જેનિફર વિંગેટ
12 વર્ષ પછી બીજી વખત લગ્ન કરશે જેનિફર વિંગેટ?
ટેલિવિઝન જગતની સુપરસ્ટાર અભિનેત્રી જેનિફર વિંગેટનાં બીજાં લગ્નને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાઓ શરૂ થઈ છે. જેનિફર સિંગાપોરસ્થિત ફાઇનાન્સ બિઝનેસમેન વિલિયમ ઈશ્મેલને ડેટ કરી રહી છે. તાજેતરમાં જ એક વેકેશન દરમિયાન વિલિયમે જેનિફરને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, જેમાં અભિનેત્રીએ હા પાડી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેનિફરે લગ્નની પ્રાથમિક તૈયારીઓ અને પ્લાનિંગ પણ શરૂ કરી દીધું છે.
આ લગ્ન ખ્રિસ્તી રીતરિવાજ મુજબ થાય તેવી સંભાવના છે. વિલિયમ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે, તેથી આ લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવે તેવી શક્યતા છે. જોકે, આ અહેવાલો અંગે હજી સુધી ખુદ જેનિફર વિંગેટ કે વિલિયમ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કે જાહેરાત કરવામાં આવી નથી. ચાહકો અત્યારે જેનિફર તરફથી ઓફિશિયલ કન્ફર્મેશનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે જેનિફરનાં પહેલાં લગ્ન 2012માં અભિનેતા કરણસિંહ ગ્રોવર સાથે થયાં હતાં અને 2014માં તેઓ પરસ્પર સંમતિથી અલગ થયાં હતાં.
અલેફિયા
અલેફિયા કાપડિયાના પતિએ તેનાં બાળકોને છીનવી લીધાં
જસ્ટ મહોબ્બત' અને `યે હૈ મહોબ્બતેં' જેવા પ્રખ્યાત ટીવી શોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી અલેફિયા કાપડિયાના 21 વર્ષની ઉંમરે તેના પિતાના દબાણને કારણે તેનાથી 11 વર્ષ મોટા વ્યક્તિ સાથે તેનાં લગ્ન કરાવી દેવાયાં હતાં. લગ્ન બાદ તે દુબઈ શિફ્ટ થઈ ગઈ હતી, જ્યાં તેને ઘરનું બધું જ કામ કરવા મજબૂર કરાતી. જ્યારે તેણે પાર્ટ-ટાઇમ જોબ કરવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે તેના પતિએ તેની સાથે મારપીટ કરી હતી અને તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો હતો. બાદમાં ઇન્ડિયન એમ્બેસીની મદદથી તે ભારત પરત ફરી શકી હતી. અલેફિયાએ પતિ સામે લાંબી કાનૂની લડાઈ લડી તેમ છતાં પોતાનાં બંને બાળકોની કસ્ટડી ગુમાવવી પડી. તેણે દુઃખ સાથે જણાવ્યું કે, તે છેલ્લાં કેટલાંય વર્ષોથી પોતાનાં બાળકોને મળી શકી નથી અને તેને એ પણ નથી ખબર કે તેઓ ક્યાં અને કઈ હાલતમાં છે. આ ભયાનક ટ્રોમાને કારણે તે ક્લિનિકલ ડિપ્રેશનનો ભોગ બની હતી, પરંતુ હવે તે ધીમે-ધીમે આ આઘાતમાંથી બહાર આવી રહી છે.
રિયુનિયન
સારાભાઈ વર્સિસ સારાભાઈનું થયું રિયુનિયન, સ્ટારકાસ્ટ થઈ ભાવુક
ટેલિવિઝન શો `અનુપમા' દ્વારા ઘર-ઘરમાં ભારે લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી રૂપાલી ગાંગુલી હાલમાં જ તેના જૂના અને સુપરહિટ કોમેડી શો `સારાભાઈ વર્સિસ સારાભાઈ'ના કલાકારો સાથે જોવા મળી હતી. આ ખાસ રિયુનિયનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન રૂપાલી ગાંગુલી (મોનિશા) અને રાજેશ કુમાર (રોશેશ) ફરી એકવાર પોતાનાં જૂનાં આઇકોનિક પાત્રોમાં જોવા મળ્યાં હતાં, જેણે દર્શકોની જૂની યાદો તાજી કરી દીધી છે. વર્ષો પછી આખી સ્ટારકાસ્ટને એકસાથે જોઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ યાદગાર મુલાકાત બાદ રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેણે એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને શોના તમામ સાથી કલાકારો પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
હુનર હાલી
ડિવોર્સના સમાચાર સાંભળી સેટ પર રડી પડી હુનર હાલી
ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી હુનર હાલી હાલમાં તેના અંગત જીવનને લઈને ભારે ચર્ચામાં છે. તાજેતરમાં જ હુનર હાલી અને પતિ તથા અભિનેતા મયંક ગાંધીના 9 વર્ષના લગ્નજીવનનો સત્તાવાર રીતે અંત આવ્યો છે. ફેમિલી કોર્ટ દ્વારા તેમના છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા છે. હુનર હાલી અને મયંક ગાંધીએ વર્ષ 2016માં લગ્ન કર્યાં હતાં. લાંબા સમયના મતભેદો બાદ તેમણે સપ્ટેમ્બર 2025માં કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. હુનર હાલી હાલમાં તેના નવા ટીવી શો `રીમઝીમ - છોટી ઉમર બડા સફર'નું શૂટિંગ કરી રહી છે. આ શૂટિંગ દરમિયાન જ સેટ પર તેને કાનૂની ટીમ તરફથી છૂટાછેડા મંજૂર થયાનો મેસેજ મળ્યો હતો, જેને વાંચીને તે ભાવુક થઈ ગઈ હતી અને સેટ પર જ રડી પડી હતી. એક ઈન્ટરવ્યૂમાં હુનરે જણાવ્યું કે, નવ વર્ષના સંબંધોનો અંત લાવવો એ તેમના જીવનનો સૌથી મુશ્કેલ અને ભાવનાત્મક નિર્ણય હતો, પરંતુ માનસિક શાંતિ અને ભવિષ્ય માટે આ પગલું જરૂરી હતું. સોશિયલ મીડિયા પર ફેન્સ અને ટીવી ઈન્ડસ્ટ્રીના મિત્રો આ મુશ્કેલ સમયમાં તેમને સપોર્ટ કરી રહ્યા છે.
રોહિત શેટ્ટી
ખતરોં કે ખિલાડી સીઝન 15 ટૂંક સમયમાં આવી રહી છે
કલર્સ ટીવીનો લોકપ્રિય સ્ટંટ આધારિત રિયાલિટી શો `ખતરોં કે ખિલાડી સીઝન 15'એક વર્ષના બ્રેક બાદ ધમાકેદાર રીતે પરત ફરી રહ્યો છે. આ સીઝનની ટેગલાઇન `ડર કા નયા દૌર' રાખવામાં આવી છે, જે દર્શાવે છે કે આ વખતે સ્ટંટ્સ પહેલાં કરતાં વધુ ખતરનાક અને રોમાંચક હશે. આ વખતે પણ ફિલ્મમેકર રોહિત શેટ્ટી પોતાના આગવા અંદાજમાં શોને હોસ્ટ કરી રહ્યા છે. તાજેતરમાં જ રિલીઝ થયેલા પ્રોમોમાં તેઓ કાર અને હેલિકોપ્ટર સાથે જોરદાર સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. હાલમાં શોનું શૂટિંગ સાઉથ આફ્રિકાના કેપ ટાઉન ખાતે ચાલી રહ્યું છે. આ સીઝનમાં નવા ચહેરાઓની સાથે જૂના ખેલાડીઓ પણ ચેલેન્જર્સ તરીકે જોવા મળશે. `બિગ બોસ 19'ના વિનર ગૌરવ ખન્ના અને રનરઅપ ફરહાના ભટ્ટ ઉપરાંત કોમેડિયન હર્ષ ગુજરાલ, ઓરી અને શગુન શર્મા આ વખતે ડરનો સામનો કરશે. જ્યારે પૂર્વ સ્પર્ધકો રુબિના દિલૈક, જેસ્મિન ભસીન અને કરણ વાહી પણ ફરી એકવાર શોમાં પરત ફરી રહ્યાં છે.
શાલીન ભનોટ
શાલીન ભનોટ પૂર્વ પત્ની સાથે ફરીથી લગ્ન કરવાનો છે?
શાલીન થોડા દિવસ પહેલાં મુંબઈમાં એક ફિલ્મ સ્ક્રીનિંગમાં હાજર રહ્યો હતો, ત્યારબાદ એક પાપારાઝી દ્વારા સોશિયલ મીડિયા પેજ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોના કેપ્શનમાં દાવો કરવામાં આવ્યો હતો કે શાલીન ભનોટ તેની પહેલી પત્ની દલજિત કૌર સાથે ફરીથી લગ્ન કરવા જઈ રહ્યો છે. આ પોસ્ટ જોતજોતાંમાં વાઇરલ થઈ ગઈ અને ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગઈ. આ ફેક ન્યૂઝ સામે આવતાં જ શાલીન ખૂબ જ ગુસ્સે ભરાયો હતો અને તેણે આ અહેવાલોને સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા હતા. સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપતાં તેણે લખ્યું કે, આ સંપૂર્ણપણે અસત્ય અને ઉપજાવી કાઢેલા સમાચાર છે. માત્ર વ્યૂઝ મેળવવા માટે કોઈના અંગત જીવન વિશે ખોટી માહિતી ફેલાવવી યોગ્ય નથી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો










