પ્રીટિ ઝિન્ટાની કમબેક ફિલ્મ બટવારાથી એક સવાલ એ પણ ઊભો થયો કે સફળ અભિનેત્રીઓની ફિલ્મી કરિયર સફળ અભિનેતાઓની સરખામણીએ ઘણી ટૂંકી હોય છે. દૂર નજર કરવાની પણ જરૂર નથી. સની દેઓલ અને પ્રીટિ ઝિન્ટાથી જ વાત માંડીએ. પ્રીટિએ સિલ્વર સ્ક્રીન પર 1998ના વર્ષથી એન્ટ્રી લીધી. જ્યારે સની દેઓલે 1983માં રોમેન્ટિક બેતાબ ફિલ્મથી હિટ હીરો તરીકે આગમન કર્યું હતું. ધર્મેન્દ્રનો દીકરો હોવાનો લોન્ચિંગ ફાયદો મળ્યો હતો, પણ ફિલ્મની સફળતા સની દેઓલ અને અમૃતા સિંહના ખાતામાં લખાણી હતી. સની અને અમૃતા બંનેનું ડેબ્યૂ આ ફિલ્મથી જ થયું હતું. અમૃતાને તો નેવુના સમયગાળાથી જ લીડ રોલમાં ફિલ્મો મળવાનું બંધ થવા લાગ્યું હતું. જ્યારે સની દેઓલ આજે પણ લીડ રોલમાં હિટ ફિલ્મો આપી જાય છે અને નિર્માતાઓ તેના નામે જોખમ ખેડવા પણ તૈયાર છે. સનીની ફિલ્મી કરિયરનો સમયગાળો 43 વર્ષનો થયો અને પ્રીટિની ઉંમર 51 જેવી છે.
પ્રીટિ ઝિન્ટા એક વખતની બોક્સઓફિસ સ્ટાર એક્ટ્રેસ હતી, પણ તેની પાસે લીડ એક્ટ્રેસનું સ્ટેટસ નથી, પણ સની દેઓલ તેની દરેક ફિલ્મમાં એક્કો જ હોય છે. દરેક અભિનેતાની કરિયર પણ ચાલીસ વર્ષ કે પચાસ વર્ષ લાંબી નથી ચાલતી, પણ બોક્સઓફિસ પર પાવર જનરેટ કરનારા કલાકારોની વાત કરીએ તો એ હીરોનું ફિલ્મી આયુષ્ય હિરોઈન કરતાં વધુ રહ્યું છે. સની દેઓલ પાસે હવે રોમેન્ટિક ફિલ્મ ન કરાવે એ સમજી શકાય એવી વાત છે, પણ તેને ધ્યાનમાં રાખીને જેમ ફિલ્મીકથાઓ લખાઈ છે એમ સફળ અભિનેત્રીઓ માટે બહુ ઓછી ફિલ્મો બને છે. રાની મુખર્જી જેવા એકાદ કિસ્સાઓને બાદ કરો તો લીડ રોલમાં ફિલ્મો મળવાનો અભિનેત્રીઓનો સમયગાળો વધુમાં વધુ દસથી બાર વર્ષનો રહે છે. રાની મુખર્જી પાસે વળી પોતાનું પ્રોડક્શન હાઉસ છે એટલે તેના પતિદેવ આદિત્ય ચોપરા એ જોખમ ખેડવા તૈયાર થાય, પણ સિલ્વર સ્ક્રીન માટે જૂની અભિનેત્રીઓને લીડ રોલમાં લઈને સ્પેશિયલ ફિલ્મ બનાવવાનું જોખમ નિર્માતાઓ જે હીરો માટે લે છે એ અભિનેત્રી માટે લેતા નથી.
અમિતાભ બચ્ચન તો ઓલટાઈમ ધ લેજેન્ડ છે. તે જગતના એકમાત્ર હયાત એવા કલાકાર છે કે 83 વર્ષની વયે પણ નિર્માતાઓ તેમને લઈને લીડ રોલમાં ફિલ્મ બનાવવા તૈયાર છે. હવે તેમની સાથે સફળ રહેલી અભિનેત્રીઓની અત્યારે વાત કરીએ અને નામ લઈએ તો આજની ઝેન જી જનરેશન ઓળખે પણ નહીં. રેખા લાઈમલાઈટમાં રહે છે, પણ ફિલ્મ મળતી નથી. અરે! અમિતાભ બચ્ચનની વાઈફ જયા બચ્ચનને ક્યારેક ક્યારેક માના રોલ મળી જાય છે એ વાત અલગ છે. દીપિકા પાદુકોણનો બોક્સઓફિસ પર બરાબર દબદબો જામેલો હતો એ વખતે સરસ વાત કરેલી કે, આજે જે મને સ્થાન મળ્યું છે ત્યાં મારા પહેલાં કોઈ બીજું હતું અને આવતા સમયે મારા નામની જગ્યાએ કોઈ બીજું નામ હશે. આ પરિવર્તનનો સ્વીકાર સૌ કોઈએ કરવો જ પડે છે.
જે દામ, નામ અને કામ અભિનેતાને મળે છે એ અભિનેત્રીને ભાગ્યે જ મળે છે. આ દસ્તૂર વૈશ્વિક સિનેમાને લાગુ પડે છે. અભિનેત્રીઓને દામ અને નામ મળે છે, પણ તેમનો એક ચોક્કસ નિર્ધારિત સમયગાળો હોય છે. એ સમયનું ચક્ર પસાર થતાંની સાથે જ દામ અને કામ મળવાનું બંધ થવા લાગે છે અને માત્ર રહી જાય છે તેમનું નામ. નાની-મોટી સિલ્વર સ્ક્રીન પર ઝલક આપીને અલોપ થઈ જનારા અભિનેતા અને અભિનેત્રીની સંખ્યા થોકબંધ છે, પણ જેમણે બોક્સઓફિસની સાથે દર્શકોના માનસપટ પર બકાયદા રાજ કર્યું છે તેવી અભિનેત્રીની ફિલ્મી સફરનું આયુ અભિનેતા જેટલું ભાગ્યવાન નથી હોતું. ભલભલી અને જેમના દીવાનાઓની સંખ્યા કરોડોમાં હોય છે તેવી અભિનેત્રીઓની કરિયરને પૂર્ણવિરામ પણ જલદીથી લાગી જતું હોય છે, પરંતુ આવું અભિનેતાની કરિયરમાં જલદી નથી બનતું. દાયકાઓથી આવું જ થતું આવ્યું છે અને અત્યારે પણ આવું જ થાય. સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, સની દેઓલ જેવા અનેક અભિનેતાઓનો પાવરપંચ હજુ વાગે છે. આ તો ટૂંકી યાદી છે. તેની સામે તેની સાથે કામ કરનારી લેટેસ્ટ અભિનેત્રીઓની કરિયર પણ રીતસરની ધ એન્ડ થઈ ગયેલી છે.
કરીના કપૂર ખાન, વિદ્યા બાલન, ઐશ્વર્યા રાય બચ્ચન, માધુરી દીક્ષિત, જુહી ચાવલા, કરિશ્મા કપૂર, મનીષા કોઈરાલા, તબુ અને રવિના ટંડન જેવી અભિનેત્રીઓને ક્યારેક ફિલ્મો મળી જાય, પણ અભિનેત્રી તરીકેની યોગ્ય નામના જોવા મળતી નથી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો