સપ્ટેમ્બર મહિનો આવે એટલે સિનેજગતના પ્રતિષ્ઠિત એવોર્ડ ઓસ્કાર વિશે ચર્ચાઓ શરૂ થવા લાગે. આ મહિનાના સમયગાળામાં ભારતની શ્રેષ્ઠ ફિલ્મને પસંદ કરીને વૈશ્વિક સ્પર્ધામાં મોકલવામાં આવે છે. પસંદગી પામેલી ફિલ્મને ઓસ્કારમાં નામાંકન મળે કે ન મળે, વિજેતા થાય કે ન થાય, પણ તેના નામની જોરશોરથી વાતો થવા લાગે છે, કારણ કે દેશભરની જુદી જુદી પ્રાંતીય ભાષાઓની ફિલ્મ સહિત હિન્દી ફિલ્મોમાંથી ભારતની ઓસ્કાર સમિતિ આ ફિલ્મની પસંદગી કરે છે. ફિલ્મના હીરો, બેનર કરતાં ફિલ્મની વાર્તાને ધ્યાનમાં રાખીને જ્યૂરી ફિલ્મની પસંદગી કરતી હોય છે. જેમાં કોઈ પણ ભાષાની કોઈ પણ ફિલ્મને પસંદ કર્યાના અનેક દાખલાઓ છે. જોકે, ઓસ્કારના મંચ પર નામાંકન મેળવવામાં માત્ર હિન્દી ફિલ્મોને જ સફળતા મળી છે. ઓસ્કારની વાત તો વખત મળ્યે ફરી કરીશું, પણ અત્યારે તો જેના નામનું શ્રીફળ આવ્યું છે એ ફિલ્મ ગોંધળ વિશે વાત કરીએ.
આ વખતના ઓસ્કારનું ટાઈટલ વર્ષ 99મું છે. બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ માટે એક ઓક્ટોબરથી ત્રીસ સપ્ટેમ્બરના સમયગાળામાં રિલીઝ થયેલી ફિલ્મને મોકલવમા આવે છે. દર વર્ષે સિત્તેરથી વધુ દેશો આ કોમ્પિટિશનમાં ભાગ લેતા હોય છે. જેમાં દર વર્ષે ભારત તરફથી ફિલ્મ મોકલવામાં આવે છે. આ વર્ષે એટલે કે 99માં ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી સત્તાવાર મરાઠી ફિલ્મ ગોંધળ(ગોંધલ)ને મોકલવામાં આવી છે. આ પહેલાં આ ફિલ્મનું નામ ન સાંભળ્યું હોય એવું બને ખરું! કારણ કે મરાઠી ફિલ્મ છે અને અન્ય મરાઠી ફિલ્મની જેમ બોક્સઓફિસ રેકોર્ડ બ્રેકિંગ નથી એટલે ગુજરાતી દર્શકો તરીકે ધ્યાનમાં ન આવે એ બાબત સહજ છે, પરંતુ હવે સિનેરસિકોના ધ્યાનમાં આ ફિલ્મનું નામ આવી ગયું છે અને ઓટીટી પ્લેટફોર્મ પર ખાંખાંખોળા કરવાનું શરૂ કરી દીધું હશે, પણ ક્યાંય મેળ પડશે નહીં, કારણ કે હજુ સુધી આ ફિલ્મ રેગ્યુલર ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળી નથી.
ગોંધળ કહીએ કે ગોંધલ. આ મહારાષ્ટ્રની એક ગ્રામીણ પરંપરા છે. જે રીતે કાંતારા ફિલ્મે ચમત્કાર કર્યો હતો, એવી જ આ મહારાષ્ટ્રની ધાર્મિક પરંપરા સાથે સંકળાયેલી ફિલ્મ છે. દેવી-દેવતાઓને પ્રસન્ન કરવાની સદીઓ જૂની આ પરંપરામાં રાત્રિ દરમિયાન ભક્તિમય કાર્યક્રમોનું આયોજન થયું હોય છે. તુળજા ભવાની, રેણુકા માતા અને ભગવાન ખંડોબા જેવાં દેવી-દેવતાઓની સામે ભક્તો આ પરંપરાને ભાવથી ઊજવતા હોય છે. આ પ્રસંગનું અનેરું મહત્ત્વ ત્યારે વધી જાય છે જ્યારે ઘરમાં લગ્ન થવાનાં હોય, પારણે બાળકનો જન્મ થયો હોય, પરિવારમાં કોઈ શુભ પ્રસંગ હોય કે કોઈ રાખેલી માનતા એટલે કે બાધા પૂરી કરવા માટે ભક્તો કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ રાત્રિ જાગરણ અને પૂજાનું આયોજન કરે છે.
આ પૃષ્ઠભૂમિને વાર્તામાં કેન્દ્રસ્થાને રાખીને લેખક દિગ્દર્શક સંતોષ દવાખરે ગોંધળ ફિલ્મને કચકડે મઢી છે. આનંદ નામના યુવક સાથે સુમનનાં લગ્ન થયેલાં હોય છે. નવવિવાહિત થઈને આવેલી સુમન આ લગ્નથી ખુશ નથી. આનંદ સાથેના નાખુશ દાંપત્યજીવનમાં સુમન ફસાયેલી છે. આખોય પરિવાર ગોંધળની ધાર્મિક વિધિ માટે ભેગો થાય છે. આ વખતે જ સામાજિક અને પારિકવારિક ખેંચતાણ થાય છે. રાત આગળ વધે છે અને અણધાર્યા વળાંક આવે છે અને રહસ્યોની હારમાળા સર્જાવા લાગે છે. આ જ ફિલ્મની વાર્તા છે અને એ જોવા માટે તો ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે આવે તેની રાહ જોવી પડે અથવા રિરિલીઝ થાય તો જોઈ શકાય. આખી ફિલ્મમાં આપણા માટે જાણીતા કલાકાર તરીકે કિશોર કદમ છે, જે મરાઠી એક્ટર જ છે, પણ ઓટીટી પર રિલીઝ થયેલી અનેક સારી મરાઠી ફિલ્મમાં આ બંદાએ કામ કર્યું છે. સુમનની ભૂમિકામાં ઈશિતા દેશમુખ છે અને તેના માટે ફીચર ફિલ્મ લીડ રોલ ફર્સ્ટ ટાઈમ છે.
હિન્દી, મરાઠી, તેલુગુ, ગુજરાતી, તમિલ, મલયાલમ, નેપાળી અને નાગાલેન્ડ ભાષાની એકત્રીસથી વધુ ફિલ્મો સ્પર્ધામાં હતી. જેમાંથી ગોંધળ, અંગ્હ અને મૈં વાપસ આઉંગા ફિલ્મનાં નામ પસંદ કરાયાં હતાં. જોકે, જ્યૂરી રિપોર્ટ પ્રમાણે ફાઈનલ ગોંધળ અને અંગ્હ ફિલ્મમાંથી પસંદ કરવાની હતી. અંગ્હ કોન્યાક ભાષાની નાગાલેન્ડની ફિલ્મ છે. આ ફિલ્મ પણ પરંપરાગત સંસ્કૃતિ સાથે જોડાયેલી વાર્તા આધારિત છે. અંગ્હનું દિગ્દર્શન થેજા રિઓએ કર્યું છે. ફિલ્મની વાર્તા નાગાલેન્ડના એક નાના કોન્યાક નાગા પરિવાર પર કેન્દ્રિત છે, જેઓ પોતાના ત્યજી દેવાયેલા જૂના ગામમાં રહેતા છેલ્લા સભ્યો હોય છે. જેઓ પોતાની પરંપરાગત સંસ્કૃતિ અને માન્યતાઓને વળગી રહેવાનો પ્રયાસ કરે છે, પણ અમેરિકાથી આવેલા એક ખ્રિસ્તી મિશનરીના આગમન પછી સંઘર્ષો અને પડકારો ઊભા થાય છે. અંગ્હની પસંદગી થવાની તકો ઊજળી હતી, પણ ફાઈનલી જ્યૂરીએ ગોંધળ ફિલ્મને પ્રાધાન્ય આપ્યું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો