એક ભારતીય દુકાનદાર સાથે રોફ જમાવવાનું યુકેમાં કાઉન્સિલરને ભારે પડી ગયું છે. યુકેમાં હેમ્પસ્ટેડમાં કોસ્ટકટર શોપના સ્ટાફને ધમકીઓ આપવાના ફૂટેજ સામે આવતાં નોર્થ લંડનની કેમડેન કાઉન્સિલના કન્ઝર્વેટિવ પાર્ટીના કાઉન્સિલર શિવા તિવારીને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

શોપના કર્મચારીઓએ ઓળખપત્ર વિના યુપીએસ પાર્સલ આપવાનો ઇનકાર કરતાં બંને પક્ષ વચ્ચે માથાકૂટ શરૂ થઇ હતી. વીડિયો ફૂટેજમાં કાઉન્સિલર શિવા તિવારી બૂમો પાડતાં કહે છે કે મને ખીજવશો નહીં. હું આ વિસ્તારનો કાઉન્સિલર છું. હું તમારી દુકાન બંધ કરાવી દઇશ. તેમણે પોતાનું પાર્સલ પ્રાપ્ત કરવા માટે બૂમાબૂમ કરી હતી અને મેનેજરને બોલાવવાનો આગ્રહ રાખ્યો હતો. શિવા તિવારીએ એક કર્મચારીને ધકેલીને સ્ટોરરૂમમાંથી પાર્સલ મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો. શોપના મેનેજર રાકેશ ભીમજિયાનીએ જણાવ્યું હતું કે, અમે પોલીસને બોલાવી હતી, તેથી તિવારી સ્થળ પરથી ચાલ્યા ગયા હતા અને 40 મિનિટ બાદ ઓળખપત્ર સાથે પરત આવ્યા હતા.

ઈમિગ્રેશનના નવા નિયમોથી ભારતીય વિદ્યાર્થીઓ અને સ્કિલ્ડ લોકોને બ્રિટનમાં મુશ્કેલી

યુકેમાં નેટ માઇગ્રેશન ઘટાડવા મંગળવારથી અમલી બનેલા નવા ઇમિગ્રેશન નિયમોથી ભારતીયોને ઘણી અસર થશે, કારણ કે સ્ટુડન્ટ અને સ્કિલ્ડ વર્કર વિઝા મેળવનારામાં ભારતીયોની હિસ્સેદારી ઘણી મોટી છે. યુકેમાં કાયમી વસવાટ માટેની સમયમર્યાદામાં વધારો, અંગ્રેજી ભાષાની ફરજિયાત જાણકારીની જોગવાઇ સહિત અમલી બની રહેલા નિયમો બ્રિટનમાં સ્થાયી થવા, ભણવા અને વ્યવસાય કરવા ઇચ્છતા ભારતીયોની મુશ્કેલીઓમાં વધારો કરશે. વર્ષ 2023માં 2,50,000 ભારતીયો સ્ટુડન્ટ અને સ્કિલ્ડ વિઝા પર બ્રિટન પહોંચ્યા હતા. હેલ્થ અને સોશિયલ કેર વિઝામાં પણ ભારતીયોનો હિસ્સો ઘણો મોટો હતો. હવે નવા નિયમો અંતર્ગત નવા વિદેશી કેર વર્કર્સ માટે બ્રિટન આવવાના દરવાજા બંધ કરી દેવાયા છે. અભ્યાસ પૂરો થયા બાદ અપાતો ગ્રેજ્યુએટ વિઝા પણ બે વર્ષથી ઘટાડીને 18 માસ કરી દેવાયો છે. નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમ્ની યુનિયન યુકેએ આની ભારતીય વિદ્યાર્થીઓ પર પડનારી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે આ વિઝા રૂટનો સૌથી વધુ લાભ ભારતીયો લેતા હોય છે. બીજીતરફ ચાન્સેલર રીવ્ઝ દ્વારા વેલ્થ ટેક્સ લાદવામાં આવે તેવી ભીતિથી ઘણા અમીરો બ્રિટન છોડીને અન્ય દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે ત્યારે એક સરવે પ્રમાણે યુકેમાં અમીર વિદેશી નાગરિકોને આકર્ષવા માટે જનતા નવા ટેક્સ માળખાનું સમર્થન કરી રહી છે. જનતા ઇચ્છે છે કે આ વિદેશી નાગરિકો પ્રાઇવેટ હેલ્થ કેર અને પ્રાઇવેટ સ્કૂલોનો ઉપયોગ કરે તો જ તેમને યુકેમાં આવવાની પરવાનગી આપવી જોઇએ.

વર્ષ 2024માં 2 લાખથી વધુ ભારતીયોએ દેશની નાગરિકતા છોડી દીધી છે!

રાજ્યસભામાં વિદેશ મંત્રાલય પાસેથી ભારતીય નાગરિકતા છોડનારા લોકોના આંકડા માંગવામાં આવ્યા હતા. જેના જવાબમાં વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે, 2024માં 2 લાખથી વધુ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે. જોકે, આ આંકડો વર્ષ 2023ની સરખામણીમાં થોડો જ ઓછો છે. રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે રાજ્યસભામાં ભારતીય નાગરિકતા છોડવાને લઈને એક પ્રશ્નના જવાબમાં આ ડેટા રજૂ કર્યો હતો. ડેટા દર્શાવે છે કે 2023ની સરખામણીમાં 2024માં થોડો ઘટાડો થયો છે, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી આ આંકડો 2 લાખથી ઉપર રહ્યો છે. જોકે, 2020માં 2019ની સરખામણીમાં ગ્રાફ ઝડપથી ઘટીને માત્ર 85 હજાર થઈ ગયો. આ પછી 2021માં તે ફરીથી 1.5 લાખને વટાવી ગયો. આ પછી આગામી બે વર્ષ માટે વધારો નોંધવામાં આવ્યો હતો. અમેરિકા અને બ્રિટનમાં પણ લોકો બીજા દેશોમાં વસી રહ્યા છે. મોટાભાગે શ્રીમંતોમાં આ ટ્રેન્ડ વધી રહ્યો છે.

ટ્રમ્પ ફરી વિફર્યા : નિંદા કરનાર અભિનેત્રીને દેશ બહાર કાઢી મૂકવા ધમકી આપી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટોક શો હોસ્ટ અને અભિનેત્રી રોઝી ઓ'ડોનેલને અમેરિકન નાગરિકતા છીનવી લેવાની ધમકી આપી હતી, કારણ કે તેમણે ચોથી જુલાઈના રોજ ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરમાં 199 લોકોનાં મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત તેમણે ટ્રમ્પ સરકારની નીતિઓની નિંદા કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, `રોઝી ઓ'ડોનેલ અમારા દેશના (અમેરિકા) હિતમાં નથી, તેથી હું તેમની નાગરિકતા રદ કરવાનું વિચારી રહ્યો છું. તે માનવતા માટે ખતરો છે અને જો આયર્લેન્ડ તેમને રાખવા માંગે છે તો તેને ત્યાં રહેવા દો. ગોડ બ્લેસ અમેરિકા!' અભિનેત્રી રોઝી ઓ'ડોનેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ચોથી જુલાઈના રોજ ટેક્સાસમાં આવેલા વિનાશક પૂર પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ આપદામાં 119 લોકો મૃત્યુ પામ્યાં હતાં. આ ઉપરાંત તેમણે પર્યાવરણની જાળવણી અને આપદા અંગેની આગાહી સંબંધિત સરકારી એજન્સીઓને ફંડમાં કાપ મૂકવાને લઈને ટ્રમ્પ સરકારની નિંદા કરી હતી.