બૉલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ અને તેના ડાયરેક્ટર-પ્રોડ્યૂસર પતિ આદિત્ય ધર હિન્દી સિનેમાની જાણીતી અને સફળ જોડીઓમાંની એક છે. યામી ગૌતમે `વિકી ડોનર', `કાબિલ', `બાલા' અને `આર્ટિકલ 370' જેવી અનેક બ્લોકબસ્ટર અને વિવેચકો દ્વારા વખણાયેલી ફિલ્મો દ્વારા પોતાની શાનદાર એક્ટિંગ કારકિર્દી બનાવી છે. બીજી તરફ આદિત્ય ધરે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ `ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક'નું નિર્દેશન કરીને અને `આર્ટિકલ 370' તથા `ધુરંધર' જેવી મોટો ધમાકો કરનારી ફિલ્મોનું નિર્માણ કરીને બૉલિવૂડમાં ટોચના ડાયરેક્ટર-પ્રોડ્યૂસર તરીકે પોતાની મજબૂત ઓળખ બનાવી છે. સફળતાના શિખરે હોવા છતાં આ દંપતીએ એક મોટો અને હિંમતભર્યો નિર્ણય લીધો છે.   

તાજેતરના અહેવાલો મુજબ યામી અને આદિત્યએ મુંબઈની ભાગદોડ અને ઝાકઝમાળવાળી લાઈફસ્ટાઈલને છોડીને પોતાના વતન હિમાચલ પ્રદેશમાં કાયમી વસવાટ કરવાનો પ્લાન બનાવ્યો છે. તેઓ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ગોહરસ્થિત પોતાના 25 એકરમાં ફેલાયેલા 100 વર્ષ જૂના હેરિટેજ ઘરમાં શિફ્ટ થઈ રહ્યાં છે. લાકડા અને પથ્થરથી બનેલું આ પરંપરાગત ઘર યામી માટે ખૂબ ખાસ છે. તેણે લગ્ન પહેલાં 2016માં આ પ્રોપર્ટી ખરીદી હતી.   

આ દંપતીના મુંબઈ છોડીને હિમાચલ સ્થાયી થવા પાછળ અનેક તર્ક-વિતર્કો લગાવવામાં આવે છે. કોઇ કહે છે કે તેઓ બંને ઇન્ડસ્ટ્રીને કાયમી અલવિદા કહી રહ્યાં છે. ધુરંધર ફિલ્મ બાદ અમુક તત્ત્વોની કનડગતના કારણે આ નિર્ણય લેવાયો છે. તેમની ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા મોખરે છે, પણ આવી કોઇ જ વાતમાં તથ્ય નથી. ખરેખર તો મુંબઇ છોડવાનું મુખ્ય કારણ શાંતિ, પ્રાઈવસી અને કુદરતી વાતાવરણમાં પોતાના પરિવારને સમય આપવાની ઈચ્છા છે. મે 2024માં યામી અને આદિત્યના ઘરે પુત્ર `વેદાવિદ'નો જન્મ થયો હતો. તેઓ પોતાના બાળકના ઉછેરને ગ્લેમર અને પાપારાઝીની ભીડથી દૂર, પ્રકૃતિના ખોળામાં અને સ્વસ્થ વાતાવરણમાં કરવા માંગે છે. આ સિવાય યામીનો જન્મ હિમાચલમાં થયો હોવાથી પોતાના મૂળ સાથે જોડાવાનો અને સાદગીપૂર્ણ જીવન જીવવાનો પ્રેમ પણ આ નિર્ણય પાછળ રહ્યો છે. આ 100 વર્ષ જૂના ઘરમાં મોટા ઓર્ગેનિક બગીચા પણ આવેલા છે, જ્યાં તેઓ સફરજન, બટાકા, આદું અને આલુબુખારા જેવાં ફળો-શાકભાજી જાતે ઉગાડે છે. આ પહેલાં પણ પોતાના અનેક ઇન્ટરવ્યૂમાં બંનેએ કહ્યું છે કે, સ્વભાવે અમે બંને સરખાં જ છીએ. અમને કુદરતનો સંગાથ અને પ્રાઇવસી વધારે પસંદ છે.    

મુંબઈ છોડવાનો અર્થ એ નથી કે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી રહ્યાં છે. બંને પોતાની ફિલ્મી કારકિર્દી ચાલુ રાખશે; જ્યારે પણ શૂટિંગ, મીટિંગ્સ કે પ્રોજેક્ટ્સનું કામ હશે ત્યારે તેઓ મુંબઈની મુલાકાત લેશે, પરંતુ તેમનું મુખ્ય ઘર હવે હિમાચલની શાંત વાદીઓ જ બની રહેશે, બંને મુંબઇનું ઘર પણ રાખવાના જ છે, જેથી કામ હોય ત્યારે ત્યાં આવીને રહી શકાય.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો