ષમ બની છે. એક રીતે જોવા જઇએ તો પુરુષપ્રધાન એક્શન ફિલ્મોની પરંપરાગત પેટર્નને તોડીને સામંથાએ આ ફિલ્મ દ્વારા સિનેમામાં નવો પ્રવાહ શરૂ કર્યો છે. હાલમાં સામંથા પ્રેગ્નન્ટ છે અને તેઓ પ્રગ્નન્ટ હોવા છતાં પણ જિમ વર્કઆઉટ કરી રહ્યાં છે. જોકે, તે પોતાના કોચને સાથે લઇને જ વર્કઆઉટ કરી રહ્યાં છે. વધુમાં સામંથા પોતાની ફિલ્મની સફળતાને લઇને અને પોતે પ્રેગ્નન્ટ છે તેને લઇને સોશિયલ મીડિયામાં જબરદસ્ત લાઇમલાઇટમાં છે.
`માઇન્ટી બંગારામ' ફિલ્મની વાર્તામાં શું વધુ આકર્ષક લાગ્યું?સિનેમાના નવા બદલાવને તમે કેવી રીતે જુઓ છો?
સાચું કહું તો જ્યારે મેં આ વાર્તા પસંદ કરી ત્યારે હું કોઈ ટ્રેન્ડ સેટ કરવા કે કોઈ મોટું સ્ટેટમેન્ટ આપવા નહોતી માંગતી. મને આ પાત્રમાં એક ગજબનું ઊંડાણ અને મનોરંજન પૂરું પાડવાની અદ્ભુત ક્ષમતા દેખાઈ, જે સામાન્ય રીતે સિનેમામાં મહિલા પાત્રો માટે બહુ ઓછી જોવા મળે છે. મને લાગે છે કે હવે એ સમય આવી ગયો છે કે આપણે સિનેમામાં મહિલાઓને માત્ર શોભાના પ્રતીક તરીકે, એટલે કે ફક્ત એક ગીત, ડાન્સ કે ગ્લેમરસ રોલ પૂરતી મર્યાદિત રાખવાનું બંધ કરવું જોઈએ. આજે તમામ દર્શકો પણ બદલાયા છે. તેઓ નવી વાર્તાઓ સ્વીકારવા તૈયાર છે. હવે લોકો એ નથી જોતા કે સ્ક્રીન પર હીરો પુરુષ છે કે સ્ત્રી; તેમને બસ એક સારું મનોરંજન અને હૃદયને સ્પર્શી જાય તેવી વાર્તા જોઈએ છે. જો પાત્ર ઈમાનદારીથી લખાયેલું હોય, તો દર્શકો તેને ચોક્કસ અપનાવે છે.
તમે સુપરસ્ટાર હોવા છતાં તાજેતરની ફિલ્મની સક્સેસને લઈને ડર કેમ અનુભવતાં હતાં?
જુઓ, આ ઈન્ડસ્ટ્રીમાં તમે ગમે એટલાં વર્ષોથી કામ કરતા હોવ, લોકો તમને ગમે તેટલો પ્રેમ કરતા હોય કે તમે ગમે તેટલી મહેનત કરી હોય, પણ અહીં સફળતાની કોઈ ગેરંટી નથી હોતી. જ્યારે મેં એવું કહ્યું, ત્યારે તે કોઈ ખોટો દેખાડો કે નમ્રતા નહોતી, પણ દર્શકો પ્રત્યેનો મારો સાચો આદર હતો. હકીકતમાં ફિલ્મનું ભવિષ્ય આપણે નહીં, પણ દર્શકો જ નક્કી કરે છે. આ ફિલ્મ પરંપરાગત કોમર્શિયલ ઢાંચાથી અલગ હોવાને કારણે મનમાં એક આશંકા સતત હતી કે શું લોકો તેને સ્વીકારશે? દરેક કલાકારના મનમાં આ ડર હોય જ છે, ભલે તેઓ તે વ્યક્ત ન કરે, પરંતુ ડર હોવા છતાં જોખમ લેવું એ જ તમારી શ્રદ્ધા દર્શાવે છે. આજે થિયેટરોમાંથી લોકોને હસતા અને તાળીઓ પાડતા બહાર આવતા જોઈને મારું દિલ ભરાઈ આવે છે. આ પ્રેમ જ અમારી સાચી જીત છે.
તમારી ફિલ્મે બોક્સઓફિસ પર 80 કરોડથી વધુનો આંકડો પાર કર્યો છે. પુરુષપ્રધાન ફિલ્મો વિના પણ મળતી આ સફળતાને તમે કેવી રીતે મૂલવો છો?
મારું એક જ સપનું છે કે આપણે એક સમાન દુનિયામાં જીવીએ. હું `વુમન-સેન્ટ્રિક' (મહિલાપ્રધાન) કે `મેલ-સેન્ટ્રિક' (પુરુષપ્રધાન) સિનેમા જેવા શબ્દોનો ઉપયોગ બંધ કરવા માંગું છું. સિનેમા એ સિનેમા છે અને કળા એ કળા છે. જો પ્રોડક્ટ સારી હશે, તો તે ચાલશે જ. એક દાયકા પહેલાં જ્યારે મેં આ વાત કહી હતી, ત્યારે લોકો મને બહુ મોટી સપના જોનારી ગણાવતા હતા, પણ આજે એ સપનું સાચું થતું જોઈને, ખાસ કરીને `લોકા' જેવી ફિલ્મોના બદલાવને જોઈને મને ગર્વ થાય છે કે આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાચી દિશામાં આગળ વધી રહી છે.
રાજ સરના આ સફળ પ્રોજેક્ટનું તમે કેવી રીતે સેલિબ્રેશન કરી રહ્યાં છો?
(થોડા સ્મિત સાથે) આ ફિલ્મ મારા માટે ખૂબ જ પર્સનલ અને ભાવનાત્મક રોકાણ છે. રાજ સરે શરૂઆતથી જ આ વાર્તા અને તેનાં પાત્રો પર પૂરો ભરોસો રાખ્યો હતો. જ્યારે તમે કોઈ વસ્તુને શૂન્યમાંથી સાથે મળીને ઊભી કરો છો, ત્યારે તેની સફળતા દરેક વ્યક્તિની બની જાય છે. જ્યાં સુધી સેલિબ્રેશનની વાત છે, અમે હજી સુધી કોઈ મોટી પાર્ટી નથી કરી. અમે બસ આ ક્ષણોને માણી રહ્યા છીએ અને પ્રેક્ષકોનો આભાર માની રહ્યા છીએ. મારા મતે, કૃતજ્ઞતા એ જ સૌથી મોટી ઉજવણી છે. આ સફળતા મારી જવાબદારી વધુ વધારે છે કે હું એક પ્રોડ્યૂસર અને કલાકાર તરીકે ભવિષ્યમાં પણ આવી જ પ્રામાણિક વાર્તાઓ લોકો સમક્ષ લાવતી રહું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો