સામાન્ય માણસ જે મેળવી શકવાની કલ્પના પણ ન કરી શકે તેટલી હદે પૈસો અને પ્રસિદ્ધિ રળ્યા બાદ, સુખ-સમૃદ્ધિની ટોચે પહોંચ્યા બાદ રશિયન લેખક ટોલ્સ્ટોય હતાશાની ખીણમાં ફંગોળાયા.

એમાંથી બહાર આવવાના ઘણા ઉધામા બાદ એમને સમજાયું કે એમના જીવનમાં જે ખૂટતું હતું એ શ્રદ્ધા હતી. માણસની અંદર ધબકી રહેલો ઇશ્વર જ માણસને જીવાડે છે અને જીવવાનું બળ પૂરું પાડે છે એવું સમજાયા બાદ એમણે રાહત અનુભવી અને એ આશાના રસ્તે વળ્યા. આગળ એ લખે છે...

અગાઉ જેવી રીતે મને ખબર ન પડે એ રીતે મારી અંદરનું જીવન સુકાતું રહ્યું હતું એવી જ રીતે જીવનના નવપલ્લવિત થવાની આ ઘટના પણ ધીમી ગતિએ અને મને પોતાને ખબર ન પડે એ રીતે ચાલતી રહી હતી. આખી વાતમાં નવાઈ પમાડે એવો એક મુદ્દો એ હતો કે મારામાં જે જીવનઊર્જા ધીમે ધીમે પાછી ફરી રહી હતી એ કોઈ નવી ઊર્જા નહોતી. એ તો એ જ જૂની ઊર્જા હતી જે મને જીવનના આરંભિક કાળમાં માર્ગદર્શન આપતી હતી. આખી વાતનું હાર્દ એ હતું કે નાનપણમાં અનુભવેલી શ્રદ્ધા પાસે, મારાં મૂળિયાં પાસે હું પાછો ફર્યો હતો. હું પાછો ફર્યો એ તત્ત્વ પાસે જેણે મને જન્મ આપ્યો હતો અને જે મારી પાસેથી કશીક અપેક્ષા રાખતું હતું. હું પાછો ફર્યો એ માન્યતા તરફ જે મને કહેતી હતી કે જીવનનો એકમાત્ર હેતુ એ છે કે માણસે વધુ સારા માણસ બનવા માટે મહેનત કરવી જોઈએ. ટૂંકમાં, હું પાછો ફર્યો શ્રદ્ધા તરફ, નૈતિક આદર્શો તરફ અને જીવનમાં સાર્થકતાનું તત્ત્વ ઉમેરતી પરંપરા તરફ. ફેર એટલો જ હતો કે નાનપણમાં આ બધું મારી જાણ બહાર મારી અંદર રોપાયું હતું, જ્યારે હવે હું પૂરી સભાનતા સાથે આ બધું સ્વીકારી રહ્યો હતો અને સમજી રહ્યો હતો કે આના (શ્રદ્ધા) વિના જીવવું શક્ય નથી.

મારી સાથે જે બન્યું તે કંઈક આવું હતું.

એક હોડી હતી. મને ક્યારે અને કઈ રીતે એ હોડીમાં બેસાડી દેવામાં આવ્યો એ મને યાદ નહોતું. કોઈ અજાણ્યા કિનારેથી એ હોડી ઊપડી હતી. મને સામેના કિનારે જવાનો માર્ગ ચીંધવામાં આવ્યો હતો. મારા બિનઅનુભવી હાથમાં હલેસાં પકડાવી દેવામાં આવ્યાં હતાં અને મને એકલો છોડી દેવામાં આવ્યો હતો. મને આવડે એ રીતે હલેસાં હલાવીને મેં હોડી હંકારી, પણ જેમ જેમ હું નદીની વચ્ચે પહોંચવા લાગ્યો તેમ તેમ મેં જોયું કે પાણીનો પ્રવાહ અત્યંત વેગીલો બની રહ્યો હતો અને એના લીધે હું મારી મૂળ દિશાથી ફંટાઈ રહ્યો હતો. આવી હાલત મારા એકલાની નહોતી. મારી જેમ બીજા પણ અનેક હોડી હંકારનારા પાણીના પ્રવાહ સાથે ખેંચાઈ રહ્યા હતા. કેટલાક એવા હતા જે હજુ પણ હલેસાં હલાવીને મૂળ દિશામાં આગળ વધવા મથી રહ્યા હતા. બીજી તરફ એવા પણ કેટલાક હતા જેમણે હલેસાં ફગાવી દીધેલાં. નદીમાં મોટી હોડીઓ પણ હતી અને ખૂબ બધા માણસોથી ભરેલાં તોતિંગ જહાજો પણ હતાં. એમાંનાં કેટલાંક હોડી-જહાજો પ્રવાહ સામે ઝઝૂમીને સાચી દિશાને પકડી રાખવા મથી રહ્યાં હતાં, જ્યારે બાકીનાઓ પ્રયત્નો છોડીને પ્રવાહ સાથે વહી રહ્યા હતા. એ બધાને પ્રવાહો સાથે તણાતાં જોઈને હું પૂરું જોર લગાવીને હલેસાં હલાવવા લાગ્યો, પણ જેમ જેમ પ્રવાહથી વિરુદ્ધ સાચી દિશામાં જવાના મારા ઉધામા વધતા ગયા તેમ તેમ હડબડીમાં હું સાચી દિશા ભૂલતો ગયો. પછી તો નદીની વચ્ચોવચ પહોંચ્યા બાદ ચારે તરફ હોડીઓ અને જહાજોથી ઘેરાયેલો હું સાચી દિશા સાવ જ ભૂલી ગયો. મેં મારા હલેસાં હેઠાં મૂકી દીધાં. મારી ચારે તરફ લોકો ઉલ્લાસભેર અને ઉન્માદભેર પ્રવાહની દિશામાં આગળ વધી રહ્યા હતા અને તેઓ પોતાની જાતને તેમજ એકમેકને એવું કહી રહ્યા હતા કે આ જ સાચી દિશા છે. મેં એમની વાત સાચી માની લીધી અને હું એમની સાથે, એમની જ દિશામાં વહ્યો. આ રીતે હું ઘણું વહ્યો, મેં ઘણું અંતર કાપ્યું. છેવટે એક તબક્કે પહેલાં તો મને એક પ્રચંડ વમળનો ઘૂઘવાટ સંભળાયો અને પછી મેં જોયું કે નાની હોડીઓ તો ઠીક, મોટાં મોટાં જહાજો એ વમળમાં ચકરાઈને ડૂબી રહ્યાં હતાં, તૂટી રહ્યાં હતાં. પછી હું ભાનમાં આવ્યો. મને મારી નજર સામે (વમળરૂપે) વિનાશ દેખાઈ રહ્યો હતો. મને એમાંથી કોઈ ઉગારો દેખાઈ નહોતો રહ્યો અને મારે શું કરવું જોઈએ એ વિશે મને કશું સમજાતું નહોતું. પછી મેં પાછળ ફરીને જોયું ત્યારે મને દેખાયું કે હજુ પણ અનેક હોડી-જહાજો પ્રવાહની દિશાથી છટકીને સાચી દિશામાં વળવા માટે જીજાનથી મહેનત કરી રહ્યાં હતાં અને મને હલેસાં યાદ આવ્યાં અને સાચી દિશા યાદ આવી. મેં પ્રવાહથી ફંટાઈને સાચી દિશામાં, કાંઠા તરફ જવાના પ્રયત્નો આદર્યા.

કાંઠો હતો ઇશ્વર, પ્રવાહ હતો સમાજનો ગાડરિયો પ્રવાહ અને હલેસાં હતાં મારી વિવેકબુદ્ધિ અને ઇચ્છાશક્તિ, જેના જોરે હું કાંઠે પહોંચીને ઇશ્વરને મળી શકું.

આ રીતે મારી અંદરની જીવનચેતના ફરી પ્રગટી અને હું ફરી જીવવા લાગ્યો. (ક્રમશઃ)

***

અત્યાર સુધીની આખી આત્મકથાનો સાર આ રૂપકમાં સમાયો છે. નાનપણમાં અને જુવાનીના આરંભે ટોલ્સ્ટોયે સફર તો સાચી દિશામાં આરંભેલી, પરંતુ પછી સાથી જુવાનિયાઓ તથા સમગ્ર સમાજના પ્રોત્સાહનને લીધે ટોલ્સ્ટોય મોજશોખ, હિંસા, ઉન્માદ વગેરેની દિશામાં વળ્યા. પૈસો અને પ્રસિદ્ધિ જ મહત્ત્વનાં છે એવી સમાજના મુખ્ય પ્રવાહની માન્યતાને એમણે અપનાવી, પરંતુ આગળ જતાં એમને સમજાયું કે આ દિશામાં તો વિનાશ સિવાય બીજું કશું નથી. એમને એ વાતનું ભાન થયું કે ઇશ્વરને શોધવો, નૈતિક-સાદું-સંયમી જીવન જીવવું એ જ સાચી દિશા છે. હતાશાથી સાવ જ ભાંગી ગયેલા અને ઠરી ચૂકેલા ટોલ્સ્ટોયને જ્યારે સાચી દિશા વિશેનું સત્ય સમજાયું ત્યારે એ દિશામાં આગળ વધવાનો એમનામાં ઉત્સાહ પ્રગટ્યો.

પછી સાચી દિશામાં આગળ વધવાના પ્રયત્નો કરતી વખતે એમને કેવા અનુભવો થયા એ વિશેની વાતો આત્મકથાનું ક્લાઈમેક્સ રચે છે.