સંરક્ષણ અનુસંધાન અને વિકાસ સંગઠન યાને DRDO દ્વારા સ્નાતકસ્તરે અભ્યાસરત અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશિપની શરૂઆત કરવામાં આવી છે. જે ઉમેદવારો વિજ્ઞાન અને ટેક્નોલોજીના ફિલ્ડમાં અભ્યાસરત હોય અને ખાસ તો તેમાં રૂચિ ધરાવતા હોય તો તેમના માટે આ તક છે. જો તેઓ DRDOની ઈન્ટર્નશિપમાં સામેલ થઈને પોતાનું કોશલ્ય અને આવડત વધારવા માંગતા હોય તો તેઓ આ તક ઝડપી શકે. વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમથી તારીખ 15મી ડિસેમ્બર, 2025 સુધીમાં અરજી કરી શકે છે. આ ઈન્ટર્નશિપ તારીખ 1 જાન્યુઆરી, 2025થી શરૂ થશે. DRDO એટલે કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન એ ભારતના સંરક્ષણ મંત્રાલય અંતર્ગત કાર્યરત એક અગ્રણી સંશોધન અને વિકાસ સંસ્થાન છે. 1958માં સ્થાપિત આ સંસ્થાન મુખ્યત્વે ડિફેન્સ ટેક્નોલોજી, સિસ્ટમ અને સંસાધનોમાં ઊંડું રીસર્ચ હાથ ધરે છે. આ દ્વારા તે ભારતીય સશસ્ત્ર દળોને સ્વનિર્ભર કરવાની દિશામાં કાર્યરત છે. બલસ્ય મૂલમ વિજ્ઞાનમનો મુદ્રાલેખ ધરાવનાર આ સંસ્થાનો અનુભવ મૂલ્યવાન ગણાય છે.
કોણ અરજી કરી શકે?
DRDOની આ ઈન્ટર્નશિપ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે. જે ઉમેદવારો BTech, MSc કે MTech કોર્સના બીજા વર્ષમાં અભ્યાસરત હોય તેઓ આ ઈન્ટર્નશિપ માટે અરજી કરી શકે છે. BTech કોર્સમાં અભ્યાસરત વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરીંગ અને સિવિલ ઈજનેરી શાખામાં ઈન્ટર્નશિપ જાહેર થઈ છે. આ ઉપરાંત, MTech બીજા વર્ષમાં અભ્યાસરત વિદ્યાર્થીઓ માટે રિમોટ સેન્સિંગ અને જીઓઈન્ફોર્મેટિક્સ શાખામાં ઈન્ટર્નશિપ કરવાની તક છે. સાથે જ આ ઈન્ટર્નશિપમાં અરજી કરવા માટે ઉમેદવારની વય 28 વર્ષથી ઓછી હોવી જોઈએ.
કેટલું સ્ટાઈપેન્ડ મળશે?
આ ઈન્ટર્નશિપમાં પસંદ થયેલા ઉમેદવારોને છ મહિના સુધી પ્રતિમાસ 5,000 રૂપિયા સ્ટાઈપેન્ડ મળશે.
પસંદગી કેવી રીતે કરાશે?
ઉમેદવારોની પસંદગી સારી શૈત્રણિક સિદ્ધિઓના આધારે કરવામાં આવશે. DRDOની આ ઈન્ટર્નશિપમાં સામેલ થવા માટે ઉમેદવારોએ તેમના અગાઉના ધોરણોમાં 75 ટકાથી વધુ પ્રાપ્ત કર્યા હોવા જોઈએ. આ ઉપરાંત ઈન્ટર્નશિપ દરમિયાન માત્ર એવા જ ઉમેદવારોને સ્ટાઈપેન્ડ અપાશે જેમણે ઓછામાં ઓછા 15 દિવસ લેબોરેટરીમાં સમય આપ્યો હોય. ઈન્ટર્નશિપને લગતી અન્ય માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈને જાહેરનામું જોઈ જવું.