રમેશ સિપ્પીની સદાબહાર બ્લોકબસ્ટર ફિલ્મ `શોલે' 15 ઓગસ્ટ, 1975ના રોજ રિલીઝ થઇ. 50 વર્ષ પછી તેનું કાપકૂપ વગરનું એક નવું વર્ઝન રિલીઝ થયું છે. થોડા દિવસ પહેલાં ઇટાલીમાં એક મહોત્સવમાં `શોલે'ને તેના મૂળ ક્લાઈમેક્સ (જેમાં ઠાકુર ગબ્બરને ખીલાવાળાં જૂતાંથી મારી નાખે છે) અને અન્ય એડિટેડ દૃશ્યો સાથે પ્રસ્તુત કરવામાં આવી હતી. આગામી ઓગસ્ટમાં તેને ભારતમાં રિલીઝ કરવાની તજવીજ ચાલે છે. આપણે આ કાપકૂપની વાતો ફરી ક્યારેક કરીશું.
`શોલે' રિલીઝ થઇ તેના પાંચ મહિના પહેલાં, એટલે કે 20 ફેબ્રુઆરી, 1975ના રોજ નરેન્દ્ર બેદી નિર્દેશિત `ખોટે સિક્કે' નામની એક ફિલ્મ રિલીઝ થઇ હતી. બંનેનું વિષયવસ્તુ એકસરખું હતું; શહેરમાં ચોરીચપાટી કરતા મવાલીઓ એક ગામને ડાકુના ત્રાસમાંથી મુક્ત કરાવે છે.
`શોલે'માં બે હતા, જય અને વીરુ, જ્યારે `ખોટે સિક્કે'માં પાંચ હતા; ડેની (ડેની ડેન્ગ્ઝોપા), સલીમ (રણજિત), જગ્ગુ (નરેન્દ્ર નાથ), ભગ્ગુ (સુધીર) અને એક અનામ ઘોડેસવાર (ફિરોઝ ખાન). `શોલે'માં ગબ્બર નામનો ડાકુ હતો અને `ખોટે સિક્કે'માં ઝંગા (અજીત) હતો.
આ યોગાનુયોગ નહોતો. દરઅસલ 70ના દાયકામાં હિન્દી સિનેમામાં `કરી વેસ્ટર્ન' ફિલ્મોનો દૌર હતો. કરી વેસ્ટર્ન એટલે ભારતીય (કઢી પરથી કરી) ડાકૂ પરંપરા અને વેસ્ટર્ન એક્શન પરંપરાનું મિશ્રણ. તેમાં વેરઝેર અને માન-સન્માનનો વિષય કેન્દ્રમાં રહેતો હતો.
1960માં અમેરિકામાં `ધ મેગ્નિફિસન્ટ સેવન' નામની મારધાડવાળી ફિલ્મ આવી હતી. તેમાં એક મેક્સિકન ગામના લોકો તેમને પરેશાન કરતા ધાડપાડુઓને પાઠ ભણાવવા માટે શહેરમાંથી સાત બંદૂકધારીઓને ભાડે રાખે છે તેવી વાર્તા હતી. આ ફિલ્મ અકીરા કુરોસાવા નિર્દેશિત જાપાનીઝ ફિલ્મ `સેવન સમુરાઈ' (1954) પરથી પ્રેરિત હતી.
એટલે `શોલે' અને `ખોટે સિક્કે' બંનેની મૂળ પ્રેરણા આ અંગ્રેજી અને જાપાનીઝ ફિલ્મો હતી. એટલું જ નહીં, 1971માં આવેલી રાજ ખોસલાની `મેરા ગાંવ મેરા દેશ'ની પ્રેરણા પણ તે હતી. તેમાં પણ એક ડાકુને જબ્બે કરવા માટે એક ચોરને ભાડે રાખવામાં આવે છે.
તે પછી પણ 1985માં બી. સુભાષની `આંધી તુફાન' (શત્રુઘ્ન સિંહા, મિથુન ચક્રવર્તી), 1988માં બ્રીજ સદાનાની `મર્દો વાલી બાત' (ધર્મેન્દ્ર, સંજય દત્ત) અને 1989માં રાજ કુમાર સંતોષીની `ચાઈના ગેટ' (ઓમ પુરી, નસીરુદ્દીન શાહ) ફિલ્મમાં આ જ વિષયવસ્તુ રિપીટ કરવામાં
આવી હતી.
આપણે અગાઉ `શોલે' અને `મેરા ગાંવ મેરા દેશ' વિશે વાત કરી ગયા છીએ. આજે `ખોટે સિક્કે'ની ચર્ચા.
રાજેન્દ્રસિંહ બેદી નામના મશહૂર ઉર્દૂ લેખકના પુત્ર નરેન્દ્ર બેદીએ `શોલે'વાળા જી. પી. સિપ્પીની કંપનીમાંથી ફિલ્મ નિર્માણના પાઠ લીધા હતા અને 1969માં રાજેશ ખન્ના-મુમતાઝની ફિલ્મ `બંધન'થી સ્વતંત્ર નિર્દેશક તરીકે કારકિર્દી શરૂ કરી હતી.
`ખોટે સિક્કે'માં પણ તેઓ રાજેશ ખન્નાને જ લેવા માંગતા હતા, પરંતુ તારીખોની સમસ્યા થતાં ફિરોઝ ખાનને તે કિરદાર ઓફર કરવામાં આવ્યો હતો. ફિરોઝની પસંદગી ઉચિત જ હતી. ફિરોઝ ખાન એકમાત્ર અભિનેતા હતા, જેમણે હિન્દી ફિલ્મોમાં વેસ્ટર્ન એક્શન ફિલ્મોના હીરોને સાકાર કર્યો હતો.
તેમના પર હોલિવૂડના કાઉબોય સ્ટાર ક્લિન્ટ ઇસ્ટવૂડ બહુ મોટી છાપ હતી. બેદીએ `ખોટે સિક્કે'માં એ જ રીતે ફિરોઝને પેશ કર્યા હતા. આખી ફિલ્મમાં તે ઘોડા પર જ હોય છે. ઇન ફેક્ટ, તેમનું કોઈ નામ પણ નથી. બધા તેને દિલબર કહીને બોલાવે છે. ઇસ્ટવૂડની પણ એક જ એવી ફિલ્મ હતી, `ધ મેન વિધાઉટ નેમ.' તેમાં તેમણે ઇસ્ટવૂડની જેમ જ સ્પેનિશ પોંચો ડ્રેસ પહેર્યો હતો; ગામડામાં લોકો ધડ પર શાલ ઓઢે તેવો.
માથા પર હેટ, લોંગ બૂટ, જેકેટ અને હાથમાં સળગતી સિગારે ફિરોઝ ખાનને સ્ટાઇલ આઇકોન બનાવી દીધા હતા. તેમની શૈલીએ ભારતના યુવાનોને પ્રભાવિત કર્યા હતા. આ સ્ટાઈલમાં આ તેમની પહેલી ફિલ્મ હતી.
ફિલ્મમાં કિશોર કુમારના અવાજમાં એક મધુર ગીત `જીવન મેં તૂ ડરના નહીં' બેકગ્રાઉન્ડમાં વાગતું હોય ત્યારે જ તેમની એન્ટ્રી પડે છે. મજાની વાત એ છે કે `શોલે'નો ઓપનિંગ શોટ અને `ખોટે સિક્કે'નો ઓપનિંગ શોટ પણ સરખા જ છે.
`શોલે'માં ફિલ્મ શરૂ થતાં જ જેલર (વિકાસ યાદવ) એક ટ્રેનમાંથી ઊતરે છે અને રામલાલ (સત્યેન કપ્પુ) સાથે ઘોડા પર બેસીને ઊબડખાબડ રસ્તે રામગઢ તરફ જાય છે. તે સાથે જ ટાઈટલ શરૂ થાય છે. `ખોટે સિક્કે'માં પણ બંજર જમીન પર એક ઘોડેસવાર (ફિરોઝ ખાન) દોડતો હોય તેવા બેકગ્રાઉન્ડ અને કિશોર કુમારના ગીત સાથે ટાઈટલ શરૂ થાય છે.
જેલર અને રામલાલ રામગઢ પહોંચે ત્યારે ટાઈટલ પૂરાં થાય છે તેવી રીતે `ખોટે સિક્કે'માં ઘોડેસવાર એક ગામમાં પહોંચે ત્યાં ટાઈટલ પૂરાં થાય છે. એ ગામમાં થોડી મિનિટો પહેલાં જ ડાકુ ઝંગા ત્રાટક્યો હોય છે અને પોલીસના એક ખબર મુજબ ગામવાસીની હત્યા કરીને રવાના થઇ ગયો હોય છે.
ઘોડેસવાર ગામના ચોરે પડેલી લાશ પાસે આવે છે, તેને કપડાથી ઢાંકે છે અને ત્યાં ટોળે વળેલા ડરપોક ગામવાસી સામે ગુસ્સામાં થૂંકીને પાછો ઘોડે ચઢીને એ જ દિશામાં જતો રહે છે જે દિશામાં ડાકુ ટોળી ગઈ છે. નિર્દેશક આ દૃશ્યથી એક વાત સ્થાપિત કરે છે કે ઘોડેસવારને ઝંગાની તલાશ છે.
ઘોડેસવારને ઝંગાની તલાશ એટલા માટે છે, કારણ કે તેણે તેના પિતાની હત્યા કરી હતી. પેલા ચાર જણા શહેરમાં આવરાગર્દી કરી રહ્યા હોય છે. તેમાંથી એક જગ્ગુનો સંબંધી રામુ ગામમાંથી આવે છે અને તેના પિતાના હત્યારા ઝંગાને મારવા માટે તેની મદદ માંગે છે.
આમ, આ ચાર જણા એકબીજાની સલાહ લીધા પછી રામુના ગામમાં જવાની યોજના બનાવે છે. એ લોકોની પહેલી મુલાકાત ઝંગાના ભાઈ અને તેમના સાથીઓ સાથે ગાયક અને નૃત્યાંગના રાની (રેહાના સુલતાન)ના કોઠા પર થાય છે. એ લોકો પોલીસને ડાકુઓની જાણ કરે છે એટલે તેમને ઇનામ મળે છે. તે પૈસામાંથી તેઓ હથિયારો ખરીદે છે અને ગામની રખેવાળી કરે છે.
પેલા ઘોડેસવારને આ રાની પ્રત્યે કૂણી લાગણી હોય છે અને તે પણ ઝંગાની તલાશમાં ગામમાં આવતો-જતો રહે છે. શરૂમાં તે શહેરમાંથી આવેલા આ મવાલીઓ સાથે લડાઈ કરે છે, પણ અંતે તેને વિશ્વાસ બેસી જાય કે આ લોકો પણ ઝંગાને શોધી રહ્યા છે. એટલે તે તેમની સાથે જોડાઈ જાય છે, પણ તે એક શરત મૂકે છે કે તે એકલો જ ઝંગાને મારશે અને બીજા કોઈએ વચ્ચે નહીં આવવાનું.
તમને યાદ હોય તો `શોલે'માં ઠાકુર જય અને વીરુને પણ એ જ શરતે કામ પર રાખે છે કે તેઓ ગબ્બરને જીવતો પકડીને તેને હવાલે કરશે, જેથી ઠાકુર પોતાના પગથી તેને કચડી નાખે. મજાની વાત એ છે કે `ખોટે સિક્કે'માં ગામના મુખીની એક વિધવા પુત્રવધૂ ઘોડેસવારના પ્રેમમાં પડે છે. `શોલે'માં જયા ભાદુરીની ભૂમિકા પણ એવી જ હતી.
કેવા યોગાનુયોગ કહેવાય! કે પછી તફડંચી?
