હિન્દી સિનેમામાં પોતાના દમદાર અને અલગ જ પ્રકારની ભૂમિકાઓથી પોતાની આગવી ઓળખ ઊભી કરનારા એક્ટ્રેસ તાપસી પન્નુ હંમેશાં સ્પષ્ટવક્તા રહ્યા છે. તેઓ પોતાની ફિલ્મ `ગાંધારી'માં એક સાવ અલગ અને પડકારજનક અંદાજમાં નજર આવ્યા છે. તાપસી પન્નુએ તાજેતરમાં બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ખુલીને વાત કરી હતી. ફિલ્મ ઉદ્યોગમાં રોમ-કોમથી માંડીને થ્રિલર સુધી માત્ર ગણ્યાગાંઠ્યા કલાકારોને જ વારંવાર રિપીટ કરવાની રૂઢિચુસ્ત કાસ્ટિંગ ફોર્મ્યુલા, સ્ટાર્સની બંધાઈ જતી એકધારી છબી અને વાર્તાઓ પર હાવી થઈ રહેલા ડેટા-અલ્ગોરિધમના ગણિત સામે તેમણે તીખા સવાલો ઉઠાવ્યા હતા. 

`ગાંધારી' ફિલ્મમાં તમારા લુક અને પાત્રની ખૂબ ચર્ચા છે. 

આ પાત્ર તમારી અગાઉની છાપથી કેટલું અલગ છે?

 `ગાંધારી'એ મને મારી જૂની છાપમાંથી મુક્ત થવાની એક શાનદાર તક આપી છે. ફિલ્મમાં મારું પાત્ર `બાની' નામની એક લાચાર અને સંઘર્ષ કરતી માતાનું છે, જે પોતાની અપહરણ થયેલી દીકરીને શોધવા રહસ્યમય જોયપુરા પહોંચે છે. વાસ્તવિક જીવનમાં હું જેવી દેખાઉં છું કે વિચારું છું, બાની તેનાથી સાવ વિપરીત છે. ખૂબ તણાવના દિવસોમાં પણ હું આવી નથી દેખાતી. આ લુક ઊભો કરવાનો સાચો શ્રેય મારી હેર, મેકઅપ અને કોસ્ચ્યુમ ટીમને જાય છે. મારું માનવું છે કે કલાકારે પોતાના વ્યક્તિત્વ કરતાં પાત્ર અને તેની દુનિયાની માંગ પ્રમાણે ઢળવું વધુ મહત્ત્વપૂર્ણ છે.  

તમે બોલિવૂડમાં `કાસ્ટિંગ ફોર્મ્યુલા' અને ફિલ્મોમાં આવતી એકવિધતા પર સવાલ ઉઠાવ્યા છે. તેનું મુખ્ય કારણ શું માનો છો?  

 આજે આપણી ફિલ્મો એકસરખી લાગવાનું સૌથી મોટું કારણ નિર્માતાઓનું જોખમ ન લેવું અને એક જ ફોર્મ્યુલા પર ટકી રહેવું છે. બધી રોમેન્ટિક-કોમેડી કે ગ્લેમરસ ફિલ્મો એકસરખી દેખાય છે, કારણ કે તેમાં એ જ ચાર-પાંચ જાણીતા કલાકારો વારંવાર જોવા મળે છે. આપણી થ્રિલર ફિલ્મોનું પણ એવું જ છે. જ્યારે તમે વાર્તા સાથે નવા કલાકારોને જોડવાનો પ્રયોગ નહીં કરો, ત્યાં સુધી સિનેમામાં નવો રંગ નહીં દેખાય. કોઈ જાણીતા કલાકારને માત્ર અલગ કપડાં પહેરાવી દેવાથી પાત્ર નવું નથી બની જતું. દર્શકોના મગજમાં એ કલાકારની પહેલેથી એક છબી અંકિત હોય છે. જો સ્ક્રીન પર કંઈક નવું લાવવું હોય, તો કાસ્ટિંગમાં નવા ચહેરાઓને તક આપવી જ પડશે.  

તમે મોટાભાગે સશક્ત મહિલા પાત્રોમાં જોવા મળો છો. શું તમે પણ કોઈ એક ઈમેજમાં બંધાઈ ગયા છો?

 હા મને પણ એવું જ લાગે છે, અને આ સમસ્યાનો સામનો દરેક કલાકાર કરે છે. જો મને દસ સ્ક્રિપ્ટ્સ ઓફર થાય અને તે તમામ ગંભીર કે તીવ્ર પાત્રો ધરાવતી હોય, તો હું તેમાંથી શ્રેષ્ઠ વાર્તા જ પસંદ કરવાની છું. પરિણામે, પડદા પર ફરી એ જ મજબૂત સ્ત્રીનું પાત્ર દેખાશે અને લોકોના મનમાં મારી એ જ છાપ વધુ મજબૂત બનશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ્યાં સુધી કલાકારોને વિવિધ પ્રકારના પાત્રોમાં કલ્પના નહીં કરે, ત્યાં સુધી કલાકારો પણ પોતાની પસંદગીમાં બંધાયેલો રહે છે.  

ફિલ્મોમાં સ્ટોરી થીમ કરતાં `અલ્ગોરિધમ' અને પાછલા ડેટાનું વર્ચસ્વ વધી રહ્યું છે?

 આ સૌથી ચિંતાજનક બાબત છે. આજે બધું જ અલ્ગોરિધમ અને ભૂતકાળના બોક્સ ઓફિસ રેકોર્ડ્સ પર નક્કી થાય છે કે કઈ વાર્તા ચાલશે અને કઈ નહીં. જો આપણે માત્ર જૂના ડેટા પર જ નિર્ભર રહીશું, તો ભવિષ્યમાં નવું કેવી રીતે સર્જી શકીશું? ભવિષ્યમાં સિનેમામાં એ જ કામ કરશે જે સાચે જ મૌલિક અને અલ્ગોરિધમની સીમાઓ તોડીને આગળ નીકળશે. આપણે પશ્ચિમની કોઈ વાર્તા હિટ થાય ત્યારે તેને વખાણીને અહીં રિમેક બનાવી લઈએ છીએ, પરંતુ ઘરની મૌલિક વાર્તાઓને સ્વીકારતા અચકાઈએ છીએ. સમય આવી ગયો છે કે નિર્માતાઓ ડેટાની પેલે પાર જઈને મૂળ વાર્તાઓ પર ભરોસો મૂકે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો