એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ
માફિયાઓની દુનિયા ગજબની હોય છે. ભલે એ હન્ડ્રેડ પર્સન્ટ ગેરકાયદે હોય પણ ગેંગ ચલાવવી એ ખાવાની ખેલ નથી. એક મોટું નેટવર્ક કામ કરતું હોય છે. મેઇન માથું ગમે ત્યાં હોય કે ગમે ત્યારે એ માથું વધેરાઇ જાય તો પણ ગેંગ ચાલુ રહેવી જોઇએ. ગેંગનો પહેલો નિયમ છે ધાક. કોઇ પણ સંજોગોમાં ભય ફેલાયેલો રહેવો જોઇએ. નામ ગાજતું રહેવું જોઇએ. ગેંગ એટલે જ થોડા થોડા સમયે એવા કારનામા કરતા રહે છે કે, તેનો ખૌફ બરકરાર રહે. આપણા દેશમાં આજકાલ લોરેન્સ બિશ્નોઇ ગેંગનું નામ ગાજે છે. જેના નામે બધું ચાલી રહ્યું છે એ લોરેન્સ બિશ્નોઇ અત્યારે અમદાવાદની જેલમાં છે. લોરેન્સ બિશ્નોઇ કંઇ આજકાલનો જેલમાં નથી, છેલ્લા અગિયાર વર્ષથી એ જેલમાં છે. 2015માં તેની ધરપકડ થઇ ત્યારથી એ જેલમાં છે. લોરેન્સ બિશ્નોઇ જેલમાંથી ગેંગ ઓપરેટ કરે છે. તેની ગેંગનું નેટવર્ક એટલું જબરદસ્ત રીતે ગોઠવાયેલું છે કે, બધું કામ જરાયે અટક્યા વગર ચાલતું રહે. લોરેન્સ જ્યારે પકડાયો ત્યારે એવી વાતો થતી હતી કે, હવે તેની ગેંગ નબળી પડી જશે. થયું છે સાવ ઉલટું જ, બિશ્નોઇ ગેંગ વધુ ખતરનાક બની છે. દાઉદ ઇબ્રાહિમ જો પાકિસ્તાન અને દુબઇથી ડી ગેંગ ચલાવી શકતો હોય તો લોરેન્સ બિશ્નોઇ શા માટે નહીં? સુરક્ષા એજન્સીઓએ થોડા સમય પહેલા એક અહેવાલ ગૃહ મંત્રાલયને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે, લોરેન્સ જેલમાં છે ત્યારે તેની ગેંગના નવ મુખ્ય લોકો ગેંગ ચલાવી રહ્યા છે. એક સમયે લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇ અને ગોલ્ડી બ્રારનું નામ મોખરે હતું. અનમોલ જેલમાં છે અને ગોલ્ડી બ્રાર આજકાલ બહુ લાઇમલાઇટમાં નથી. આખું નેટવર્ક કેટલાંક નવા તો કેટલાંક જૂના અને અનુભવી ગેંગસ્ટર ચલાવે છે. જે મુખ્ય માથાઓ છે એ મોટા ભાગે વિદેશની ધરતી પર બેસીને કામ કરે છે. ભારતની સુરક્ષા એજન્સીઓ એટલે તેના સુધી પહોંચી શકતી નથી. બીજા દેશમાં છે એટલે જ એ સોશિયલ મીડિયા પર ધમકીઓ આપવાથી માંડીને હુમલાની જવાબદારીઓ સ્વીકારવાનું કામ કરે છે. લોરેન્સ બિશ્નોઇ ગેંગનું મોટા ભાગનું કામ સોશિયલ મીડિયા થકી જ ચાલે છે. નવા ગુંડાઓની ભરતીથી માંડીને તમામ પ્રકારનું કમ્યુનિકેશન કરવા માટે સોશિયલ મીડિયા આ ગેંગ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. તેની પાસે આઇટીની જાણકારો પણ છે જે પોસ્ટ ક્યાંથી અપલોડ થઇ એ ગુપ્ત રાખવામાં માહેર છે.
ગેંગની કોર સમિતિમાં છે આ નવ માથાઓ
લોરેન્સ બિશ્નોઇ ગેંગના હજારો સભ્યો છે. તેના શાર્પ શૂટર્સની સંખ્યા જ સાતસોથી વધુ હોવાનું કહેવાય છે. ગેંગનું મુખ્ય કામ ટાર્ગેટ કિલિંગ અને ખંડણીની વસૂલાત છે. ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી પણ આ ગેંગ કરતી હોવાનું માનવામાં આવે છે. ગેંગનું કામ ભારતના અગિયાર રાજ્યો અને કેનેડા, અમેરિકા, દુબઇ સહિત સાતથી દસ દેશોમાં ફેલાયેલું છે. ગેંગના નવ સભ્યો જુદા જુદા કામો સંભાળીને ગેંગને એક્ટિવ રાખે છે. ગેંગની ગુપ્ત કેબિનેટમાં આરજુ બિશ્નોઇ, શુભમ લોનકર, રણદીપ મલિક, ટાઇસન બિશ્નોઇ, અનિલ પંડિત, હેરી બોક્સર, હરમન સંધુ, ગોલ્ડી ઢિલ્લો, હિમાંશુ સોનીપતના નામ છે. અગાઉ ગોલ્ડી બ્રાર, અનમોલ બિશ્નોઇ, રોહિત ગોદારા અને સચિન ભિવાનીના નામો પણ ખૂબ ચર્ચાયા હતા. બિશ્નોઇ ગેંગના મોટા માથાઓ ટોર્ગેટ સેટ કરવાથી માંડીને ખંડણીના નાણાની વ્યવસ્થાનું કામ સંભાળે છે. ગેંગના મુખ્ય માણસો એક બીજાના કામમાં ટાંગ અડાવતા નથી. ઉપરથી જે નિર્ણય આવે એનું નીચેના લોકોએ આંખો મીંચીને પાલન કરવાનું હોય છે. જે લોકોને કામ સોંપવામાં આવે છે એ કેવું કામ કરે છે તેના પરથી તેનું પ્રમોશન પણ થાય છે. ગેંગના દરેક દરેક માણસને ચકાસીને પસંદ કરવામાં આવે છે. સરખું કામ ન કરે એને કાઢી મૂકવામાં આવતા નથી પણ સાઇડ લાઇન કરી દેવામાં આવે છે.
