અમેરિકાના ઈમિગ્રેશનનો કાયદો બહુ જ અટપટો છે. સામાન્ય લોકોને તો શું પણ એટર્નીઓ, એડવોકેટોને પણ એની ભાષા સમજતા, એમાં શું જણાવ્યું છે એ સમજતા વાર લાગે છે. મેં પોતે પણ આ કાયદો વાંચ્યો છે અને મારે એ ત્રણ-ચાર વખત વાંચવો પડ્યો પછી જ મને એની પૂરેપૂરી સમજ પડી. આ કાયદો જેનું શીર્ષક છે `ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ' અને જે 1952માં ઘડવામાં આવ્યો છે, એ કાયદામાં લગભગ પંદર જેટલી સવલતો પરદેશીઓ માટે છે.
સૌ પ્રથમ તમે અમેરિકામાં જ્યારે બી-1/બી-2 વિઝા ઉપર પ્રવેશો છો ત્યારે તમને ત્યાં રહેવા માટેનો અમુક સમય આપવામાં આવે છે, પણ જો એ સમય કરતાં તમારે વધારે રહેવાની જરૂરિયાત ઊભી થાય, માંદા પડો, એક્સિડન્ટ થાય, કંઈ થયું હોય અને તમારે જે સમય આપ્યો હોય એથી વધુ રહેવાની જરૂરિયાત ઊભી થાય તો અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં અરજી કરીને તમારો સમય લંબાવવાની એક છૂટ આપવામાં આવી છે. આને `એક્સટેન્શન ઓફ ટાઈમ' કહેવામાં આવે છે.
હવે તમે જો બી-1/બી-2 વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા હો એટલે કે તમારું સ્ટેટ્સ કાં તો બિઝનેસમેનનું હોય કાં તો ટૂરિસ્ટનું હોય પણ ત્યાં ગયા પછી તમને ભણવાનું મન થાય, ત્યાંની યુનિવર્સિટી તમને પ્રવેશ આપે અને તમારે તમારું સ્ટેટ્સ ચેન્જ કરવું હોય, તો એ પણ અમેરિકામાં રહીને જ તમે `ચેન્જ ઓફ સ્ટેટ્સ'ની અરજી કરી શકો છો.
તમારે જો એવો કોઈ પ્રસંગ ઊભો થાય કે તમે નોન ઈમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા હો અને પછી સમજો કે તમે અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરો કે ઈબી-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કરો અને પછી તમે ત્યાં જ રહો તો તમે તમારું સ્ટેટ્સ જે નોન ઈમિગ્રન્ટ હોય એ એડજસ્ટ કરી શકો છો. એ `એડજસ્ટમેન ઓફ સ્ટેટ્સ'ની પણ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં છૂટ છે.
ગ્રીનકાર્ડધારકો અમેરિકાની બહાર સામાન્ય રીતે છ મહિનાથી વધુ રહી શકતા નથી, પણ જો તમને એવું કોઈ કારણ હોય કે જેના લીધે તમારે અમેરિકાની બહાર છ મહિનાથી વધુ, એક વર્ષથી પણ વધુ રહેવાની જરૂરિયાત ઊભી થાય, તો તમે જ્યારે અમેરિકામાં હો ત્યારે `રિટર્નિંગ રેસિડેન્ટ પરમિટ'ની અરજી કરીને અમેરિકાની બહાર લાગલગાટ બે વર્ષ રહેવાની પરવાનગી મેળવી શકો છો.
`રિટેન્શન ઓફ પ્રાયોરિટી ડેટ'ની પણ આ કાયદામાં છૂટ આપવામાં આવી છે. તમારા લાભ માટે જે પિટિશન દાખલ કરવામાં આવી હોય એની હેઠળ તમારા બાળકને પણ ડિપેન્ડન્ટ તરીકે દેખાડવામાં આવ્યો હોય, પણ ઉંમર વધી જતાં, એજ આઉટ થઈ જતાં એને વિઝા ન મળે. પછી તમે અમેરિકામાં જાઓ, ગ્રીનકાર્ડ મેળવો અને તમારા બાળક માટે જે 21 વર્ષથી વધુ ઉંમરનું થઈ ગયું હોઈ એના માટે `ફેમિલી સેકન્ડ બી પ્રેફરન્સ' કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરો, તો તમે તમારી જે પિટિશન દાખલ કરેલી હતી એની જે પ્રાયોરિટી ડેટ હતી એ જ તારીખ તમે હવે તમારા બાળક માટે જે `ફેમિલી સેકન્ડ બી પ્રેફરન્સ' કેટેગરી હેઠળ પિટિશન દાખલ કરો છો એ તારીખ આપવી જોઈએ. આવી માગણી કરી શકો છો. `રિટેન્શન ઓફ પ્રાયોરિટી ડેટ'ની પણ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓમાં છૂટ છે.
