દાડો. દહાડો. દાડોદફાડો. દાડોદપાડો. મૃતકના પરિવાર દ્વારા સગાંસંબંધીઓને મિત્રોને અપાતું ભોજન. મરનાર પાછળની ઉત્તર ક્રિયામાં દાડાનો સમાવેશ થાય છે. જ્ઞાતિ કે ધર્મ કોઈ પણ હોય, દાડાની પ્રથા ચાલુ છે.

દાડો કરવો ફરજિયાત નથી હોતો, પણ પ્રાર્થનાસભા પછી `ભાણે બેસવાની' વિનંતી હજુ પણ થતી હોય છે. કારજની ક્રિયા ફક્ત એકલદોકલ છે એવું ઘણાને લાગતું હોય છે, પણ અંતિમયાત્રા પછી ઓળખીતાઓને જમાડવાની વિધિ બધા ખંડોના દેશોની સંસ્કૃતિમાં છે. એ પણ એટલી હદ સુધી કે `ફ્યુનરલ ફૂડ' કે `કમ્ફર્ટ ફૂડ' નામની અલગ પ્રશાખા જ ખાણીપીણીની દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. ડાઘુઓને કેવું ભોજન પીરસવું જોઈએ તેના માટેનાં ઘણાં પુસ્તકો ઉપલબ્ધ છે. ફ્યુનરલ કમ્ફર્ટ ફૂડની સ્પેશિયલ રેસિપી બુક્સ વર્ષોથી ચલણમાં છે.

ફેની ગેર્સન નામના એક મેક્સિકન શેફે એક કૂકબુક લખી છે જેનું નામ છે `માય સ્વીટ મેક્સિકો'. એ પુસ્તકમાં લખ્યું છે કે ઈ.સ. 1300થી ઈ.સ. 1500ની વચ્ચે જ્યારે આઝ્તેક લોકોમાં કોઈનું અવસાન થતું તો તેની સાથે બ્રેડ બનાવવાનો અને પીરસવાનો રિવાજ રહેતો, કારણ કે મૃતક વ્યક્તિ મોત બાદ પાતાળમાં જાય તેવું તે લોકો માનતા માટે રસ્તામાં ભૂખ ન લાગે તેના માટે બ્રેડ બનાવવામાં આવતી અને બધાને આપવામાં આવતી. આ પુસ્તક હમણાં જ એટલે કે 2010માં પ્રકાશિત થયેલું. દાડાના જમણ વિશે રિસર્ચ, ટિપ્પણી, ચર્ચા વિચારણા અને નવી નવી રેસિપી આપવાનું કામ ચાલુ જ રહે છે.

અમેરિકાના અમુક પ્રાંતમાં અંતિમયાત્રા પછીના સાતથી લઇને પચાસ દિવસ સુધી કોસ્ટકો સેન્ડવિચ અને મેયોનીઝની સાથે યેલો ચીઝ આપવાની પ્રથા છે. બીજા અમુક પ્રદેશોમાં લૌલો પીરસાય છે. લૌલો હવાઈયન ડિશ છે (હવાઈ નામના ટાપુસમૂહમાંથી આવતી ફૂડ ડિશ). તેમાં ઘણી બધી વસ્તુઓ સાથે કેળનાં પાંદડાં પણ હોય છે. દાડાનું મેનૂ તો બાર ગામે બોલીની જેમ બદલાતું રહે છે, પણ ઘણાને એ સવાલ થતો હશે કે હજુ તો થોડા સમય પહેલાં જ જે તે સ્વર્ગવાસી વ્યક્તિ પંચમહાભૂતમાં વિલીન થયા હોય ત્યાં ખાણીપીણીની જયાફત કઈ રીતે માણી શકાય? એવો રિવાજ છે તો કેમ છે? આ થોડો પાર્ટી ટાઈમ છે કે બધા નજીકના લોકો મૃતકના મરણપ્રસંગે હાથમાં ડિશ લઇને ડાબા હાથમાં ગ્લાસ લઈને પેટને તૃપ્તિ આપે?

આવો સવાલ થવો સ્વાભાવિક છે. બેબી શાવર એટલે કે ખોળો ભરવાની વિધિથી લઇને મુંડન સુધી, જનોઈ પહેરવાની યજ્ઞોપવીત સંસ્કારવિધિથી લઇને બ્રેકઅપ પાર્ટી સુધી મહેમાનોને જમવાનું અપાય છે અને મહેમાનો હોંશે હોંશે જમે પણ છે. તો આ જ પ્રક્રિયા મૃત્યુના દુ:ખદ પ્રસંગ પછી પણ કેમ? શું ખાવાની માણસની વૃત્તિ એટલી પ્રબળ છે કે કોઈના મોત વખતે દુઃખમાં પણ તેને પોષવી પડે? દાડાની પ્રથા સૌપ્રથમ કોણે શરૂ કરી હોય તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. તેના કરતાં પણ વધુ અઘરું છે આ વિધિ શરૂ કરનારના હેતુઓનું અનુમાન લગાવવું તે, પણ એટલું સમજી શકાય કે મૃત્યુ એ પરમ સત્ય છે અને આપ્તજનનું મૃત્યુ એક દુઃખદાયક પ્રક્રિયા છે. ભોજન માણસની પાયાગત જરૂરિયાત છે અને દાડો દરેક માણસને પરોક્ષ રીતે એ યાદ અપાવે છે કે અત્યારે તો તમે આ ચિતા ઉપર કે કોફિનની અંદર પોઢેલા નથી, પણ કાલે કે પરમ દિવસે તમે ત્યાં અચૂક હશો. મરણ પછીનું જમણ માણસને બીજા બધાને સાંત્વના આપવાની ક્રિયામાંથી અને બધાની સહાનુભૂતિભર્યા સંદેશ મેળવવામાંથી અલગ પાડીને પોતાની જાત સાથે સમય પસાર કરવા અલગ પડે છે, જેથી તે સ્વતંત્ર રીતે વિચારી શકે. મરનાર વ્યક્તિને યાદ કરી શકે અને ખાસ તો પોતાનું ધ્યાન થોડું ડાયવર્ટ કરી શકે.

આવા જ હેતુઓથી ઘણી બધી સંસ્કૃતિઓમાં મરણ પછીના જમણની પરંપરા ઉદ્ભવી છે. એલન ડેવિડસન બ્રિટિશ ફૂડ રાઈટર હતો. તેણે ઓક્સફોર્ડ કમ્પેનિયન ટુ ફૂડનું એડિટિંગ કરેલું. તેણે 1988માં `અ કીપર વિથ માય ટી'નું સંપાદન કરેલું જેનો આઈડિયા તેણે `ફ્યુનરલ કૂકબુક' નામના નિબંધમાં આપ્યો હતો. 2003માં તેમનું અવસાન થયું ત્યારે સ્મશાનયાત્રામાં આવનાર બધા લોકોને તે પુસ્તક આપવામાં

આવ્યું હતું.

જોકે, થાઈલેન્ડમાં તો `ફ્યુનરલ મેમરી બુક'ની પ્રથા છેક 1830થી છે જ્યારથી પ્રિન્ટિંગ વધુ સરળ બન્યું. સામાન્ય રીતે આવી રેસિપી બુકમાં મરનારને ભાવતી વાનગીઓનું લિસ્ટ અને તેની રેસિપી આપવામાં આવે છે. મરનારના સ્વજનો અને પડોશીઓ-મિત્રોને પણ તેમાંથી ખ્યાલ આવે છે કે આપણા આ મિત્રને કઈ કઈ વાનગીઓ ભાવતી. આવી રેસિપી બુકનો ફાયદો એ થયો છે કે ઘણી વાનગીઓ જે ફક્ત ઓરલ ટ્રેડિશનથી જ પેઢી દર પેઢી બધાને શીખવવામાં આવતું તેનું દસ્તાવેજીકરણ શક્ય બન્યું. હજાર વર્ષ પહેલાંના માણસો રોજ શું ખાતા, શુભપ્રસંગે શું મિજબાની માણતા અને મરણપ્રસંગે શું ભોજન લેતા તેના વિશે બધી માહિતી ઈતિહાસમાં ઉપલબ્ધ નથી હોતી. જે તે પ્રદેશની ઘણી એવી લોકલ ડિશો ક્યાંય નોંધાઈ ન હોવાના કારણે લુપ્ત થઇ ગઈ હોય અને હવે તેને કોઈ બનાવતું ન હોય એવું બન્યું છે. ફ્યુનરલ મેમરી બુકમાં અપાતી રેસિપીને કારણે આવી રેસિપીનું સંવર્ધન થાય છે. ભારતમાં દાડાના જમણના મેનૂ વિશે કોઈ પરિવારે પુસ્તક બહાર પાડ્યું છે ખરું?

યુરોપના અમુક દેશોમાં અમીશ ફ્યુનરલ પાઈ આપવાનો રિવાજ છે, જેમાં દહીં-કિસમિસ હોય. જાપાનમાં મૃતકની તસવીર સામે ભાત ખાવાની પ્રથા છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઉની અને એપલ પાઈ પણ બનાવવામાં આવે છે. વેસ્ટ વર્જિનિયા જેવા અમીર પ્રાંતમાં ફ્યુનરલ ફૂડનો સ્પેશિયલ ઓર્ડર લેતા કેટરિંગવાળા `ફ્યુનરલ કેક' પણ કાઉન્ટર ઉપર બુફેમાં રાખે છે.

`ડેથ વોર્મ્ડ ઓવર' જેવાં પુસ્તકો પણ લખાયાં છે, જેમાં દાડાના જમણની અવનવી વેરાયટીઓનું વર્ણન હોય. ગ્રીસમાં `કોલ્વિયા' ડિશ બને જેમાં કિસમિસ, બદામ, દાડમ ને ઘઉંના દાણા હોય છે. ખ્રિસ્તી ધર્મગ્રંથ જ્હોન 12:24માં જીસસ એવું કંઇક કહે છે કે, `ઘઉંનો દાણો ખરીને પૃથ્વી ઉપર પડે તો એ એકલો રહે છે, પણ જો તે મરી જઈને ઊગી નીકળે તો બીજા ઘણા દાણા મળી શકે છે.' દાડા પાછળ આવો વિચાર પણ હોઈ શકે.

શું એ મસ્ત ટાઈમપાસની પ્રવૃત્તિ નથી કે જેમાં માણસ પોતાના મૃત્યુ પહેલાં પોતાની અંતિમયાત્રા પછી પોતાના નિકટના લોકોને આપવા માટે પોતાને ભાવતી વાનગીઓની રેસિપી બુક બનાવડાવવા માટે રસોઈયા, લેખક અને પ્રકાશક સાથે મસલત કરે?