`વરસાદ શરૂ થતાં ભજિયાંની લારી શરૂ થઈ ગઈ.'

`હા, બહાર ભજિયાં ને ઘરમાં કજિયા.'

***

`ગિલ દરેક ખેલાડીને સુરક્ષિત અને ખુશ જોવા ઈચ્છે છે.'

`ગિલનું આ ગિલ્ટ તો નથીને?'

***

`સુરત એરપોર્ટને નડતી ઇમારતો દૂર થવી જોઈએ.'

`એ તો કોઈ વિમાન દૂર કરશે ત્યારે થશે.'

***

`કેદારનાથમાં હેલિકોપ્ટર તૂટ્યું.'

`હા, પૂણેમાં પુલ તૂટ્યો.'

`અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું.'

`ઘરમાં પત્ની વાસણો તોડે છે.'

`ઘરમાં કે બહાર જોખમ જ

જોખમ છે.'

`પણ ઘરનું તે ઘરનું.'

***

`ટ્રમ્પના વિરોધમાં અમેરિકનો રસ્તા પર ઊતર્યા.'

`મતલબ કે ટ્રમ્પના વિરોધમાં પણ ટ્રમ્પેટ વાગવા માંડ્યું ખરું.'

***

`આજે ભારે વરસાદની

આગાહી છે.'

`અહીં તો ધમધોકાર તડકો છે.'

`પણ ઘરમાં વાદળ ધૂંધવાયેલું છે, તે જોને.'

***

`તમે ટેરેસ પર ગાર્ડન બનાવો છો?'

`હા.'

`કેમ?'

`ગાર્ડન ટેરસ જેવા થાય તો ટેરેસ ગાર્ડન જેવું થઈ શકેને!'

***

`ભાઈ આ આખું શહેર કેમ ખોદી કાઢ્યું છે?'

`મેટ્રો ટ્રેન દોડાવવા.'

`ચાલવાની જગ્યા રાખી નથી ને મેટ્રો દોડાવવાના છો?'

`ટ્રેન દોડશે, પછી ચાલવાની જ જરૂર નહીં રહે.'

`આમ ભૂખે મારવાનો ને શ્રાદ્ધ દૂધપાકથી કરવાનું, એમ જ ને?'

***

`આપણે ધરમનાં ભાઈ-બહેન-પત્ની કહીએ છીએ.'

`તો?'

`ધરમનો પતિ ખરો કે કેમ?'

***

`મારે ડેથ સર્ટિફિકેટ જોઈએ છે.'

`પણ તમે તો જીવો છો.'

`એટલે જ જોઈએ છે.'

`જીવતાને ન અપાય.'

`આ ચંદુને તો આપ્યું.'

`તે તો મરી ગયો હતો.'

`પણ આ તો જીવે છે.'

`તે એ જાણે. અમારે તો એ ગુજરી ગયો છે.'

***

`તમે તો એક જ વૃક્ષ ઉગાડ્યું.'

`તો?'

`એને વન કેમ કહો છો?'

`ડોબા, એનાં ડાળ-પાન ગણવાનાં કે નહીં?'

***

`પ્રદૂષણ રોકવા ઘરદીઠ એક જ કારનો નિયમ કરવો જોઈએ.'

`તો આ ડોબાઓ કાર

નહીં ઘટાડે, ઘર વધારશે.'

***