મરચાં વિશ્વની મોટાભાગની વાનગીઓમાં જોવા મળે છે. મૂળે અમેરિકનો મરચાંની ખેતી અને સેવન કરતા હતા. 16મી સદીમાં લોકોનો મરચાંમાં રસ ઝડપથી વધવા લાગ્યો અને ચિલી પેપર્સ (યુરોપિયન સંશોધકો શરૂઆતમાં તેને `મરી' કહેતા હતા, કારણ કે તેમને કાળાં મરીની યાદ અપાવતા હતા, તેથી ચિલી પેપર્સ કહેવાય છે) સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયાં. એશિયા, આફ્રિકા, યુરોપ અથવા ઓસ્ટ્રેલિયાના મૂળ વતની નથી, તેમ છતાં વિશ્વની અનેક વાનગીઓ અને ખાદ્ય સંસ્કૃતિઓમાં મરચાં હોય છે.

મરચાં વિશે જુદી જુદી દંતકથાઓ ફેલાયેલી છે. જેમ કે, 17મી સદીની એક દંતકથા અનુસાર પહેલી મરચાંની રેસિપી એક સ્પેનિશ નન, સિસ્ટર મેરી ઓફ અગ્રેડાને આભારી હતી, જેમણે ક્યારેય સ્પેન છોડ્યું ન હતું. જ્યારે તેમનું શરીર સમાધિમાં હતું ત્યારે તેમના આત્માએ જુમાનોની (પશ્ચિમ ટેક્સાસમાં રહેતા મૂળ લોકો) મુલાકાત લીધી હતી અને તેમને મરચાં, ટામેટાં અને ડુંગળી સાથે હરણનું માંસ સ્ટ્યૂ માટે જુમાનોની રેસિપી મળી હોવાનું કહેવાય છે.

ઇતિહાસકારો ઘણીવાર ટેક્સાસને ચિલી કોન કાર્નેનું જન્મસ્થળ ગણાવે છે, પરંતુ ટેક્સાસમાં મરચાં કેવી રીતે ઉગાડવામાં આવ્યાં તે કોઈ જાણતું નથી. એક સંભવિત કિસ્સો ડલ્લાસ ઓઇલ એક્ઝિક્યુટિવ એવરેટ લી ડિગોલિયર તરફથી આવે છે, જે મરચાંના જાણકાર હતા. ડિગોલિયરનાં તારણો સૂચવે છે કે કાઉબોય (જેમાંના મોટાભાગના મેક્સિકન હતા) અને કેલિફોર્નિયા જતા સોનાની શોધ કરનારા (જેમને ફોર્ટી નાઇનર્સ-1849 કહેવાય છે) વચ્ચે મરચાં લોકપ્રિય કેમ્પફાયર ફેર બની જતાં.

ટેક્સાસના ઇતિહાસકાર રોબ વોલ્શ કહે છે કે 1860ના દાયકાની શરૂઆતમાં ચિલી ક્વીન્સ તરીકે ઓળખાતી મેક્સિકન મહિલાઓ સાન એન્ટોનિયોના મિલિટરી પ્લાઝામાં મરચાં રાંધતી અને વેચતી હતી. છેલ્લી ચિલી ક્વીન્સમાંથી એકની પૌત્રીએ જણાવ્યું હતું કે સૈનિકો, પ્રવાસીઓ, પશુપાલકો અને અન્ય લોકો આ વાનગી માટે પ્લાઝા પર ભેગા થતા હતા. ગ્રાહકો ઘણીવાર ટેમેલ્સ (મકાઈના ભૂકામાં બાફેલી અથવા શેકેલી, પાકેલા માંસ અને મકાઈના લોટની મેક્સિકન વાનગી) અથવા કઠોળ અને ટોર્ટિલા (ઇંડા અને લોટથી બનેલી એક પ્રકારની ખૂબ જ પાતળી, ગોળ મેક્સિકન બ્રેડ. તે સામાન્ય રીતે ગરમાગરમ ખાવામાં આવે છે અને માંસ, ચીઝ વગેરેથી ભરેલી હોય છે) સાથે મરચાંનો ઓર્ડર આપતા હતા. 1893ના શિકાગો વર્લ્ડ ફેરમાં સાન એન્ટોનિયોના મરચાંના સ્ટેન્ડે ઘણા લોકોને પરિચય કરાવ્યો. ટૂંક સમયમાં સમગ્ર મધ્ય પશ્ચિમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં અન્યત્ર મરચાંના પાર્લર દેખાવા લાગ્યા.

સાન એન્ટોનિયો(યુએસએ)માં 1930ના દાયકા સુધી આઉટડોર મરચાંના સ્ટોલ્સ લાગતા રહ્યા હતા, સ્થાનિક સરકારે સેનિટરી કારણોસર બંધ કરાવ્યા. 1940 દાયકાની શરૂઆતમાં છેલ્લું મરચાંનું સ્ટેન્ડ બંધ થઈ ગયું. બીજી એક થિયરી મુજબ કેનેરી ટાપુઓ (જે તે સમયે સ્પેનના પ્રદેશ હતા)ની ઇમિગ્રન્ટ્સની એક નાની વસ્તીને શ્રેય આપે છે, જેને સ્પેનિશ વસાહતીઓ 1731માં ફ્રાન્સને લ્યુઇસિયાનાની પશ્ચિમમાં તેનો પ્રદેશ ફેલાવતા અટકાવવા માટે સાન એન્ટોનિયો લાવ્યા હતા. એવું કહેવાય છે કે ટેક્સાસમાં કેનેરિયન મહિલાઓ મસાલેદાર મરચાંવાળી વાનગી રાંધવા માટે જાણીતી હતી.

જોકે, યુરોપમાં 15મી સદીના અંત પછી આવ્યા હોવાનું પણ કહેવાય છે. મરચાંએ કાળાં મરી સાથે સ્પર્ધા કરવી પડી જે દુર્લભ અને વધુ ખર્ચાળ હતાં. આ `લાલ સોનું' સૌપ્રથમ યુરોપમાં સ્પેનના કિનારે પહોંચ્યું. ત્યારબાદ પોર્ટુગીઝ અને સ્પેનિશ નેવિગેટર્સ તેની સાથે એશિયા અને આફ્રિકા લઇ ગયા. મરચાં અમેરિકાથી આવ્યાં હતાં, પરંતુ હવે મરચાંના ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને છે. વૈશ્વિક ઉત્પાદનમાં 25 % હિસ્સો ધરાવે છે, એટલું જ નહિ અમેરિકાને પણ નિકાસ કરે છે.

મરચાં હવે લગભગ દરેક ખંડ પર મળી રહે છે, પરંતુ ભાગ્યે જ કોઈને ખબર હશે કે તેણે સુશોભન છોડથી સ્વાદિષ્ટતા સુધીની સફર ખેડી છે. તેના સુંદર દેખાવને કારણે મરચાંને લાંબા સમય સુધી સુશોભન છોડ તરીકે જોવામાં આવતો હતો. મુખ્યત્વે મઠોની આસપાસ વાવવામાં આવતાં હતાં.