નામમાં શું છે?' આ ઉક્તિ વિલિયમ શેક્સપિયરના નાટક `રોમિયો એન્ડ જુલિયટ'માંથી આવી છે, જેમાં જુલિયટ કહે છે કે ગુલાબને જો કોઈ બીજા નામથી બોલાવવામાં આવે તો પણ તેની સુગંધ તો એવી જ રહે છે. જોકે, વિલિયમ શેક્સપિયરના જન્માંતર દરમ્યાન હિન્દી સિનેમા અસ્તિત્વમાં હોત તો આ ઉક્તિ કરી જ ન હોત. હિન્દી ફિલ્મોમાં અમુક પાત્રોનાં નામ એવા ચોક્કસ સ્ટાર્સ સાથે અતૂટ રીતે જોડાયેલાં છે, જેમણે પોતાની કારકિર્દી દરમિયાન વારંવાર તે નામનો ઉપયોગ કર્યો છે. એટલે કે ઘણા જાણીતા કલાકારોએ ઘણી ફિલ્મોમાં સમાન પાત્રના નામનો ઉપયોગ કર્યો છે.
શાહરુખ ખાનને આ નામ એટલું ગમ્યું હતું કે લગભગ આઠથી નવ ફિલ્મોમાં તેના પાત્રનું નામ `રાહુલ' રાખ્યું હતું. `ડર'માં રાહુલ મેહરા તરીકે, ફિલ્મ `યસ બોસ'માં રાહુલ જોશી તરીકે, ફિલ્મ `દિલ તો પાગલ હૈ'માં રાહુલ તરીકે, `કુછ કુછ હોતા હૈ'માં ફરી વાર રાહુલ બન્યો હતો, રાહુલ ખન્ના તરીકે. પછી ફિલ્મ હતી `ચેન્નાઈ એક્સપ્રેસ' પણ નામ ધારણ કર્યું હતું રાહુલ મીઠાઈવાલા. આ ઉપરાંત `કભી ખુશી કભી ગમ', `હર દિલ જો પ્યાર કરેગા', `ઝમાના દીવાના' જેવી તેની મોટાભાગની હિટ ફિલ્મોમાં તેના પાત્રનું નામ રાહુલ હતું. શાહરુખે બીજા પણ એક નામનો ઉપયોગ ઘણીવાર કર્યો છે, નામ `રાજ' છે; `રાજુ બન ગયા જેન્ટલમેન' ફિલ્મથી આ નામ અપનાવ્યું હતું અને ત્યારબાદ `હે બેબી' (રાજ મલ્હોત્રા તરીકે - `મસ્ત કલંદર' ગીતમાં મહેમાન ભૂમિકા), `ચલતે ચલતે', `મોહબ્બતેં', `બાદશાહ', `દીવાના' તથા સૌથી લોકપ્રિય એવી `દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' જેવી ફિલ્મોમાં પણ આ નામનો ઉપયોગ કર્યો હતો. શાહિદ કપૂર, જેના પર અભિનયમાં શાહરુખ ખાનની નકલ કરવાનો સતત આરોપ મૂકવામાં આવે છે, તેણે પણ પોતાની ઘણી ફિલ્મોમાં આ નામનો ઉપયોગ કર્યો છે. `36 ચાઇના ટાઉન' અને `કિસ્મત કનેક્શન'માં તેનું નામ `રાજ મલ્હોત્રા' હતું.
સલમાન ખાનનો પ્રેમ `પ્રેમ' પ્રત્યે ખૂબ ઝળક્યો છે. સૂરજ બડજાત્યા કે જેણે પ્રેમની લાગણી વ્યક્ત કરતા તેના પ્રથમ હીરો સલમાન ખાનનું નામ પ્રેમ રાખ્યું હતું `મૈંને પ્યાર કિયા'માં. ફિલ્મ બહુ મોટી હિટ રહી હતી અને સલમાનને આ નામ એટલું ગમ્યું કે તેણે વારંવાર ઉપયોગ કર્યો છે. તેણે અત્યાર સુધીમાં 13થી વધુ ફિલ્મોમાં આ જ નામનો ઉપયોગ કર્યો છે. અંદાજ અપના અપના, પાર્ટનર, મેરીગોલ્ડ, નો એન્ટ્રી, કહીં પ્યાર ના હો જાયે, ચલ મેરે ભાઈ, બીવી નંબર 1, હમ સાથ સાથ હૈ, સિર્ફ તુમ, દીવાના મસ્તાના, જુડવા, હમ આપકે હૈ કૌનનો સમાવેશ થાય છે. સૂરજ બડજાત્યા પોતે પણ આ નામથી પ્રભાવિત હતા. સલમાન પછી `મૈં પ્રેમ કી દીવાની હૂં' ફિલ્મમાં રિતિક રોશન અને અભિષેક બચ્ચન બંનેનાં નામ `પ્રેમ' રાખવામાં આવ્યાં હતાં.
ફિલ્મોમાં એક જ નામનો ઉપયોગ કરવામાં અમિતાભ બચ્ચન બીજા બધા જ કલાકારોને પછાડે છે. અમિતાભ બચ્ચને તેમની સમગ્ર ફિલ્મી કારકિર્દી દરમિયાન 20થી વધુ વખત (સામાન્ય રીતે 20થી 22 વખત ટાંકવામાં આવે છે) તેમના પાત્રનું નામ રાખવામાં `વિજય'નો ઉપયોગ કર્યો છે. પ્રથમ વખત ફિલ્મ જંજીરમાં ઈન્સ્પેક્ટર વિજય ખન્ના તરીકે ધમાકેદાર સફળતા મેળવ્યા પછી નિર્માતા-નિર્દેશકોએ અમિતાભ સાથે વિજય નામને સફળતાની કુંજી માની લીધી અને એક પછી એક ફિલ્મોમાં તેને વિજયના વાઘા પહેરાવ્યા. વિજય વર્મા તરીકે દીવાર, વિજય/રોમાઝ ડબલ તરીકે ડોન, વિજય કુમાર તરીકે ત્રિશૂલ અને `અગ્નિપથ' કેમ ભુલાય? વિજય દીનાનાથ ચૌહાણ. આ ઉપરાંત શહેનશાહમાં ઈન્સ્પેક્ટર વિજય કુમાર તરીકે અને ઝુંડમાં વિજય બરસે તરીકે. રસપ્રદ વાત એ છે કે જે ફિલ્મોમાં નામ `વિજય' હતું, તે લગભગ તમામ ફિલ્મો સુપરહિટ રહી હતી. `શોલે'માં તેઓ `વિજય' બનતા માત્ર એક અક્ષરથી ચૂકી ગયા હતા, તેમાં `જય' હતું! બળ્યું નામમાં જ બધું દાટ્યું છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો