રમણિકલાલને રોજ પોતાની દુકાને લોકોને ભેગા કરીને નાસ્તો કરાવવાનો શોખ. આ અચાનક તહેવારના દિવસો આવ્યા અને સવારથી જેને પૂછે તે કહે કે તેણે તો ઉપવાસ કર્યો છે. હવે એકલા એકલા ખાવાનું ભાવે નહીં અને મિત્રો તો સૌ ઉપવાસમાં પડ્યા હતા.

એમની બરાબર સામેની દુકાનવાળા અમરતલાલે તો રમણિકલાલને લગભગ એક કલાકનું ભાષણ આપ્યું કે તેમણે ઉપવાસ કરવો જોઈએ. માણસ ધાર્મિક ત્યારે જ કહેવાય જ્યારે એ ઉપવાસ કરે. વર્ષો જૂના મિત્ર અને પાડોશી અમરતલાલના શબ્દો સાંભળી રમણિકલાલને ખૂબ જ હીન ભાવના થઈ અને તેમણે નક્કી કર્યું કે એ પણ ઉપવાસ કરશે. બસ, બીજા દિવસે સવાર થઈ ને રોજની જેમ ચા સાથે ચાર ભાખરીઓ પીરસાઈ અને અચાનક જ હ્રદયમાંથી બૂમ સંભળાઈ `ઉપવાસ'. નછૂટકે ભાખરી મૂકીને ખાલી ચા પી દુકાને જવા નીકળ્યા.

ઘરેથી દુકાને જતાં રસ્તામાં આવતા મંદિરે બહારથી જ માથું નમાવવાની ટેવ. ત્યાં પાડોશી અમરતલાલને બહાર નીકળતા જોયા. રમણિકલાલે સમાચાર આપ્યા કે પોતે પણ ઉપવાસ કર્યો છે. એટલે જાણે જંગ જીત્યા હોય તેવું સંતોષનું હાસ્ય તેમના મોં પર આવ્યું. અમરતલાલે તરત જ કહ્યું તો આજે ફરાળ કરવા મારી દુકાને આવજો. આ વાત ચાલતી હતી ત્યાં એક સાવ ગરીબ વિધવા ઘરડાં બાએ પાછળથી એમની પાસે પૈસા માંગ્યા. ભૂલથી તે અમરતલાલને અડકી ગયાં અને આખા મંદિરમાં સંભળાય એટલી જોરથી બૂમો પાડીને અમરતલાલે એ ઘરડાં બાને ખખડાવી નાખ્યાં. અમરતલાલનો ગુસ્સો આમેય જગમાં જાણીતો હતો, પણ આટલાં ઘરડાં બા સામે આવી ભાષામાં વાત કરતાં જોઈ રમણિકલાલને થયું કે અઠવાડિયામાં એક દિવસ જમીશ નહીંની જગ્યાએ એક દિવસ ગુસ્સો નહીં કરું એવું નક્કી કરીએ તો ભગવાન એને ઉપવાસ ન ગણે?

બપોર થતાં સુધીમાં રોજ કરતાં વધારે જમવાના વિચાર આવ્યા અને ભૂખ પણ લાગી. સતત ભાવતી વાનગીઓ મગજમાં ફરતી હતી. તેમને થયું કે આ રીતે તો મારો ઉપવાસ તૂટી ન ગયો કહેવાય? ત્યાં તો અમરતલાલની દુકાને ફરાળ માટે જવાનું થયું. લગભગ ફરાળી પેટીસથી લઈને ફરાળી પિઝા સુધીની તેર આઇટમો હતી. જે આડા દિવસે જમીએ એનાથી વધુ હતું. રમણિકલાલને થયુ કે સંયમ માટે કરાતા ઉપવાસમાં આટલું હોય તો એ ઉપવાસ કહેવાય!

ત્યાં તો અમરતલાલ પર કોઇનો ફોન આવ્યો. પૈસા ખવડાવીને કોઇ યોગ્ય વ્યક્તિની સીટ પર તેમના દીકરાને જોબ મળે એવી હતી. એમણે લાંચ આપવાની પૂરી તૈયારી બતાવી. વાતવાતમાં કેવી રીતે જમીનની લેતીદેતીમાં પૈસા આપીને સેટલમેન્ટ કર્યું એનાં ગુણગાન પણ અમરતલાલે ગાયાં. રમણિકલાલ અડધું જમતાં ઊભા થઈ ગયા.

દુકાને રાખેલ ઇશ્વરના ફોટાને જોઇને એક જ પ્રાર્થના કરી કે જીવનમાં મારાથી કોઇનું ખરાબ કે ખોટું ન થાય એના ઉપવાસ આજીવન કરીશ તો નહીં ચાલે? માથું નમાવીને એમણે ભજિયાં ઓર્ડર કર્યાં.