આપણા ખભાના સાંધામાં રહેલો વાયુ જ્યારે પ્રકોપ પામીને દુખાવા સાથે ત્યાં જડતા અથવા અક્કડતા ઉત્પન્ન કરે ત્યારે આયુર્વેદ પ્રમાણે તેને `વિશ્વાચી' અથવા `અવબાહુક' રોગ કહેવામાં આવે છે. ડોક્ટર મિત્રો એને `ફ્રોઝન શોલ્ડર' કહે છે. અત્યધિક પીડા અથવા ત્રાસ આપનારા રોગોની યાદી તૈયાર કરીએ ત્યારે આ રોગને અવશ્ય અગ્રીમ સ્થાન અપાવું રહ્યું.

લક્ષણો

`પીડા' અને `જડતા' એ વિશ્વાચી રોગનાં મુખ્ય લક્ષણો છે, જે માત્ર ખભાના સાંધા પૂરતા જ સીમિત હોય છે. શરીરના અન્ય કોઈ ભાગ કે સંધિમાં કોઈ લક્ષણો જણાતાં નથી. શરૂઆતમાં ડાબા અથવા જમણા, કોઈ એક હાથના ખભામાં પીડા અનુભવાય છે અને ધીમે ધીમે આ દરદ વધવાની સાથે હાથમાં પીડા-જડતા-સુન્નતા વધતાં જાય છે.

રોગી ધીરે ધીરે હાથ ઊંચાઈ પર લઇ જવામાં અસમર્થ બને છે. વિશેષ કરીને રોગી કમર અથવા પીઠ પાછળ હાથને પહેલાંની જેમ સરળતાથી લાવી શકતો નથી. કપડાં (શર્ટ, બનિયાન વગેરે) પહેરવાં, શૌચ ક્રિયા પછીની સફાઈમાં, બેલ્ટ પહેરવો, પીઠ, કમર પર સાબુ લગાવવો જેવી ઘણી રોજિંદી ક્રિયાઓ કરવામાં રોગી અસમર્થ થઇ જાય છે. દુખાવો કોઈને સાધારણ તો કોઈને અસહ્ય થાય છે.

ઉપચાર

આયુર્વેદ મુજબ આ રોગમાં વ્યાયામ સાથે `અભ્યંગ' એટલે કે માલિશ અને `સ્વેદન' એટલે કે બાષ્પ ચિકિત્સા કરવાથી વધુ ઝડપથી પરિણામ પ્રાપ્ત થાય છે. ફ્રોઝન શોલ્ડર માટે આ પ્રમાણે સામાન્ય આયુર્વેદીય ઉપચાર પ્રયોજી શકાય.

આ રોગની ચિકિત્સા માટે અનેક પ્રકારના હાથ અને ખભાના વ્યાયામ કરવા ખૂબ જ જરૂરી છે. જેમાં હાથને ચારે બાજુ ઘુમાવવા, હાથને ઉપર ઊંચે સુધી ઉઠાવવા જેવી કસરતો લાભદાયી બને છે. જરૂર લાગે તો ફિઝિયોથેરાપિસ્ટની સલાહ પણ લઇ શકાય.

પ્રાત:કાળ વ્યાયામ બાદ મહાનારાયણ તેલ અથવા વિષગર્ભ તેલથી હળવા હાથે ખભા પર અભ્યંગ-માલિશ કરવી. ખભા સાથે તેની આસપાસ પીઠ અને ગરદન સુધી માલીશ કરવી. અધિક વજન આપી કે જોર લગાવીને માલિશ કરવી નહીં.

ત્યારબાદ એકથી બે લિટર જેટલા પાણીમાં અજમો, ફટકડી, હળદર અને સિંધવ નાખીને ઉકાળવું. તેમાં સ્વચ્છ વસ્ત્રના બે ટુકડા અથવા નેપ્કિન પલાળી-નિચોવીને ખભાની આસપાસ માલિશ કરેલી જગ્યા પર શેક કરવો. 20થી 25 મિનિટ આ રીતે શેક કર્યા બાદ ગરમ પાણીથી સ્નાન કરવું.

મહાયોગરાજ અથવા સિંહનાદ ગુગળની બે-બે ગોળી સવાર-સાંજ જમ્યા પછી લેવી. અશ્વગંધાદિ ચૂર્ણ સવાર-સાંજ અડધી-અડધી ચમચી જમ્યા પછી પાણી સાથે લેવું. મહારાસ્નાદિ ઉકાળો પ્રાતઃકાળ તાજો બનાવીને લેવો.

આ પ્રમાણે ઉપચાર સાથે ધીરજપૂર્વક વ્યાયામ કરવાથી આ વિકૃતિ અવશ્ય મટે છે. રોગની ઉગ્ર અવસ્થામાં આસપાસના નિષ્ણાત વૈદ્ય-ચિકિત્સકની સલાહ લેવી હિતાવહ છે.