આધુનિક યુગમાં હવે કમાણીના અવનવા સ્રોતો મળી રહે છે. ક્યાંક માછલીની ઊલટી કરોડોમાં કમાવી દે છે, તો વીંછી કે સાપનું ઝેર પણ અધધ કમાવી દે! એ બધાથી હટકે એક ઊંટનાં આંસુની ખેતીમાંથી ખેડૂતો કમાણી કરી રહ્યા છે!

ભારતમાં સર્પદંશ મોતનું એક મોટું કારણ છે. દર વર્ષે સાપ કરડતાં 58 હજાર લોકો ભારતમાં મૃત્યુ પામે છે. એ ઉપરાંત સર્પદંશને કારણે દર વર્ષે દોઢ લાખ લોકોમાં કોઈ ને કોઈ ખોડખાંપણ રહી જાય છે. હવે શહેરોમાં તો સાપ ખાસ જોવા મળતા નથી, પણ ગ્રામીણ વિસ્તારમાં સાપ હજુ પણ ઘણા જોવા મળે છે. વળી, ખેતીમાં જોતરાયેલા લોકોને માથે સતત સાપ ડંશે એવું જોખમ વધુ હોય છે. જોકે, હવે સર્પદંશનો ઉપચાર શક્ય હોવા છતાં પણ કેટલાય કિસ્સામાં દર્દીને તરત સારવાર મળતી ન હોવાને કારણે તેમનું મૃત્યુ થતાં હોય છે. સામાન્ય રીતે તો સાપના ઝેરનો ઉપયોગ કરીને જ સર્પદંશની સારવાર કરતી રસી બનાવવામાં આવે છે. જોકે, સાપનું ઝેર ઉતારતું એન્ટિવેનમ બનાવવામાં ઘોડાનો પણ ઉપયોગ થાય છે. હવે રાજસ્થાનના બિકાનેર ખાતે આવેલા નેશનલ રિસર્ચ સેન્ટર ઓન કેમલે ઊંટમાંથી સાપનું ઝેર ઉતારતી દવા શોધી છે.

ઊંટ એમ તો રણના વહાણ તરીકે જાણીતું છે. રણમાં પરિવહન માટે ઊંટ ખૂબ જ ઉપયોગી ચોપગું પ્રાણી છે. જોકે, દલપતરામની કવિતા પ્રમાણે ઊંટનાં તો અઢારે અંગ વાંકાં ગણાય છે. ભલે કઢુંગું લાગતું હોય, પણ ઊંટ રણપ્રદેશમાં ટકી શકે એવું પ્રાણી છે. રણપ્રદેશમાં પાણીની અછત રહે છે. વરસાદ ઓછો હોવાને કારણે પીવાનું પાણી ઓછું મળતું હોય છે. માનવી તો પાણી ભરીને રાખી શકે, પણ ઊંટ જેવાં પ્રાણીઓ કંઈ પાણીનો સંગ્રહ થોડાં કરી શકે, પરંતુ કુદરત એ બધું ધ્યાન રાખતી જ હોય છે. એ કારણે જ ઊંટમાં પાણીની કોથળી હોય છે, તેમાં પાણીનો સંગ્રહ થતો હોય છે. મતલબ કે એ પાણીને કારણે ત્રણ કલાક સુધી ઊંટ પાણી વિના રહી શકે છે. એ કારણે જ રણપ્રદેશમાં ઊંટનો ઉપયોગ વધુ થાય છે. એ માલવહન માટે ઊંટગાડી વધુ વપરાતી હોય છે. એ ઊંટનું ઊન તથા તેનું ચામડું પણ શૂઝથી માંડીને અનેક ચીજો બનાવવામાં વપરાય છે. ઊંટગાડી હવે તો ગુજરાતમાં ખાસ જોવા મળતી નથી, પરંતુ એક સમય હતો કે નાના નાના કામ માટે ઊંટગાડી જ ઉપયોગમાં લેવાતી હતી. હવે ઊંટ ખાસ જોવા મળતાં નથી. છતાં ઊંટ આજે પણ રાજસ્થાન તથા બીજા રણપ્રદેશમાં પરિવહન કરતું જોવા મળે છે. એક જમાનો હતો કે ઊંટને પરિવહનના કામ માટે પાળવામાં આવતાં હતાં, તો હવે પરિવહનમાં વાહનો આવી જતાં ઊંટનો ઉપયોગ ઘટી ગયો છે, છતાં હવે કેટલાય લોકો ઊંટને ઉછેરે છે. એક નવું સંશોધન થયું છે, જેમાં ઊંટનાં આંસુ સાપના ઝેરનું મારણ બને છે. એ કારણે જ ઊંટ ઉછેરનો એક બીજો વ્યવસાય શરૂ થયો છે. એ વ્યવસાયમાં પશુપાલકો ઊંટને ઉછેરી તેનાં આંસુ એકત્ર કરીને વેચી શકે છે.

નેશનલ રિસર્ચ સેન્ટર ઓન કેમલના વિજ્ઞાનીઓએ ઊંટનાં આંસુમાં એવાં તત્ત્વો શોધી કાઢ્યાં છે, જે સાપના ઝેરને બેઅસર કરે છે. વિજ્ઞાનીઓએ ઊંટને સો સ્કેલ્ડ વાઈપર સાપનું ઝેર આપ્યું હતું. એ બાદ ઊંટનાં આંસુ અને લોહીનાં સેમ્પલ લઈ અભ્યાસ કરતાં તેનાં આંસુમાં ઝેરને બેઅસર કરે એવા એન્ટિબોડીઝ જોવા મળ્યા હતા. આ એન્ટિબોડીઝ સાપના ઝેરની અસર નાબૂદ કરવાની શક્તિ ધરાવે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે ઘોડામાંથી બનતી એન્ટિવેનમ રસીની સરખામણીએ એલર્જીનું જોખમ પણ ઓછું રહે છે. ઊંટમાંથી એન્ટિબોડીઝ અલગ તારવાનું કામ પણ સરળ છે. નેશનલ રિસર્ચ સેન્ટર ઓન કેમલ ખેડૂતોને ઊંટનાં આંસુ અને લોહીનાં સેમ્પલ આપવા માટે બોલાવાય છે. આંસુ અને લોહીનાં સેમ્પલ આપવા માટે દરેક ઊંટ દીઠ દર મહિને 5થી 10 હજાર રૂપિયાની કમાણી થાય છે. એ સંજોગોમાં ઊંટના ઉછેરથી પણ કમાણી કરી શકાય એવું એક નવું ક્ષેત્ર ખૂલી ગયું છે. ઊંટનાં આંસુ અને લોહી આપીને હજારો રૂપિયા કમાણી થઈ રહી છે ને એ કમાણીની સાથે સાથે સર્પદંશની અસરકારક સારવારથી હજારો લોકોના જીવ પણ બચાવી શકાશે.