કોઈ ગોડફાધર વિના કે કોઈ ઔપચારિક એકેડેમિક તાલીમ વગર બોલિવૂડની ચળકતી દુનિયામાં પોતાની મજબૂત હાજરી નોંધાવવી એ સહેલું નથી. 23 વર્ષીય અભિનેત્રી અનીત પડ્ડા આજે એવી નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે, જે માત્ર પોતાની અદમ્ય પ્રતિભા, સહજ અભિનય અને અથાક પરિશ્રમના દમ પર પોતાની કેડી કંડારી રહી છે. ફિલ્મ `સૈયારા'માં પોતાના સંવેદનશીલ અને જીવંત અભિનયથી દર્શકો તેમજ વિવેચકોનાં દિલ જીતી લીધાં બાદ, અનીત હવે તેમની આગામી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ `હુંકાર: ધ રોર' સાથે રૂપેરી પરદે પુનઃ છવાઈ જવા સજ્જ છે.
`સૈયારા' તમારી કારકિર્દી માટે એક મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. આ ફિલ્મે આત્મવિશ્વાસ અને તકોમાં શું બદલાવ લાવ્યો?
જ્યારે ફિલ્મ હિટ થાય છે ત્યારે આપોઆપ નવી તકોના દરવાજા ખૂલે છે. પહેલાં હું માત્ર સપનાં જોતી, હવે તે સપનાં સાકાર થતાં દેખાય છે, પરંતુ મારા માટે સૌથી મોટો બદલાવ અંગત સ્તરે આવ્યો. આ પાત્ર, સેટ પરના સંબંધો અને સમગ્ર પ્રક્રિયાએ મને મારી પોતાની નજીક લાવી દીધી. વીસીના દાયકામાં માણસ પોતાની જાતને શોધતો હોય છે. સેટ પર મને પાત્રને મારી અંદર શોધવાની સંપૂર્ણ મોકળાશ મળી, જેણે મારા આત્મવિશ્વાસને નવી ઊંચાઈ આપી.
YRF હિરોઇન બનવાનું બાળપણનું સપનું પૂરું થતાં પરિવારનો કેવો પ્રતિસાદ રહ્યો?
જ્યારે મારો કોન્ટ્રેક્ટ સાઈન થયો ત્યારે મારા પપ્પા મારી સાથે હતા અને તેઓ સાવ નિઃશબ્દ થઈ ગયા હતા. એક કલાકાર બનવું એ તેમનું પણ સપનું હતું. હંમેશાં સંયમિત અને મજબૂત દેખાતા પિતાને એ ક્ષણે ભાવુક જોતાં મને સમજાયું કે આખરે પિતા પણ એક સપનું જોનાર બાળક જ છે. મારી માતાએ પણ બાળપણમાં મારી સંકોચવૃત્તિ દૂર કરીને કવિતા સ્પર્ધામાં ભાગ લેવડાવ્યો હતો, જ્યાંથી મને લાગણી અને અભિવ્યક્તિનો પહેલો પાઠ મળ્યો હતો.
ગહન પાત્રો માટે તમે કઈ રીતે તૈયારી કરો છો?
શરૂઆતમાં મારી પાસે કોઈ તાલીમ નહોતી. બસ હું, મારો અરીસો અને જાતે લખેલા સંવાદો. હું દરેક વાતમાં પરફેક્ટ થવા મથતી, પરંતુ `સૈયારા'એ મને શીખવ્યું કે કલા વ્યક્તિલક્ષી છે; જ્યાં સુધી તમે અંદરથી ખોટા કે બનાવટી નથી, ત્યાં સુધી કલામાં કંઈ સાચું કે ખોટું નથી હોતું. વાસ્તવિક કામ સેટ પર પહોંચતા પહેલાંનું છે. નોટ્સ બનાવવી, સ્ક્રિપ્ટનું મનન કરવું. એકવાર કેમેરા સામે ગયા પછી મગજ શાંત રાખીને બસ પાત્રમાં ઓતપ્રોત થઈ જવાનું હોય છે. ટૂંકમાં, મારા મતે કલા એ માત્ર પરફેક્શન પાછળ ભાગવા વિશે નથી.
સ્પર્ધા અને ચર્ચા વચ્ચે જાતને સ્થિર કઈ રીતે રાખો છો?
બહારનો ઘોંઘાટ મારી કલાને ખલેલ પહોંચાડી શકતો નથી, કારણ કે એ ઘોંઘાટથી બચવા માટે જ હું મારી કલાનો આશરો લઉં છું. અભિનેત્રી બનતાં પહેલાં હું એક સામાન્ય માણસ છું, જેના પોતાના આગવા સ્તરો છે. જ્યાં સુધી હું મારું કામ પૂરી ઈમાનદારીથી કરું છું ત્યાં સુધી મારા મનમાં શાંતિ છે. સફળતા-નિષ્ફળતાના ઉતાર-ચઢાવ જીવનનો ભાગ છે.
આગામી ફિલ્મ `હુંકાર: ધ રોર' આવી રહી છે, એક અભિનેત્રી તરીકે આ ફિલ્મથી તમારી શું અપેક્ષાઓ છે?
`હુંકાર: ધ રોર' મારા માટે એક અલગ સ્તરનો પડકાર છે. આ ફિલ્મમાં મારો અવતાર ખૂબ જુદો અને આક્રમક છે. એક એક્ટ્રેસ તરીકે મારી માત્ર એટલી જ વ્યાવહારિક અપેક્ષા છે કે લોકો મને માત્ર એક ચોક્કસ `સોફ્ટ' ઈમેજમાં કેદ ન કરે. બોક્સઓફિસના આંકડા આપણા હાથમાં નથી હોતા, પરંતુ જો દર્શકો અને ઈન્ડસ્ટ્રી મારી ક્ષમતા અને વૈવિધ્યને સ્વીકારી શકે, તો મારા માટે આ ફિલ્મની સૌથી મોટી કમાણી ગણાશે. હું માત્ર પ્રામાણિકપણે કામ કરવા અને એક અભિનેત્રી તરીકે વધુ પરિપક્વ થવા માંગું છું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો