થોડા દિવસ પહેલાં જ એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઈટ ટેક ઓફની થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાનો શિકાર બની ગઈ. દુઃખદ દુર્ઘટના તો બની ગઈ, પરંતુ તેની પાછળનું કારણ શું હતું? આનો જવાબ બ્લેક બોક્સ દ્વારા મળે છે. આ નામ ઘણી વાર સાંભળ્યું હશે, ખાસ કરીને દુનિયાભરમાં ક્યાંય કોઈ વિમાન દુર્ઘટનાનો શિકાર બને ત્યારે. નામ ભલે તમને ખબર હોય, પરંતુ તેનું કામ શું છે અને તે કેમ મહત્ત્વનું છે તે ન જાણતા હો તો જાણી લો.

બ્લેક બોક્સ કોણે શોધ્યું?

બ્લેક બોક્સનો સૌ પહેલો વિચાર ઈ.સ. 1953માં ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાની ડેવિડ વોરેને પ્રસ્તુત કર્યો હતો. વોરેને તે સમયે દુનિયાના પહેલા વાણિજ્યિક જેટ એરલાઈનર કોમેટની દુર્ઘટનાની તપાસ કરી હતી. ત્યારે તેમણે અનુભવ્યું કે કોકપીટમાં અવાજોનું રેકોર્ડિંગ એરલાઈન દુર્ઘટનાઓમાં મદદરૂપ થઈ શકે છે. વોરેને ઈ.સ. 1956માં બ્લેક બોક્સનું પ્રોટોટાઈપ બનાવ્યું હતું.

બ્લેક બોક્સ શું હોય છે?

બ્લેક બોક્સ એક ખાસ પ્રકારનું ડિવાઈસ હોય છે. તેનું નામ બ્લેક બોક્સ છે, પરંતુ તેનો રંગ ચમકદાર નારંગી હોય છે કે જેથી દુર્ઘટના પછી પણ તેને સરળતાથી શોધી શકાય. તેને વિમાનમાં લગાવવામાં આવે છે, જેથી વિમાન સાથે જોડાયેલી દરેક જાણકારી તેમાં રેકોર્ડ થાય. કોમર્શિયલ વિમાનોમાં આવા બે રેકોર્ડર હોય છે. આ રેકોર્ડર એક મજબૂત કેસિંગમાં બંધ હોય છે. આ કેસિંગ વિસ્ફોટ, આગ, પાણીનું દબાણ અને તીવ્ર ગતિથી વાતી હવાઓનો પણ સામનો કરી શકે છે એટલે કે બ્લેક બોક્સ પર આ બધાની ખાસ અસર થતી નથી અને તેમાં રહેલો ડેટા સુરક્ષિત રહે છે. દુર્ઘટના પછી બ્લેક બોક્સ શોધીને વિમાનમાં થયેલી ખામી અથવા તો વિમાન કેમ ક્રેશ થયું વગેરે જાણકારી મળે છે.

બ્લેક બોક્સના બે ભાગ હોય છે

બ્લેક બોક્સ મોટેભાગે ટાઈટેનિયમ અથવા સ્ટેનલેસ સ્ટીલ જેવી ધાતુમાંથી બનાવવામાં આવે છે. જે 1100 ડિગ્રી ગરમી અને ભારે દબાણને પણ સહન કરી જાય છે. વળી, આની અંદર એક અંડરવોટર લોકેટર બીકન હોય છે, જે પાણીમાં પડ્યું હોય તો પણ 30 દિવસ સુધી સિગ્નલ મોકલતું રહે છે. બ્લેક બોક્સના મુખ્યત્વે બે ભાગ હોય છે, જે આ પ્રમાણે છે :

એફડીઆર (ફ્લાઈટ ડેટા રેકોર્ડર) : આ વિમાનની ઊંચાઈ, ગતિ, એન્જિનની શક્તિ અને ઉડાનની દિશા જેવા ટેક્નિકલ આંકડાઓ રેકોર્ડ કરે છે. આ સાથે નિયંત્રણ ઇનપુટથી લઈને એર કન્ડિશનિંગ સિસ્ટમની પણ નોંધ રાખે છે. એફડીઆરને મોટેભાગે વિમાનની ટેલ એટલે કે પૂંછડીના ભાગે રાખવામાં આવે છે, જેને દુર્ઘટનામાં ઓછું નુકસાન થાય છે.

સીવીઆર (કોકપીટ વોઈસ રેકોર્ડર) : આ ડિવાઈસ કોકપીટની અંદરના બધા જ અવાજો રેકોર્ડ કરે છે. જેમાં પાઈલટની વાતચીત, રેડિયો સંવાદ, ચેતવણી, એલાર્મ વગેરેનો સમાવેશ થાય છે. આને મોટાભાગે કોકપીટમાં રાખવામાં આવે છે.

ઉપરોક્ત બંને રેકોર્ડર 25 કલાક સુધીની ઉડાનની બધી જ સૂચનાઓ સતત રેકોર્ડ કરે છે, જેનાથી કોઈ ટેક્નિકલ સમસ્યાની પૂર્વ જાણકારી પણ તપાસકર્તાઓને મળી શકે છે.

ડીવીઆર વિશે પણ જાણો

બ્લેક બોક્સ સિવાય ડીવીઆર પણ ખૂબ જ મહત્ત્વનું ઉપકરણ છે. તેનું આખું નામ ડિજિટલ વીડિયો રેકોર્ડર છે, જે વિમાનની અંદર સીસીટીવી સિસ્ટમની જેમ કામ કરે છે. તે મુસાફરોની કેબિનના ફૂટેજ રેકોર્ડ કરે છે અને સુરક્ષા ઉદ્દેશ્યો માટે બહારનાં દૃશ્યો પણ બતાવે છે. કોઈ ઘટનાની સ્થિતિમાં ડીવીઆર મેળવીને વિશ્લેષકો કેપ્ચર કરવામાં આવેલા ફૂટેજની સમીક્ષા કરે છે.

રંગ નારંગી તો બ્લેક બોક્સ નામ કેમ?

નારંગી રંગનું હોવા છતાં આ ડિવાઈસ માટે બ્લેક બોક્સ શબ્દ વપરાય છે. તેની પાછળનું કારણ એ છે કે બ્લેક બોક્સને ઈ.સ. 1954માં એરોપ્લેનમાં લગાવવાની શરૂઆત થઈ. તે સમયે તેની અંદરની દીવાલ કે ભાગને કાળો રાખવામાં આવતો હતો, કેમ કે તે ફોટો ફિલ્મ આધારિત ડેટાને સુરક્ષિત રાખતું હતું, તેથી તેની અંદર કાળો કલર કરવાથી તે અંધારાવાળા રૂમની જેમ કામ કરે છે. તેને કારણે તેને બ્લેક બોક્સ કહે છે.

જેમ પહેલાં ફોટો ખેંચવા માટે રીલનો ઉપયોગ થતો હતો. આ રીલને નેગેટિવ પણ કહેતા. ફોટો ખેંચ્યા પછી આ નેગેટિવ પરથી ફોટો તૈયાર કરવામાં આવતો. આ ફોટો અંધારા રૂમમાં તૈયાર કરાતો, કારણ કે થોડો સરખો પણ પ્રકાશ પડે તો નેગેટિવ ખરાબ થઈ જતી. આ જ પ્રક્રિયા બ્લેક બોક્સના શરૂઆતના મોડલમાં ઉપયોગમાં લેવાતી હતી. તેથી તેની અંદરનો રંગ કાળો રખાતો અને બ્લેક બોક્સ કહેવામાં આવતું. જોકે, હવે એડવાન્સ ટેક્નોલોજીનો તેમાં ઉપયોગ થવા લાગ્યો છે.