તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ `પેડ્ડી'(Peddi)ને કારણે જ્હાન્વી કપૂર સતત ચર્ચામાં છે. બુચી બાબુ સના દ્વારા નિર્દેશિત અને રામચરણ જેવા કલાકારોથી સજ્જ આ સ્પોર્ટ્સ ડ્રામામાં જ્હાન્વી કપૂરના પાત્ર `અચિયમ્મા'ની સ્ક્રીન પર રજૂઆતને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે. કેટલાક દર્શકો પ્લસ નેટિજન્સનો આરોપ છે કે આ પાત્રનું નકામું ઓબ્જેક્ટિફિકેશન (વસ્તુકરણ) કરવામાં આવ્યું છે. જોકે, આવી કેટલીક બાબતોને લઇને જ્હાન્વી કપૂરે પણ પોતાના મત રજૂ કર્યા છે અને સોશિયલ મીડિયા ફિલ્મ અને પેપારાઝીઓ વિશેની છણાવટ પણ કરી છે. અલબત્ત, હાલમાં તો ફિલ્મ `પેડ્ડી' બોક્સઓફિસ રેકોર્ડ બ્રેક કરી રહી છે અને ધૂમ મચાવી રહી છે.  


સેલિબ્રિટી તરીકે સતત લોકોની નજરમાં રહેવું, ઘણી વખત સોશિયલ મીડિયા પર જરૂર કરતાં વધુ સેક્સ્યુઅલાઈઝ થવું, શું આ બાબત તમને અસ્વસ્થ કરે છે?

થોડા દિવસ પહેલાં જ મેં પેપારાઝી સાથે પર્સનલી મુલાકાત કરી અને મેં તેમને સમજાવ્યું કે, `આ અમારા માટે ઘણું આક્રમક છે અને અમને જરાય ગમતું નથી. અમને લાગે છે કે આમાં અમારી કોઈ સહમતિ નથી.' અમે ગમે તેટલાં સારાં કપડાં પહેરીને બહાર નીકળીએ, પણ એનો અર્થ એ નથી કે કોઈ અમારા પર કેમેરો ઝૂમ કરીને શરીરના ચોક્કસ ભાગો પર જ ફોકસ કરે. આ માત્ર અમારા માટે જ ખરાબ નથી, પણ ફોટોગ્રાફર્સની પોતાની છબી પણ બગાડે છે. માત્ર વ્યૂઝ અને પૈસા માટે મહિલાઓના શરીરને તેમની મરજી વિરુદ્ધ એક વસ્તુ તરીકે રજૂ કરવું કેટલું યોગ્ય છે? સદ્નસીબે, તેઓ મારી આ વાત સાથે સહમત થયા હતા. ટૂંકમાં કહું તો `મારી મંજૂરી વિના થતું ઓબ્જેક્ટિફિકેશન મને પરેશાન કરે છે.'

ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં ઉત્તેજિત પ્રકારનું કન્ટેન્ટ વધુ જોવાય છે, તો શું આ બધું ઇન્ડસ્ટ્રીનો એક અનિવાર્ય ભાગ બની ગયું છે?

મારું સ્પષ્ટપણે માનવું છે કે દરેક તબક્કે આપણે પોતાને પૂછવું જોઈએ કે આપણી સહમતિ શેમાં છે? જેમ કે, મેં `ભીગી સાડી' (પરમ સુંદરી) ગીત કર્યું, જેમાં મેં ભીની સાડીમાં સેન્સ્યુઅલ ડાન્સ કર્યો છે. તેનો હેતુ કોઈને માત્ર ઉત્તેજિત કરવાનો નહોતો, પણ તે ગીતનો મૂડ હતો. જો એ ગીત જોઈને કોઈ એમ કહે કે હું આકર્ષક નથી લાગતી, તો કદાચ મને ખરાબ લાગશે, પરંતુ એ પ્રોફેશનલ શૂટ અને સોશિયલ મીડિયા પર વગર મંજૂરીએ થતા સેક્સ્યુઅલાઈઝેશનમાં મોટો તફાવત છે. કોઈ પણ સ્વરૂપે બિનસહમતિભર્યું વર્તન મને સ્વીકાર્ય નથી.  

જ્યારે હું અરીસામાં જોઈને મારી પસંદગીનાં કપડાં પહેરી બહાર નીકળું છું, ત્યારે તે મારી આઝાદી છે, પણ લોકો એ ફોટોઝને અલગ-અલગ એંગલથી કેપ્ચર કરે, તેમાં સ્લો-મોશન અને ગીતો ઉમેરીને વાઇરલ કરે, તો તેમાં મારી કોઈ સહમતિ હોતી નથી. જો સેટ પર પણ કોઈ ડિરેક્ટર કે DOP એવો કેમેરા એંગલ રાખે જેમાં હું અસ્વસ્થ હોઉં, તો પ્રોફેશનલ રહ્યા વગર પણ મને `ના' કહેવાનો પૂરો હક હોવો જોઈએ.

ટ્રોલિંગથી તમારી કરિયર પર શું અસર પડે છે?

હું આ બાબતોને નજરઅંદાજ ન કરી શકું, કારણ કે તેનાથી દર્શકો અને ફિલ્મમેકર્સ માનસિકતા બનાવે છે. જો સોશિયલ મીડિયા પર મને સતત એવા જ એંગલ્સ કે કપડાંમાં બતાવવામાં આવે, તો લોકોના મનમાં `જ્હાન્વી કપૂર'ની એવી જ છબી અંકાઈ જાય છે. આ એક ટ્રેજેડી છે, પણ સમાજ આમ જ વિચારે છે.  

ફિલ્મમેકર્સ પણ એવું જ વિચારે છે કે જો આ અભિનેત્રી રોજ સોશિયલ મીડિયા પર આવા જ લુકમાં દેખાય છે, તો તેને થિયેટરના મોટા પડદા માટે શા માટે કાસ્ટ કરવી? દર્શકો પણ ઘણીવાર અભિનેત્રીનાં કપડાં પરથી તેનું કેરેક્ટર જજ કરવા લાગે છે. વાસ્તવમાં બિકીની પહેરવાથી મૂલ્ય કંઈ ઓછું થઈ 

જતું નથી.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી તમે શું શું શીખી રહ્યાં છો?

ધીમે ધીમે હું મારા વિચારો સ્પષ્ટ રાખતા શીખી રહી છું. અત્યારે હું ઈન્ડસ્ટ્રીમાં એવા પાવરફુલ સ્થાન પર નથી જ્યાં હું જે ઈચ્છું તે કરું અને તોય લોકો મારી સાથે કામ કરવા લાઈનમાં ઊભા રહે. અત્યારે મારે થોડા ઘણા કોમ્પ્રોમાઈઝ કરવા પડે છે. હું મહેનત કરીને પહેલાં એટલી ક્રેડિબિલિટી અને આદર મેળવવા માંગું છું, જેથી ભવિષ્યમાં હું ગર્વથી કહી શકું કે, `હું મારી મરજીની માલિક છું, મારે જે કરવું હશે તે જ કરીશ' અને લોકો મને મારા કામ માટે ઓળખશે.


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: