હિન્દી કોર્ટરૂમ ડ્રામા સીરિઝ, જે 25 સપ્ટેમ્બર(આજે)ના રોજ JioHotstar પર રિલીઝ થશે. મીનુ રાવત નામની એક કિશોરી `બાપજી' નામના ધર્મગુરુ પર જાતીય શોષણનો આરોપ મૂકે છે, તેમની સામે કેસ દાખલ કરે છે અને અદાલતમાં ન્યાય માટે લડે છે. આ વાર્તા 17 વર્ષીય વિદ્યાર્થિની મીનુ રાવતની છે, જે સુનીલ ચકોસી ઉર્ફે `બાપજી' નામના એક આદરણીય અને રાજકીય રીતે પ્રભાવશાળી સંપ્રદાયના વડા પર જાતીય શોષણનો આરોપ મૂકે છે. આ આક્ષેપને પગલે દેશભરમાં ભારે ચર્ચા જાગે છે. ACP જસલીન સિંહ સોનીના નેતૃત્વમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પોલીસ તપાસ શરૂ થાય છે અને એક ઉગ્ર `મીડિયા ટ્રાયલ' (મીડિયા દ્વારા થતી તપાસ અને ચુકાદો) ચાલે છે, જે આસ્થા, જનમત અને ન્યાય વચ્ચેની સીમારેખાને અસ્પષ્ટ કરી દે છે. ફાતિમા સના શેખે એસીપી જસલીન સિંહ સોનીની ભૂમિકા ભજવી છે, જ્યારે મોહમ્મદ જીશાન અયુબ પત્રકાર અમિતાભની ભૂમિકામાં છે.
દાદાએ લણ્યું તેજ પૌત્ર લણી રહ્યો છે
ઈસ્ટ ઓફ ઇડન
સાત એપિસોડની મર્યાદિત ડ્રામા શ્રેણી જે જ્હોન સ્ટેઈનબેકની 1952ની એ જ નામની નવલકથા પરથી રૂપાંતરિત છે તે Netflix પર તારીખ 1 ઓક્ટોબરના રોજ જોવા મળશે. શરૂઆત એડમ ટ્રાસ્ક અને તેની પત્ની કેથીના કેલિફોર્નિયાની સેલિનાસ વેલીમાં સ્થાયી થવાથી થાય છે. ત્યાં એડમ ખેડૂત તરીકે નવું જીવન શરૂ કરવાની આશા રાખે છે, પરંતુ જોડિયા પુત્રો - કાલેબ અને એરોનના જન્મ બાદ હિંસક ઘટનાઓને લીધે તેમના લગ્નજીવનનો અંત આવે છે. આ બાળકો પોતાની માતા વિશેનું સત્ય જાણ્યા વિના જ મોટાં થાય છે અને અંતે દુનિયામાં પોતાનું સ્થાન શોધવાનો પ્રયાસ કરે છે. જ્યારે અગાઉની પેઢીનાં રહસ્યો સમગ્ર પરિવારના વિનાશનું કારણ બની શકે તેવી સ્થિતિ સર્જે છે. ઝો કાઝાને નવલકથાનું આ આધુનિક રૂપાંતર લખ્યું છે અને તે એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર પણ છે. વધુમાં તેના દાદા એલિયા કાઝાને તે જ વિષયવસ્તુ પર આધારિત 1955ની ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું.
એક તદ્દન નવા સ્પિન-ઓફ સાહસ સાથે વાપસી લેગોવનપીસ
એક્શન, એડવેન્ચર, એનિમેશન, કિડ્સ & ફેમિલી શ્રેણી 29 સપ્ટેમ્બરના રોજ Netflixનું નજરાણું બનશે, પરંતુ બે ભાગમાં. આ શ્રેણી બે ભાગમાં રિલીઝ થશે. નેટફ્લિક્સના લાઇવ-એક્શન રૂપાંતરણની પ્રથમ બે સીઝનની ઘટનાઓને LEGO-શૈલીના રમૂજી અંદાજમાં ફરીથી રજૂ કરે છે. આ કથા ઉસોપ દ્વારા ચોપરને આપવામાં આવતી માહિતીના પરિપ્રેક્ષ્યમાં કહેવામાં આવી છે. આ એનિમેટેડ પ્રોજેક્ટમાં મુખ્ય લાઇવ-એક્શન શ્રેણીના મૂળ કલાકારોએ લેગો પાત્રોને પોતાનો અવાજ આપ્યો છે. આ શ્રેણી રંગબેરંગી સ્થળો, વિશાળકાય જહાજો, વિચિત્ર ખલનાયકો અને એવી ક્ષમતાઓ ધરાવતાં પાત્રોથી ભરપૂર છે, જે વાસ્તવિકતાની સીમાઓને પણ વટાવી જાય છે. આ અનોખા અને રોમાંચક માહોલને રજૂ કરવાથી ફ્રેન્ચાઇઝીને તેની સહજ મજેદાર અને રમૂજી શૈલીને અપનાવવાની વધુ એક તક મળે છે અને `સ્ટ્રો હેટ્સ' આ સાહસના કેન્દ્રસ્થાને જળવાઈ રહે છે. વાર્તા `ઈસ્ટ બ્લૂ'થી `ગ્રાન્ડ લાઈન' સુધીની યાત્રાઓને આવરી લે છે. વન પીસના લાઇવ-એક્શન રૂપાંતરણને વૈશ્વિક સ્તરે ભારે સફળતા મળી છે. બાળકોને આ શ્રેણી ખૂબ જ ગમશે.
શેરલોક હોમ્સ છે પણ અને નથી પણ ધ ફાઇનલ પ્રોબ્લેમ
સ્પેનિશ ભાષાની સીરિઝ જેની શૈલી છે ક્રાઈમ, ડ્રામા, મિસ્ટ્રી, થ્રિલર. આવશે આજે (25) Netflix નામના પ્લેટફોર્મ પર. વસંત 1959નો સમય છે. મેલોર્કા નજીકના એક ટાપુ પર આવેલી લક્ઝરી હોટલમાં ઘટના ઘટે છે. એક ભયંકર વાવાઝોડાને કારણે 13 લોકો હોટલમાં ફસાઈ જાય છે. એલિસા મેન્ડર નામની એક અંગ્રેજ પ્રવાસીનું મૃત્યુ થાય છે. શરૂઆતમાં લોકોને લાગે છે કે આ આત્મહત્યા છે. તપાસ કરવાનું સૂઝે છે બેસિલ નામના એક નિવૃત્ત અભિનેતાને, જેઓ પડદા પર શેરલોક હોમ્સની ભૂમિકા ભજવતા હતા (બોલો, નિવૃત્તિ પછી પણ શેરલોક હોમ્સના આત્માએ તેને છોડ્યો નહોતો!), તેને સમજાય છે કે આ હત્યા છે. તેઓ ફોક્સા નામના એક ઊભરતા લેખક સાથે મળીને આ ગુનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરે છે. જ્યારે હોટલમાં રહેલા તમામ લોકો શંકાના દાયરામાં આવી જાય છે. પછી શું, ચલક ચલાણી આ ઘેર ધાણી, પેલે ઘેર ધાણીની જેમ બધા હાજર લોકોમાં હત્યારાને જોશે.
કેરીને જ્યારે અજાણી શક્તિ વિશે જાણ થાય છે
આપણે ખાઈએ છીએ તે નહિ! કેરી નામની એક શરમાળ, ગુંડાગીરીનો ભોગ બનેલી કિશોર વયની છોકરીને ખબર પડે છે કે તેનામાં શક્તિશાળી ટેલિકાઇનેટિક (મનની શક્તિથી વસ્તુઓને ખસેડવા અંગે) ક્ષમતાઓ છે. સ્ટીફન કિંગની 1974ની પ્રખ્યાત નવલકથા પર આધારિત 7 ઓક્ટોબરના રોજ Amazon Prime Video પર રિલીઝ થવાની છે. શ્રેણીમાં આઠ એપિસોડ હશે. વાર્તા કેરી વ્હાઇટની છે, જે તેના પિતાના મૃત્યુ પછી પહેલી વાર પબ્લિક હાઈસ્કૂલમાં પ્રવેશ કરે છે. ગુંડાગીરીની ઘટના ઓનલાઈન વાઇરલ થાય છે, જે તેની ઊભરતી ટેલિકાઇનેટિક શક્તિઓ સાથે ભળી જાય છે ત્યારે તેના જીવનમાં ફિટ થવાના સંઘર્ષમાં ઘેરો વળાંક આવે છે. પાત્રો અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓની ઊંડાણપૂર્વક છણાવટ કરશે, જેમાં `કરુણા વિરુદ્ધ ક્રૂરતાની અત્યંત માનવીય ગાથાટ રજૂ કરવામાં આવશે. એ બાબતની પણ તપાસ કરશે કે આપણે કોઈ નાયક, કોઈ રાક્ષસ કે પછી તેનાથી પણ ક્યાંય વધુ જટિલ વ્યક્તિત્વના ઘડતરના સાક્ષી બની રહ્યા છીએ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો