વર્ષ 1990માં અમેરિકાએ એમનો જે `ધ ઈમિગ્રેશન નેશનાલિટી એક્ટ' 1952 હતો એમાં જે ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરીઓ હતી, જેની હેઠળ પરદેશીઓને ઈમિગ્રન્ટ વિઝા મળી શકે અને તેઓ અમેરિકામાં જઈને ત્યાં કામ કરી શકે અને કાયમ રહી શકે એ એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરીઓમાં એક પાંચમી એમ્પ્લોયમેન્ટ બેઝ ફિફ્થ પ્રેફરન્સ કેટેગરીનો ઉમેરો કર્યો.

1990માં દાખલ કરવામાં આવેલ આ એમ્પ્લોયમેન્ટ બેઝ ફિફ્થ પ્રેફરન્સ કેટેગરી સૌ પ્રથમ બેઝિક કેટેગરી હતી. સૌ એને ટૂંકમાં `ઈબી-5' બેઝિક કેટેગરી કહેતા હતા. આ કેટેગરી હેઠળ નક્કી કરવામાં આવેલ રકમ અમેરિકાના નવા બિઝનેસમાં તમે રોકો એ બિઝનેસમાં દસ અમેરિકનોને ફુલ ટાઈમ નોકરીમાં રાખો, તમે જાતે એ બિઝનેસ ચલાવો તો તમને એટલે કે ઈન્વેસ્ટરને ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે. તે મેળવીને તમે અમેરિકામાં પ્રવેશીને પછી ગ્રીન કાર્ડ મેળવી શકો.

શરૂઆતમાં આ ગ્રીન કાર્ડ બે વર્ષનું હોય. બે વર્ષ પૂરાં થાય એ પહેલાં તમારે ફરી પાછી અરજી કરીને દેખાડી આપવાનું કે તમે જે રોકાણ કર્યું છે એ પાછું નથી ખેંચી લીધું અને તમારા નવા બિઝનેસમાં દસ અમેરિકનોને ફુલ ટાઈમ નોકરી આપી છે. તેમજ અન્ય શરતોનું પાલન કર્યું છે. એટલે તમારું જે બે વર્ષનું કન્ડિશનલ ગ્રીન કાર્ડ હોય એ કાયમનું કરી આપવામાં આવે. તમારી સાથે સાથે તમારી પત્ની યા પતિ, જો પત્નીએ ઈન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો પતિ અને 21 વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનોને પણ ડિપેન્ડન્ડ ઈમિગ્રન્ટ વિઝા આ `ઈબી-5' પ્રોગ્રામ હેઠળ આપવામાં આવે છે.

આ પ્રોગામને જોઈએ એટલી સફળતા ન મળી, કારણ કે અમેરિકામાં નવો બિઝનેસ ખોલવાના હોય તો એ કયો બિઝનેસ ખોલવો જોઈએ? ક્યાં ખોલવો જોઈએ? તમે એ બિઝનેસ જ્યાં ખોલો ત્યાં દસ માણસોને તમે રોકી શકો એવો એ બિઝનેસ છે? અને એ દસ માણસો તમને મળી શકશે? આવી બધી અગવડોના કારણે આ `ઈબી-5' બેઝિક પ્રોગ્રામને જોઈએ એટલી સફળતા ન મળી.

એટલે વર્ષ 1993માં અમેરિકાની સરકારે આ પ્રોગ્રામમાં એક સુધારો કર્યો, એક વધારો કર્યો અને `ઈબી-5 પાઇલટ' પ્રોગ્રામ ઘડ્યો. આ `ઈબી-5 પાઇલટ' પ્રોગ્રામને `રિઝનલ સેન્ટર પ્રોગ્રામ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આની હેઠળ તમારે રોકાણ અમેરિકાની સરકારે અમેરિકાના ઈમિગ્રેશન ખાતાએ જેને માન્યતા આપી હોય એ રિઝનલ સેન્ટરમાં કરવાનું રહે છે. ત્યારબાદ બિઝનેસ કરવાની જવાબદારી દસ અમેરિકનોને એ બિઝનેસમાં ફુલ ટાઈમ નોકરીમાં રાખવાની જવાબદારી એ રિઝનલ સેન્ટરની રહે છે.

રિઝનલ સેન્ટર અનેક લોકો આગળથી આ ઈન્વેસ્ટમેન્ટ મેળવતા હોય છે. આથી એમને એવી પણ છૂટ આપવામાં આવી છે કે તેઓ સીધી યા આડકતરી રીતે દસ અમેરિકનોને ઈન્વેસ્ટર દીઠ નોકરીમાં રાખી શકે છે.

શરૂઆતમાં ભારતીયો આ `ઈબી-5' બેઝિક પ્રોગ્રામ કે `ઈબી-5 પાઇલટ' પ્રોગ્રામ હેઠળ રોકાણ કરતા ખચકાતા હતા, પણ ચીનાઓએ તો આમાં ઝંપલાવ્યું હતું અને જોતજોતામાં `ઈબી-5' પ્રોગ્રામનો ચીનાઓએ પુષ્કળ લાભ લીધો. થોડાં વર્ષો પછી ભારતીયોને પણ જાણ થઈ કે આ પ્રોગ્રામ તેઓ ધારે એવો જોખમી નથી. આથી ભારતીયો પણ આ પ્રોગ્રામમાં ઈન્વેસ્ટ કરવા લાગ્યા.

રોકાણ કરતા પહેલાં તમારે તમે જે કંપનીમાં જે રિઝનલ સેન્ટરમાં રોકાણ કરો છો એ કેવું છે? એ ચકાસી લેવું જોઈએ. ડ્યુડિલિજન્સ કરાવવું જોઈએ. એ રિઝનલ સેન્ટરના પ્રમોટર કોણ છે? એમનું પોતાનું રોકાણ કેટલું છે? અમેરિકાની બેન્કોએ નાણાકીય સંસ્થાઓએ એમાં કેટલું રોકાણ કર્યું છે? તેઓ જે બિઝનેસ કરવાના છે એ બિઝનેસ જે જગ્યામાં કરવાના છે ત્યાં ચાલી શકે એમ છે કે નહીં? કુલ કેટલા રોકાણકારો આગળથી તેઓ ઈન્વેસ્ટમેન્ટ કરાવવાના છે? દરેક રોકાણકાર દીઠ એમને દસ અમેરિકનોને નોકરી આપવી પડશે તો એ શક્ય છે કે નહીં? આ બધું તમારે તપાસ કરીને પછી રોકાણ કરવું જોઈએ તો તમારું રોકાણ સલામત રહેશે અને જોખમ મટી જશે.

આજે ભારતમાંથી અનેકોએ આ `ઇબી-5' પ્રોગ્રામ હેઠળ રોકાણ કર્યું છે. રોકાણની રકમ તમારી જાત કમાયેલી હોઈ શકે, તમને વારસામાં મળેલી હોઈ શકે, તમારી પ્રોપર્ટી હોય તો વેચીને મેળવી હોય, કોઈએ તમને લોન આપી હોય, કોઈએ તમને ગિફ્ટ આપી હોય, ભારતમાંથી કે ભારત બહારથી કે અમેરિકા સુધ્ધાં તમને કોઈએ લોન કે ગિફ્ટ આપી હોય તો ચાલે, પણ રકમ તમારી વ્હાઈટની હોવી જોઈએ.

જો તમારી પાસે આ ઈબી-5 પ્રોગ્રામમાં રોકાણ કરવા માટેની હાલની જે રકમ છે 10,50,000 ડોલર અને જો પછાત પ્રદેશમાં રિઝનલ સેન્ટર કામ કરતું હોય તો 8,00,000 ડોલર. આ રકમ જો તમારી પાસે હોય અને એ ક્યાંથી આવી છે? એ તમે કાયદેસર પુરાવા સાથે દેખાડી શકો. તમારી રકમનું સોર્સ ઓફ ફંડ અને પાર્થ ઓફ ફંડ દેખાડી શકો તો ઈબી-5 પ્રોગ્રામ જેઓ ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છે છે, અમેરિકા કાયમ રહેવા ઈચ્છે છે, ત્યાંનું નાગરિકત્વ મેળવવા ઈચ્છે છે એ એક ખૂબ જ સારો પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામનો અંત સપ્ટેમ્બર, 2027માં આવશે. ત્યારબાદ કદાચ જે હાલના અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે તેઓ કદાચ આ પ્રોગ્રામ બંધ કરી દે અને ગોલ્ડ કાર્ડ શરૂ કરે.

પણ બધાનું એવું માનવું છે કે આ પ્રોગ્રામ ફરી પાછો લંબાવવામાં આવશે, પણ એ સમયે રોકાણની રકમ વધારવામાં આવશે. જો તમે રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા હો તો વાટ ન જુઓ તરત જ રોકાણ કરો. તમારા લાભ માટે પિટિશન દાખલ કરાવી દો.