ફાઈનલી અક્ષય કુમારની ધડાધડ ફ્લોપ ફિલ્મોમાં ભૂત બંગલાએ બોક્સઓફિસ પર સક્સેસનું કમબેક કર્યું. પ્રિયદર્શન વન્સ અગેઈન અક્ષય કુમાર માટે લકી સાબિત થયા. ભૂત બંગલા ફ્લોપ રહી હોત તો પ્રિયદર્શન હિન્દી સિનેમા ભણી જોવાનું જ બંધ કરી દેવાના હતા. કોરોના કાળ પછી અક્ષયની ફિલ્મકુંડળીમાં માઠી દશા બેઠી હતી અને હવે એમાં સુધારના અણસાર ભૂત બંગલા ફિલ્મથી દેખાવા લાગ્યા છે. ભૂત બંગલા ફિલ્મની સફળતામાં વાર્તા કરતાં પણ બોક્સઓફિસ પરનો કોમ્પિટિશનનો લાભ મળ્યો હતો. ઉનાળાના વેકેશનમાં ભૂત બંગલા હિટ થઈ ગઈ. અક્ષય કુમારની વધુ એક ફિલ્મ આજે રિલીઝ થવાની છે. વેલકમ ટુ જંગલ એક્શન એડવેન્ચર કોમેડી ફિલ્મ છે. તેના કરતાં પણ મલ્ટિસ્ટારર છે અને લગભગ ત્રણ ડઝન જેટલા જાણીતા કલાકારોનો મેળાવડો આ ફિલ્મમાં છે.   


દિગ્દર્શક અનીઝ બઝમીએ 2007ના વર્ષમાં સુપરહિટ કોમેડી વેલકમ ફિલ્મ બનાવી હતી. જોકે તેના બીજા પાર્ટ વેલકમ બેકમાં એ જમાવટ જોવા મળી ન હતી. આ ફિલ્મનું ટાઈટલ છે અને ત્રીજો ભાગ છે. જૂના અને નવા કલાકારો પાછળ જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે. અહમદ ખાને ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મ સાથે મલ્ટિસ્ટારરનું ટેગ જોડાયેલું છે.   

મલ્ટિસ્ટારર ફિલ્મ ભારતીય સિનેમાની અલાયદી ઓળખ ગણાતી હતી. બ્લેક એન્ડ વ્હાઈટ એરાના ધ એન્ડ પછી કલર સિનેવર્લ્ડના જમાનામાં મલ્ટિસ્ટારર ફિલ્મનો ક્રેઝ જોવા મળતો હતો. એકથી એક ચડિયાતી ફિલ્મો પણ બની છે. એમાં પણ વક્ત અને શોલે જેવી ફિલ્મો સદાબહાર હિટ શ્રેણીમાં આવે છે. બિફોર બચ્ચન એરા મલ્ટિસ્ટારર ફિલ્મો બહુ બનતી. બચ્ચન યુગમાં પણ ઘણી મલ્ટિસ્ટારર ફિલ્મો બની, પણ હવે આવી ફિલ્મો ઓછી બનવા લાગી. ક્રેઝ ઓછો નથી થયો, પણ ફિલ્મકારો માટે એક ડઝન જેટલા કલાકારોને મેનેજ કરવા માથાનો દુખાવો બની જાય છે અને ખર્ચાળ પણ થઈ જાય છે. છતાં બિગ બેનર ફિલ્મમેકર આવા પ્રયોગો કરતા અચકાતા નથી. 

જોકે, હવે લીડ રોલ અને પોસ્ટર ફેસના જમાનામાં સાઈડ એક્ટર બનવા એ ગ્રેડ સ્ટાર બહુ ઓછા તૈયાર થાય છે.   

અક્ષય કુમાર તો હીરો જ મલ્ટિસ્ટારર ફિલ્મનો છે એમ કહી શકાય. અક્કીએ આવી ફિલ્મોમાં સાઈડ રોલ પણ કર્યો છે અને લીડ એક્ટર તરીકે પણ ફિલ્મો કરી છે. તેની હાઉસફુલ સીરિઝ તો મલ્ટિસ્ટારર ફિલ્મની સીરિઝ છે એમ કહીએ તો પણ ખોટું નથી. અક્કીની હાઉસફુલ ફાઈવમાં નાના-મોટા કુલ મળીને સત્તર જેટલા જાણીતા કલાકારો છે. અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ, નાના પાટેકર, જેકી શ્રોફ, સંજય દત્ત, ફરદીન ખાન, જેક્લિન ફર્નાન્ડિઝ્, નરગિસ ફખરી, સોનમ બાજવા, ચંકી પાંડે અને ચિત્રાંગદા સિંહ જેવાં કલાકારોની હારમાળા હતી. 

બોક્સઓફિસ પર મલ્ટિસ્ટારર ફિલ્મ હિટ જ થાય એની કોઈ ગેરંટી નથી. ઊલટાનું છેલ્લો ટ્રેન્ડ તો એ બતાવે છે કે આ જોનરની ફિલ્મો ફ્લોપ પણ રહી છે. મનમોહન દેસાઈ, રમેશ સિપ્પી જેવા બ્રાન્ડ ડિરેક્ટરોની આ જોનરની ફિલ્મો બનાવવામાં હથોટી હતી. કરણ જોહરે પણ આવા પ્રયોગો બહુ કર્યા છે અને હજુ પણ શરૂ જ છે. કરણે કભી ખુશી કભી ગમમાં બ્રાન્ડ એક્ટર્સને લઈને આ જોનરની ફિલ્મ બનાવી હતી, તો કભી અલવિદા ના કહેનાનું પણ ડિરેક્શન કર્યું હતું, પણ કલંક જેવી મોંઘી મલ્ટિસ્ટારર ફિલ્મ ફ્લોપ રહી હતી.   

મલ્ટિસ્ટારરમાં અન્ય જોનર કરતાં કોમેડી જોનરને સારો પ્રતિસાદ મળ્યો છે. કોમેડીની ટ્રેજેડી માટે કલાકારોનો રાફડો જોઈએ અને પ્રિયદર્શન જેવા દિગ્દર્શકો તો આ બાબતમાં સિદ્ધ પણ થયેલા છે. અનીસ બઝમીએ વેલકમ, નો એન્ટ્રી જેવી અનેક કોમેડી ફિલ્મોમાં આ પ્રયોગ કર્યો છે, તો ધમાલ અને મસ્તી સીરિઝના ક્રિએટર ઈન્દ્રકુમારની આ ફિલ્મો પણ કલાકારોથી છલોછલ ભરેલી હોય છે. ધમાલનો પણ ચોથો ભાગ આવે છે અને એમાં પણ ઢગલાબંધ કલાકારોનો મેળવાડો ફિલ્મકારે ભેગો કર્યો છે.   

છેલ્લાં વર્ષોમાં ગણો તો આંગળીના વેઢે ગણી શકાય તેટલી મલ્ટિસ્ટારર ફિલ્મો માંડ બની છે. આ જોનર હિટ હતું અને થાય એવું છે, પણ ફિલ્મકારના વિઝનમાં દમ હોવો જોઈએ. ફિલ્મકાર માટે પણ મલ્ટિસ્ટારર ફિલ્મ બનાવવી માથાનો દુખાવો છે. એકસાથે મોટા કલાકારોને સાથે લઈને ફિલ્મ પૂરી કરવી એ પણ મોટી સિદ્ધિ જ માનવામાં આવે છે. મલ્ટિસ્ટારરમાં મલ્ટિપલ સ્ટોરી લેવલ હોય એટલે ખર્ચો પણ જંગી થાય. તેમાં પણ નખરાબાજ કલાકાર હોય તો તેનાં નખરાં પૂરા કરવામાં ફિલ્મકારોનો દમ નીકળી જાય છે. એક શિડ્યુલ સ્ટાર્ટ થાય ત્યાં બીજામાં લોચો પડ્યો હોય. ફિલ્મના પડદા પર એકસાથે સારા લાગતા કલાકારોને એકસાથે લઈને ફિલ્મ કેમ બનાવવી એ ફિલ્મકારોને જ ખબર હોય છે.     

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: