કમ્પ્યૂટરના જમાનામાં અંગ્રેજી વિના ચાલે જ નહીં, માતૃભાષામાં પડ્યા રહીશું તો કમ્પ્યૂટર ક્ષેત્રે પછાત રહી જઈશું, બરાબર?
બિલકુલ ખોટી વાત. ચીનમાં અંગ્રેજી ભાષાની જાણકારી પોણા ટકા કરતાં પણ ઓછા લોકો પાસે છે. ત્યાં સાક્ષરતા 95 ટકા છે. અંગ્રેજી જાણનારાઓની આટલી ઓછી સંખ્યા હોવા છતાં ત્યાંની 40 ટકા કરતાં વધુ પ્રજા ઈન્ટરનેટ વાપરે છે.
ભારતમાં સાક્ષરતા 74 ટકા છે, ચીન કરતાં ઓછી પણ અંગ્રેજી જાણતા હોય એવા લોકોનું પ્રમાણ 20 ટકા છે. (પાંચ ટકા લોકો પાસે તો અંગ્રેજીની ફાંકડી જાણકારી છે.) માત્ર આ પાંચ ટકાનો જ આંકડો લો તોય ચીનમાંના અંગ્રેજી જાણકારો કરતાં લગભગ સાત ગણા ભારતીયો અંગ્રેજી જાણે છે. આમ છતાં ચીન કરતાં ચોથા ભાગના ઈન્ટરનેટ યૂઝર્સ છે આપણે ત્યાં. સાડા અગિયાર ટકા જેટલી વસ્તી ભારતમાં ઈન્ટરનેટ વાપરે છે, ચીનની 40 ટકા વસ્તી ઈન્ટરનેટ વાપરે છે.
ભારતની મજાની વાત શું છે કે અહીંના ઈન્ટરનેટ યૂઝર્સમાંથી 42 ટકા લોકો જ્યારે તક મળે કે જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે સ્થાનિક ભારતીય ભાષામાં
સર્ચ કરે છે.
આપણે એમ માની લીધું છે કે ભારતીય કમ્પ્યૂટર નિષ્ણાતો પાસે અંગ્રેજી ભાષાની જાણકારી છે એટલે તેઓ સોફ્ટવેરની દુનિયામાં આગળ છે એવું નથી. દિલ્હી જેટલી વસ્તી ધરાવતા ઈઝરાયેલીઓ માતૃભાષા હિબ્રૂમાં શિક્ષણ પામીને પણ સોફ્ટવેરની દુનિયામાં ભારતીયોની ગળાકાપ સ્પર્ધા કરી રહ્યા છે. ચીનનું સાક્ષરતાનું પ્રમાણ આપણા કરતાં વધુ છે, છતાં ત્યાં અંગ્રેજીના જાણકારોનું પ્રમાણ આપણી સરખામણીએ (તેમજ સ્વતંત્ર રીતે) નહિવત્ છે અને ચીન કમ્પ્યૂટર લિટરસીની બાબતમાં તેમજ ઈન્ટરનેટના વપરાશની બાબતમાં આપણા કરતાં આગળ છે.
ચીની પ્રજા પોતાની માતૃભાષામાં કમ્પ્યૂટર શીખે છે અને વાપરે છે. સારા કમ્પ્યૂટર પ્રોગ્રામર બનવા માટે ચીનમાં અંગ્રેજી અનિવાર્ય નથી. એ જ રીતે સારા એન્જિનિયર, એકાઉન્ટન્ટ, ડૉક્ટર, વકીલ વગેરે બનવા માટે પણ ચીનમાં અંગ્રેજીની જરૂર પડતી નથી. સોફ્ટવેર ક્ષેત્રે ટૂંક સમયમાં જ ચીન ભારત કરતાં આગળ નીકળી જવાનું છે. ચીનનું બિઝનેસ મૉડલ એવું છે કે એક પ્રોજેક્ટ મૅનેજરને ઈંગ્લિશ આવડતું હોય તો બસ છે, એ બીજા લોકો સાથે - દુનિયાભરના ક્લાયન્ટો સાથે - અંગ્રેજીમાં વ્યવહાર કરી લેશે અને દસ ચાઈનીઝ લૅંગ્વેજ પ્રોગ્રામર્સ પાસેથી કામ લેશે. આ બધી માહિતી જે પુસ્તકમાં આપી છે તે પુસ્તક `ભાષા નીતિ: ધ ઈંગ્લિશ મીડિયમ મિથ'ના ત્રણ લેખકોમાંના એક કાર્લ ક્લેમન્સ આ બાબતે પોતાનો અનુભવ ટાંકે છે.
