મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને જે ઉપદેશો આપે છે, તે એટલા વ્યાપક અને ઊંડા છે કે તે આજના સમયમાં પણ વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ માટે પ્રેરણાદાયી છે. આ ઉપદેશોમાં ભીષ્મ માત્ર રાજધર્મ કે શાસનની વાત નથી કરતા.

પરંતુ એવી સમજ આપે છે જે વ્યક્તિને પોતાની અંદરની શક્તિ અને ક્ષમતાઓને ઓળખીને સતત આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. આજના આધુનિક સંદર્ભમાં, જ્યાં `સ્કિલ ડેવલપમેન્ટ' એક મહત્ત્વનો વિષય બની ગયો છે, ભીષ્મના ઉપદેશો એવા સિદ્ધાંતો પૂરા પાડે છે જે બૌદ્ધિક, નૈતિક અને વ્યવહારિક કૌશલ્યોના વિકાસમાં મદદરૂપ થાય છે. ખાસ કરીને આત્મશિસ્ત, સ્વ નિયંત્રણ અને જ્ઞાનની નિરંતર શોધ જેવા સિદ્ધાંતો આજના ઝડપી બદલાતા વિશ્વમાં પણ અત્યંત સુસંગત છે. આ ઉપરાંત ભીષ્મની એક બીજી મહત્ત્વની સલાહ છે કે આ જગતમાં ક્લેશ એટલો સુલભ છે કે તેમાં ફસાવું એટલું સરળ છે, પરંતુ એક સાચા લીડરે હંમેશાં ક્લેશથી દૂર રહીને પોતાનો વિકાસ અને પ્રગતિ પર ધ્યાન આપવું જોઈએ.

ભીષ્મ યુધિષ્ઠિરને સમજાવે છે કે કોઈ પણ કૌશલ્યનો વિકાસ કરવા માટે સૌથી પહેલાં મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવવું જરૂરી છે. આત્મશિસ્ત વિના કોઈ નવી ક્ષમતા શીખવી અશક્ય છે. આ ઉપદેશ આજના સમયમાં પણ સચોટ લાગે છે. આજે આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં ડિસ્ટ્રેક્શનનું પ્રમાણ અધિક છે. સોશિયલ મીડિયા, નોટિફિકેશન્સ અને દરેક ક્ષણે નવી માહિતીનો પ્રવાહ આપણું ધ્યાન ભટકાવે છે. આવા સમયમાં નવું કૌશલ્ય શીખવા માટે ફોકસ અને ધૈર્યની જરૂર છે.

ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ કોડિંગ શીખવા માંગે છે, તો તેને નિયમિત અભ્યાસ, સમયનું સંચાલન, અને ધ્યેયોનું આયોજન કરવું પડે છે. ભીષ્મની આ સલાહ આજે પણ એટલી જ પ્રસ્તુત છે જેટલી તે મહાભારતના સમયમાં હતી. આત્મશિસ્ત એટલે એવી આદતો વિકસાવવી જે આપણને નાના-નાના વિક્ષેપોને દૂર રાખીને આપણાં લક્ષ્યો સુધી પહોંચાડે. જેમ કે, દરરોજ એક નિશ્ચિત સમયે શીખવાની પ્રેક્ટિસ કરવી, ફોનનો ઉપયોગ ઓછો કરવો, અથવા નાનાં ધ્યેયો સેટ કરીને તેને પૂર્ણ કરવું. આ બધું ભીષ્મના આત્મશિસ્તના સિદ્ધાંતને અનુસરે છે.

આ ઉપરાંત ભીષ્મ એ વાત પર પણ ભાર મૂકે છે કે જ્ઞાનની શોધ ક્યારેય બંધ ન થવી જોઈએ. તેઓ યુધિષ્ઠિરને સમજાવે છે કે એક રાજા અથવા વ્યક્તિએ હંમેશાં શાસ્ત્રો, અનુભવો અને વિવિધ સ્રોતોમાંથી શીખતા રહેવું જોઈએ. આજના સંદર્ભમાં આ સલાહ `આજીવન શીખવું' (Lifelong Learning)ના ખ્યાલ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. આજે ટેક્નોલોજી અને ઇન્ડસ્ટ્રીઝ ઝડપથી બદલાઈ રહી છે. નવી ટેક્નોલોજી, ટ્રેન્ડ્સ અને કૌશલ્યોની માંગ સતત વધી રહી છે. ઉદાહરણ તરીકે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ અથવા ડિજિટલ માર્કેટિંગ જેવાં ક્ષેત્રોમાં સફળ થવા માટે સતત શીખવું જરૂરી છે.

ઓનલાઈન કોર્સ, વર્કશોપ અથવા મેન્ટરશિપ દ્વારા આપણે આ સલાહને અમલમાં મૂકી શકીએ છીએ. ભીષ્મનો આ ઉપદેશ આપણને એ પણ શીખવે છે કે જ્ઞાનની શોધ માત્ર પુસ્તકો પૂરતી મર્યાદિત નથી; તે અનુભવો, નિષ્ફળતાઓ અને બીજાના માર્ગદર્શન દ્વારા પણ મેળવી શકાય છે.

 આ બંને સિદ્ધાંતોની સાથે ભીષ્મની એક બીજી મહત્ત્વની સલાહ છે જે આજના સમયમાં લીડરશિપ અને વ્યક્તિગત વિકાસ માટે અત્યંત જરૂરી છે: ક્લેશથી દૂર રહેવું. ભીષ્મ કહે છે કે આ જગતમાં ક્લેશ એટલો સરળતાથી ઉપલબ્ધ છે કે નાની-નાની બાબતોમાં પણ માણસ તેમાં ફસાઈ જાય છે. પછી તે સ્વજનો સાથે હોય, મિત્રો સાથે હોય કે પરિચિતો સાથે હોય. ક્લેશ એક એવી વસ્તુ છે જે આપણી શાંતિ, સમય અને શક્તિને નષ્ટ કરે છે. ભીષ્મનું કહેવું છે કે એક સાચા લીડરે આવા ક્લેશથી હંમેશાં દૂર રહેવું જોઈએ. આ માટે તેઓ સમત્વની ભાવનાને અપનાવવાની સલાહ આપે છે. સમત્વ એટલે એવી માનસિક સ્થિતિ જ્યાં વ્યક્તિનું મન અપમાન, અહમ કે ગમા-અણગમાથી પ્રભાવિત ન થાય.

ભીષ્મ એક સુંદર ઉદાહરણ આપે છે: જે લીડર જમીન પર અને પલંગ પર એકસરખી ભાવનાથી ઊંઘી શકે કે જે છપ્પન ભોગ અને સૂકી રોટલી એકસરખા ભાવથી જમી શકે, તે સ્થિતપ્રજ્ઞ બની શકે છે. આવી વ્યક્તિ ક્લેશથી દૂર રહે છે, કારણ કે તેને બીજા શું કહે છે, શું વિચારે છે કે કેવું વર્તન કરે છે, તેનાથી કોઈ ફરક નથી પડતો.

આજના સમયમાં જ્યાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને સોશિયલ મીડિયાના ઝડપી વિશ્વમાં લોકોની ધીરજ ઓછી થઈ ગઈ છે, ભીષ્મની આ સલાહ વધુ મહત્ત્વની બની જાય છે. આજે નાની-નાની બાબતોમાં ક્લેશ થઈ જાય છે. પછી તે ઓફિસમાં સહકર્મી સાથેનો મતભેદ હોય, સોશિયલ મીડિયા પર કોઈની કોમેન્ટ હોય કે ઘરમાં કોઈ નાની ગેરસમજ હોય. આવા ક્લેશ આપણો સમય, શક્તિ અને માનસિક શાંતિ બગાડે છે. ભીષ્મની સલાહ અનુસાર, જો આપણે સમત્વનો ભાવ રાખીએ, તો આવા ક્લેશથી બચી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો કોઈ સહકર્મી તમારી ટીકા કરે, તો તેને વ્યક્તિગત રીતે ન લઈને, તેમાંથી શું શીખી શકાય તેના પર ધ્યાન આપવું. આવો અભિગમ આપણને નકામા વિવાદોમાંથી બચાવે છે અને આપણી ઊર્જાને સકારાત્મક દિશામાં વાળે છે.

આ સમત્વની ભાવના લીડરને માત્ર ક્લેશથી દૂર રાખતી નથી, પરંતુ તેને પોતાનાં ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ પણ આપે છે.

જે વ્યક્તિ આવી ભાવના ધરાવે છે, તે બીજા સાથે વર્તતી વખતે પણ સંયમ અને સમજણ રાખે છે. આનાથી ન માત્ર તેના વ્યક્તિગત સંબંધો સુધરે છે, પરંતુ તેની લીડરશિપ ક્ષમતાઓ પણ વધે છે. ઉદાહરણ તરીકે, એક મેનેજર જે ટીમના સભ્યોની નાની ભૂલોને નજરઅંદાજ કરીને તેમની સાથે સકારાત્મક રીતે વાતચીત કરે છે, તે ટીમનો વિશ્વાસ જીતે છે અને વધુ સારું પરિણામ મેળવે છે. આવો લીડર નાની-નાની બાબતોમાં ક્લેશ કરવાને બદલે, પોતાનાં ધ્યેયો અને ટીમની પ્રગતિ પર ધ્યાન આપે છે.

ભીષ્મના આ ઉપદેશો આપણને શીખવે છે કે સ્કિલ ડેવલપમેન્ટ એ માત્ર ટેક્નિકલ કૌશલ્યો શીખવા પૂરતું મર્યાદિત નથી. તેમાં આત્મશિસ્ત, સતત શીખવાની ભાવના અને સમત્વ જેવા ગુણોનો પણ સમાવેશ થાય છે. આજના સમયમાં જ્યાં આપણે ઝડપી પરિણામોની અપેક્ષા રાખીએ છીએ, ભીષ્મની સલાહ આપણને ધીરજ, સંયમ અને સકારાત્મક અભિગમ અપનાવવા પ્રેરે છે. ક્લેશથી દૂર રહીને, આપણે આપણી શક્તિ અને સમયને એવી બાબતોમાં લગાવી શકીએ છીએ જે આપણને ખરેખર આગળ લઈ જાય. આખરે જીવનમાં ઘણું કરવાનું છે, ઘણું જોવાનું છે અને ઘણું માણવાનું છે. તો પછી નાની-નાની બાબતોમાં ક્લેશ કરીને પોતાનો સમય અને શાંતિ શા માટે બગાડવી? ભીષ્મની આ સલાહ અનુસાર એક સાચો લીડર એ જ છે જે ક્લેશથી દૂર રહીને, પોતાનાં ધ્યેયો અને શ્રેષ્ઠતાની સાધનામાં જોતરાયેલો રહે.