`ચાઈલ્ડ સેટ્સ પ્રોટેક્શન એક્ટ' હેઠળ જે દિવસે પિટિશન દાખલ કરવામાં આવી હોય અને જે દિવસે એ એપ્રૂવ થઈ હોય એટલો સમય તમારા બાળકની ઉંમરમાંથી બાદ મળે છે. તમારા લાભ માટે પિટિશન દાખલ કરવામાં આવી હોય, એ એપ્રૂવ થઈ હોય અને પછી પિટિશનરનું મૃત્યુ થાય, તો પિટિશન કેન્સલ થઈ જાય છે. આવા સંજોગોમાં તમે સબસ્ટિટ્યુશનની અરજી કરીને તમારા લાભ માટે જે પિટિશન દાખલ કરવામાં આવી હોય એ સજીવન કરી શકો છો.
વિઝા લોટરી દ્વારા દર વર્ષે અમેરિકાની સરકાર 55,000 ગ્રીનકાર્ડ પરદેશીઓને આપે છે.
અમેરિકામાં તમે જન્મ લીધો હોય અમેરિકાની ધરતી ઉપર, તો એના 14મા બંધારણના સુધારમાં બર્થ સિટીઝનશિપની જોગવાઈ છે. જોકે, આને હાલના પ્રેસિડેન્ટ ટ્રમ્પે કાઢી નાખવાનું કહ્યું છે. આ ચર્ચાસ્પદ વિષય છે, પણ હાલમાં તો આ બર્થ સિટીઝનશિપ મળી શકે છે. વિઝા હોઈ તમે એચ-1બી વિઝા ઉપર કે એલ-1 વિઝા ઉપર અમેરિકામાં જાઓ અને તમારી પત્ની કે પતિ અને બાળકો જેઓ અવિવાહિત હોય અને 21 વર્ષથી નાનાં હોય એ લોકો પણ તમારી સાથે આવી શકે એવી જોગવાઈ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં છે. આને `ડિપેન્ડન્ટ વિઝા' કહેવામાં આવે છે.
જે વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા જાય છે એમને કેમ્પસ ઉપર અઠવાડિયામાં 20 કલાક કામ કરવાની છૂટ આપવામાં આવે છે. ભણી રહ્યા બાદ એમને ઓપીટી પિરિયડ, `ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પિરિયડ' આપવામાં છે. જે અમુક સંજોગોમાં એક વર્ષ હોય છે અને અમુક સંજોગોમાં ત્રણ વર્ષનો પણ હોય છે.
તમે પિટિશન દાખલ કરી હોય અને એ જો જલદીથી તમારે પ્રોસેસ કરાવવી હોય તો પ્રીમિયમ પ્રોસેસિંગની વધારાની ફી આપીને તમે તમારી પિટિશન 15 દિવસની અંદર એપ્રૂવ થાય એવી માગણી કરી શકો છો.
વર્ષ 1990માં અમેરિકાની સરકારે ઈબી-5 પ્રોગ્રામ ઘડ્યો છે, જેની હેઠળ તમે પૈસાનું રોકાણ કરીને અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવી શકો છો.
તમે જો કોઈ ગુનો કર્યો હોય, કોઈ ખોટું કર્યું હોય અને અમેરિકામાં પ્રવેશવા ઉપર તમારા ઉપર પાબંદી લાગી હોય, તો તમે માફી માગીને `વેવર'ની અરજી કરીને અમેરિકામાં પ્રવેશ મેળવી શકો છો.
આમ, અમેરિકાના ઈમિગ્રેશનના `ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ' હેઠળ પંદર જાતની જુદી જુદી સવલતોમાં જુદી જુદી છૂટ આપવામાં આવી છે. જેના લીધે પરદેશીઓ જેઓ અમેરિકામાં જાય એમને જરૂર પડે તો આ સવલતોનો લાભ લઈ શકે છે.