એમ તો મહિલાને પુરુષ સમોવડી ગણવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. 2023 સુધીમાં આખી દુનિયામાં મહિલાઓ અને પુરુષો વચ્ચેનો ભેદભાવ મિટાવી દેવાનું લક્ષ્ય હતું, પરંતુ લક્ષ્યથી આજે પણ દુનિયા જોજનો દૂર છે. આખી દુનિયામાં પગારથી માંડીને કામની બાબતમાં મહિલા અને પુરુષો વચ્ચે ભારે ભેદભાવ આખી દુનિયામાં ચાલે છે. એ ભેદભાવ દુનિયાને મોંઘો પડે છે!

એ ખરું કે આજે તમામ ક્ષેત્રોમાં મહિલાએ પોતાનું કૌશલ્ય દેખાડ્યું છે. હાલમાં જ સુનીતા વિલિયમ્સ એક વર્ષ કરતાં વધુ સમય અવકાશમાં ગાળીને પરત ફર્યાં હતાં. એ કટોકટી પણ પાર પાડીને પરત આવ્યાં, તો યુદ્ધ ક્ષેત્રમાં પણ હવે મહિલાઓ શૌર્ય દેખાડી રહી છે. તો વિવિધ રમતોમાં પણ મહિલાઓ અગ્રેસર છે. છતાં એ તમામમાં ઈનામની રકમથી માંડીને વિવિધ નિયમોમાં પણ ભેદભાવ દેખાઈ આવે છે. વર્ષોથી બંને વચ્ચેનો ભેદભાવ દૂર થાય અને સમાનતાના હકો મળે એ દિશામાં પગલાં ભરાઈ રહ્યાં છે, પરંતુ હજુ ભેદભાવ દૂર થતા નથી. જોકે, એમાં સામાજિક પરંપરા પણ કારણભૂત છે. ઘણા દેશોમાં સામાજિક નિયંત્રણો એવાં છે કે જ્યાં જન્મથી જ ભેદભાવ શરૂ થઈ જતા હોય, ત્યાં સમાનતા તો એક સાકાર થઈ ન શકે એવું સપનું લાગ્યા વિના ન રહે.

સામાન્ય રીતે ધરતી પર પુરુષ અને મહિલાઓની વસ્તી અડધોઅડધ ગણી શકાય. જોકે, એમાં પણ ભારત જેવા દેશોમાં પુત્રપ્રેમ વધુ હોવાને કારણે સંતુલન ખોરવાયું છે. તેનો દુષ્પ્રભાવ પડી રહ્યો છે, તે તો સાવ અલગ જ મુદ્દો છે, પરંતુ મહિલા અને પુરુષો વચ્ચેની ગેરબરાબરી દુનિયાને મોંઘી પડી રહી છે. એ વાત સંયુક્ત રાષ્ટ્રસંઘની નવી જેન્ડર સ્નેપશોટ 2024ના રિપોર્ટમાં ઊડીને આંખે વળગે છે. યુનેસ્કોના ડેટા મુજબ તો યુવાનો, ખાસ કરીને છોકરીઓના શિક્ષણ અને તાલીમમાં રોકાણ નહીં થવાથી દુનિયાને 100 ટ્રિલિયન ડોલરથી વધુનું નુકસાન થઈ રહ્યું છે. સબસહારા આફ્રિકામાં એ નુકસાન 210 અબજ ડોલરનું છે. એટલી રકમ એટલે એ વિસ્તારના જીડીપીના 10 ટકાથી વધુ છે. એ અહેવાલમાં એવું પણ તારણ કાઢવામાં આવ્યું છે કે ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં ડિજિટલ લૈંગિક અંતર દૂર કરવાનું ખૂબ જ મહત્ત્વનું છે. એમ થાય તો આવતાં પાંચ વર્ષોમાં સરેરાશ 500 અબજ ડોલરની બચત થઈ શકે છે.

ઘણા દેશોમાં ઘરેલુ હિંસા એક મોટી સમસ્યા છે. ભારત જેવા દેશોમાં પણ હવે તો ઘરેલુ હિંસા વિરોધી કાયદા બન્યા છે. છતાં હજુ ઘરેલુ હિંસા સાવ બંધ થઈ નથી. જોકે, ફરિયાદ પણ પ્રમાણમાં ઓછી થતી હોય એમ લાગે છે. હજુ ઘણી મહિલાઓ એમ માને છે કે ઘરમાં તો પુરુષોનું જ રાજ હોય એટલે તેઓ વિરોધ કરતી નથી. દુનિયામાં જે દેશોમાં ઘરેલુ હિંસા વિરોધી કાયદો છે, એ દેશોમાં જીવનસાથી સાથેની હિંસાનો દર 5 ટકા છે, પણ જ્યાં એવા કાયદા નથી, એ દેશોમાં ઘરેલુ હિંસાનો દર 16 ટકા છે.

એવી ગણતરી માંડવામાં આવે છે કે જો ખેતીમાં કામ કરતી મહિલા અને પુરુષો વચ્ચેના ભેદને ખતમ કરી દેવામાં આવે તો દુનિયાના જીડીપીમાં 10 ટ્રિલિયન ડોલરનો વધારો થઈ શકે છે. એમ થાય તો દુનિયામાં 4.5 કરોડ લોકોને ભૂખમરાની સ્થિતિમાંથી બચાવી શકાય.

રાજકારણમાં પણ આ ભેદભાવ હજુ પણ છે.

ભારતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહિલાઓને પ્રાધાન્ય મળ્યું છે, પણ ધારાસભા અને લોકસભામાં મહિલાઓની સંખ્યા સાવ ઓછી છે. 2024માં દુનિયાભરની સંસદોમાં મહિલા સાંસદોની સંખ્યા ફક્ત 27 ટકા હતી અને સ્થાનિક સરકારોમાં 35.5 ટકા બેઠકો પર મહિલાઓ હતી. જોકે, આજે પણ દુનિયાના 107 દેશો એવા છે, જ્યાં ક્યારેય દેશના વડા તરીકે મહિલાની વરણી કે ચૂંટાઈ આવી નથી. એ માટે વિવિધ દેશોમાં મહિલાઓની રાજકારણમાં ભાગીદારી વધે એ માટે કાયદા બન્યા છે, પણ હજુ એનો અમલ થયો નથી. બીજી તરફ મહિલાઓને બરાબરીના હકદાર બનાવવા માટે શ્રમ કાયદામાં ભેદભાવ ઓછા કરવાથી માંડીને મહિલાઓને સંપત્તિના અધિકારની ગેરંટી તેમજ ઘરેલુ હિંસા વિરોધી કાયદા જેવા કાયદાઓ ઘડાયા છે. તેમ છતાં હજુ ઘણા દેશો એવા છે, જ્યાં ઘરેલુ હિંસાથી માંડીને તલાકમાં સમાન અધિકારો મહિલાઓને મળ્યા નથી.