તમને પૂછવામાં આવે કે દુનિયાનો સૌથી ઊંચો પર્વત કયો? તો તમે ફટ્ટ દઈને આપણા પર્વતરાજ હિમાલયના માઉન્ટ એવરેસ્ટનું નામ આપી દો. જવાબ ખોટો નથી.

દરિયાની સપાટીથી 8,848 મીટર ઊંચાઈએ આવેલું માઉન્ટ એવરેસ્ટ જ નહિ, પણ હિમાલય પર્વતમાળાના અન્ય શિખરો પણ ગગનચુંબી ઊંચાઈ ધરાવે છે. હજારો વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી હિમાલયની પર્વતમાળા ભૌગોલિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની છે. તે ભારતીય ઉપખંડને તિબેટિયન પ્લેટોથી (Plateau) અલગ કરે છે. ઓકે ફાઈન. હવે બીજો એક પ્રશ્ન, સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત કયો?

 જવાબ છે ઓલિમ્પસ મોન્સ (Olympus Mons) નામનો પર્વત. માનવજાતે અત્યાર સુધીમાં બ્રહ્માંડ વિશે જે કંઈ જાણકારી મેળવી છે, એ મુજબ ઓલિમ્પસ મોન્સને બ્રહ્માંડનો સૌથી ઊંચો પર્વત ગણવામાં આવે છે. ઓલિમ્પસ મોન્સ મંગળ ગ્રહ પર આવેલો છે. વૈજ્ઞાનિકોના મતે આ પર્વત 21.9 કિલોમીટર એટલે કે આપણા માઉન્ટ એવરેસ્ટ કરતાં અઢીથી ત્રણ ગણો ઊંચો છે! વળી, પહોળાઈમાં પણ તે 600 કિલોમીટરનો છે! આ ડાયમેન્શન્સ ઓલિમ્પસ મોન્સને ખરા અર્થમાં સૃષ્ટિનો જાયન્ટ પર્વત ઘોષિત કરવા પૂરતા છે. પ્રશ્ન એ છે કે પૃથ્વીના અડધા કરતાંય ઓછા કદના ગ્રહ મંગળ ઉપર હિમાલયથીય મોટો પર્વત બન્યો કઈ રીતે? પૃથ્વી નામના પ્રમાણમાં મોટા ગ્રહ પર બનેલા હિમાલયનેય ઓલિમ્પસ મોન્સને જોઈને ઈર્ષ્યા થતી હશે, `ઉસકી ઊંચાઈ મુઝસે અધિક કયું?' વૈજ્ઞાનિકોના મતે આ માટે ત્રણ કારણો જવાબદાર છે.

ઓલિમ્પસ મોન્સ એક જ્વાળામુખી પર્વત છે. આ છે પહેલું કારણ. આપણે જાણીએ છીએ પૃથ્વીના પ્રારંભિક વર્ષો દરમિયાન જ્વાળામુખીય પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલતી હતી, પરંતુ સમયાંતરે આ જ્વાળામુખીઓ અને એમાંથી ફેલાયેલો લાવા ઠંડા પડતા ગયા. સાથે જ નવા પર્વતીય વિસ્તારો પણ અસ્તિત્વમાં આવતા ગયા. દાખલા તરીકે દક્ષિણ ભારતીય વિસ્તારો. પૃથ્વીની સાપેક્ષે મંગળ પર મોટા મોટા જ્વાળામુખીઓ બહુ લાંબા સમય સુધી એક્ટિવ રહ્યા. આને પરિણામે પૃથ્વીની સાપેક્ષે મંગળ ઉપર નવા પર્વતો બનવાની પ્રક્રિયા બહુ મોડે સુધી ચાલતી રહી. ઓલિમ્પસ મોન્સની ગણના મંગળના સૌથી `યુવાન' એટલે કે સૌથી છેલ્લે બનેલા પર્વત તરીકે થાય છે.

બીજું કારણ છે ટેક્ટોનિક પ્લેટ્સની મૂવમેન્ટ. આપણે જાણીએ છીએ કે પૃથ્વી જુદા જુદા ભૂખંડોમાં વહેંચાયેલી છે. આ ટેક્ટોનિક પ્લેટ્સની હલચલને કારણે જ ભૂકંપ આવતા હોય છે. બે ટેક્ટોનિક પ્લેટ્સ એકબીજા સાથે અથડાય ત્યારે નવા પર્વતોની રચના થાય છે. હવે મંગળની વાત કરીએ તો અહીં ટેક્ટોનિક પ્લેટ્સની મૂવમેન્ટ્સ પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટ્સ કરતાં પ્રમાણમાં ધીમી છે. ધીમી મૂવમેન્ટ્સ કરતી ટેક્ટોનિક પ્લેટ્સ વચ્ચે જ્યારે અથડામણ થાય, ત્યારે બહુ આરામથી-ધીમે ધીમે પર્વતની રચના થતી હોય છે. આપણે ઉતાવળે પત્તાંનો મહેલ બનાવીએ, તો એ વિખેરાઈ જવાની સંભાવના વધુ હોય છે, પણ શાંતિથી પત્તાં ગોઠવવામાં આવે તો એવું નથી થતું. પર્વતોની રચનામાં પણ આ જ નિયમ લાગુ પડે છે. જ્યારે પ્લેટ્સ ધીમી ગતિએ ભીંસાય, ત્યારે એકની ઉપર એક લેયર બનવામાં સરળતા રહે છે અને એ રીતે બનતા પર્વતની ઊંચાઈ વધુ હોવાની સંભાવના પૂરેપૂરી. (હા ભાઈ હા, પત્તાંના મહેલનું ઉદાહરણ માત્ર સાદી સમજ પૂરતું છે. બહુ સિરિયસલી લેવું નહિ.)

લાસ્ટ બટ નોટ લિસ્ટ, ઓલિમ્પસ મોન્સની જાયન્ટિક ઊંચાઈ માટે જવાબદાર ત્રીજું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. મંગળનો ગ્રહ પૃથ્વીની સાપેક્ષે કદમાં તો ખાસ્સો નાનો છે જ, પરંતુ એની ઘનતા (density) પણ પૃથ્વીની સાપેક્ષે ખાસ્સી ઓછી છે. એટલે સ્વાભાવિક રીતે જ એની અસર ગ્રેવિટી ઉપર દેખાય. મંગળ ગ્રહ પર ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીની સરખામણીએ 38% જેટલું જ છે. સરળ રીતે સમજવું હોય તો પૃથ્વી પર 100 કિલો વજન ધરાવતો માણસ મંગળ પર જાય, તો ત્યાં એનું વજન 38 કિલોગ્રામ જેટલું જ નોંધાય! (આ વાંચ્યા પછી જાડિયા સમાજે મંગળ પર કોઈ રેસિડેન્સિયલ સ્કિમ ચાલુ થઇ છે કે કેમ, એની પૂછાપૂછ કરવી નહિ!)

ચાલો, માન્યુ કે પૃથ્વીની સાપેક્ષે મંગળ પર ગ્રેવિટી ઓછી છે, પણ પર્વતની ઊંચાઈ સાથે એને શું સંબંધ? વાત એમ છે કે પર્વતનું ફોર્મેશન થતું હોય, એ સમયે ટેક્ટોનિક પ્લેટ્સ વચ્ચેની અથડામણને કારણે ઊંચકાઈ ગયેલા પોપડા ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મેગ્મા તરફ પાછા ધકેલાતા રહે છે. હવે મંગળ પર ગ્રેવિટી ઓછી છે. એટલે ઊંચકાયેલાં પોપડાંઓને ફરી નીચે તરફ ધકેલતું ગુરુત્વાકર્ષણ બળ પણ ઓછું જ હોવાનું. પરિણામે પૃથ્વીની સાપેક્ષે મંગળ પર બનતા પર્વતો સામાન્ય રીતે વધુ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે.

વૈજ્ઞાનિકોના મત મુજબ ઉપર જણાવ્યાં એ ત્રણેય કારણોની સંયુક્ત અસર હેઠળ ઓલિમ્પસ મોન્સ પર્વત આટલી ઊંચાઈ પ્રાપ્ત કરીને સૌથી ઊંચો પર્વત બની શક્યો છે. જોકે, સૌરમંડળમાં બીજા પણ કેટલાક જાણવા જેવા પહાડો આવેલા છે.

જેમ કે, ચંદ્ર પર આવેલ મોન્સ હ્યુજન્સ પર્વતમાળા. એનું સૌથી ઊંચું શિખર મોન્ટેસ એપેનિનસ 5,300 મીટરની ઊંચાઈ ધરાવે છે. પોણા ચાર અબજ વર્ષ પહેલાં એકાદ ઉલ્કાપિંડ સાથેની અથડામણને પ્રતાપે આ પર્વતમાળા સર્જાઈ હતી. ચંદ્ર પર આપણા જેવું વાતાવરણ ન હોવાને કારણે પહાડોના ક્ષયની (erosion) પ્રક્રિયા થતી નથી. સૌરમંડળમાં આવેલા બીજા અનેક પહાડોમાં આવી અનેક ખૂબીઓ જોવા મળે છે. જોકે, આપણે તો હજી પૃથ્વીની જ અનેક પર્વતમાળાઓનાં રહસ્યો ઉકેલવાના બાકી છે. ખરુંને!