કાર્લ ક્લેમન્સે માઈક્રોસોફ્ટમાં સોફ્ટવેર કવિલ્ટન્ટ તરીકે કામ કર્યું છે. એમની આખી ઓનશોર ટીમ ચીનમાં જન્મેલા અને ભણતર પામેલા લોકોની. એમનો મૅનેજર વર્ષોથી અમેરિકામાં રહે અને અમેરિકન સિટીઝન પણ બની ગયો છતાં એણે ઈન્ફર્મેશન ટેક્નોલોજી-આઈટી વિશે કંઈ પણ લેટેસ્ટ માહિતી જોઈતી હોય તો એ ચાઈનીઝ ભાષાનાં પુસ્તકોમાંથી મેળવે. કાર્લની ઑફશોર ટીમ શાંઘાઈથી કામ કરે. ત્યાંની ટીમમાં થોડાક લોકો ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી બોલે. એ લોકો કાર્લની સાથે કમ્યુનિકેટ કરે. બાકીની ઑફશોર ટીમને અંગ્રેજી બોલતાં બિલકુલ ન આવડે. અગત્યની વાત એ છે કે અંગ્રેજી બોલી શકનારાઓને ટીમના સિનિયર મેમ્બરપદે બેસાડી દેવામાં નહોતા આવ્યા. એ લોકો માત્ર અમેરિકાની ટીમ અને ચાઈનાની ટીમ વચ્ચે લાયઝનનું કામ કરે. રિયલ ટેક્નિકલ કામ કરનારા સિનિયર કે પછી જુવાન તરવરિયા પ્રોગ્રામર્સ બધા જ નોન-ઈંગ્લિશ સ્પીકિંગ ચાઈનીઝ હતા.
હવે અહીં સવાલ એ આવે કે આપણે ત્યાં ક્યાં માતૃભાષામાં કમ્પ્યૂટર શિક્ષણ આપવાની સગવડ છે. એ જ તો રિયલ પ્રૉબ્લેમ છે. આઝાદી પછી તરત રચાયેલી કૉંગ્રેસી સરકારના વામપંથી સલાહકારોએ જો ભારતીય વિદ્યાર્થીઓને મૅકોલેની ગુલામી માનસવાળી શિક્ષણ પ્રથામાંથી બહાર લાવીને માતૃભાષામાં ભણાવવાનું મહત્ત્વ સમજાવ્યું હોત, ત્યારથી જ એવી સિસ્ટમો ઊભી કરી દીધી હોત તો આજે આ વિકરાળ પ્રશ્નનો આપણે સામનો કરવો પડતો ન હોત. રોજનાં બે પાકીટ સિગારેટ પીધા પછી ત્રીસ વર્ષ બાદ કોઈનાં ફેફસાં કેવાં થઈ જાય? એવી હાલત અત્યારે આપણા શિક્ષણ ક્ષેત્રની છે. આજે ને આજે જ જો સિગારેટ છોડી દેવામાં આવે તો પણ તરત ને તરત એનાં ફેફસાંની તાકાત પાછી ન આવી જાય. એના માટે સમય લાગે. તબિયતને રિસ્ટોર કરવા માત્ર સિગારેટ છોડી દેવાથી કંઈ ન થાય, સિગારેટે કરેલું નુકસાન ભરપાઈ કરવા માટે બીજી ઘણી કાળજી લેવી પડે.
એ જ રીતે ઉચ્ચ શિક્ષણ કે ટેક્નિકલ શિક્ષણ માતૃભાષામાં આપી શકાય એવું વ્યવસ્થાતંત્ર ઊભું કરવામાં જ થોડાં વર્ષ વીતી જવાનાં અને એ પછી દાયકા-બે દાયકા લાગવાના, ચીનની જેમ માતૃભાષામાં ભણીગણીને તૈયાર થયેલા સ્માર્ટ ડૉક્ટરો, ઈજનેરો, સોફ્ટવેર નિષ્ણાતો વગેરેને વ્યવહારની દુનિયામાં લાવવામાં. પણ કોઈ કામ અઘરું હોય કે કોઈ પ્રોજેક્ટ પાછળ વર્ષો લાગવાનાં હોય તેને કારણે એ કામ કરવું જ નહીં કે એવા પ્રોજેક્ટો હાથમાં લેવા જ નહીં એવું કોણે કહ્યું? યાદ છે, ગયા અઠવાડિયે જ આ વિષયનો આરંભ કરતી વખતે મેં લખેલું કે દિલ્હી ભલે દૂર હોય, પણ એમ તો નીલ આર્મસ્ટ્રોંગે પહેલું પગલું મૂક્યું ત્યારે ચંદ્ર પણ ક્યાં નજીક હતો? માતૃભાષાના જતન અને સંવર્ધન વિશેની બાકીની વાતો આવતા બુધવારે કરીને આ વિષયની પૂર્ણાહુતિ કરીએ.
સાયલન્સ પ્લીઝ!
જો તમે કોઈની સાથે એ જે ભાષા સમજી શકતો હોય તે ભાષામાં વાત કરશો તો તમારી વાત એના દિમાગમાં બેસી જશે, પણ જો તમે એ જે ભાષા બોલતો હોય એ ભાષામાં એની સાથે વાત કરશો તો તમારી વાત એના દિલમાં ઊતરી જશે.
