ધોરણ આઠનો ક્લાસરૂમ. વિજ્ઞાનના સર ગંભીરતાપૂર્વક દરેક વિદ્યાર્થીને પૂછી રહ્યા હતા, `મોટા થઈને શું બનવું છે તમારે?’ ક્લાસરૂમમાં ભવિષ્યનાં સપનાં ગુંજી રહ્યાં હતાં.

પહેલાં ઊભો થયો રિયાઝ. આંખોમાં ચમક સાથે `સર, મારે એન્જિનિયર બનવું છે! અમેરિકા જઈશ, મોટી કંપનીમાં લાખોનો પગાર કમાઈશ ને વર્લ્ડ ટૂર પણ કરીશ.' સરે કહ્યું, `સરસ'

પછી ઊભી થઈ પિંકી, જે હાથમાં ગુલાબી પેન ફેરવી રહી હતી. `સર, મારે ડોક્ટર બનવું છે! એમાં બહુ પૈસા છે. મોટી હોસ્પિટલ બનાવીશ! બધા મને જુદું જ માન આપશે.' સરે સ્મિત કર્યું.

મોહનભાઈનો દીકરો મોહન ઊભો થયો. `સર, આપણે તો નક્કી જ છે, આપણે પોલિટિશિયન જ બનવું છે. મારા મોટા બાપુજીની જેમ હું ભાષણ આપીશ, મોટા મોટા વાયદા કરીને ટીવી પર રોજ દેખાઈશ!' ક્લાસમાં હળવું હાસ્ય ફરી વળ્યું. સરે ખોંખારીને કહ્યું, `શાંતિ, મોહન! બેસી જા.'

સંજય ઊભો થતાં જ બોલ્યો, `મારે સ્કૂલના ટ્રસ્ટી બનવું છે.' સરે એક જુદા જ સ્મિત સાથે પૂછ્યું, `કેમ સ્કૂલના ટ્રસ્ટી?'

`સાહેબ, અમુક માસ્તરો બહુ હેરાન કરે છે. એમને કાઢી મૂકવા છે એટલે.' આખી સ્કૂલમાં સંભળાય એટલો અવાજ ક્લાસમાં થયો. સરે બગાડી શકે એટલું મોં બગાડીને એને બેસાડ્યો.

છેલ્લે ક્લાસના છેલ્લા ખૂણામાં બેઠેલો રમણિક ઊભો થયો. તેના ચહેરા પર કોઈ સપનાની ચમક નહોતી, પણ એક નિર્દોષ ગંભીરતા હતી. સરે પૂછ્યું, `હા રમણિક! તારે શું બનવું છે બેટા?'

રમણિકે માથું ઊંચું કરીને સીધું સરની આંખોમાં જોયું. ક્લાસમાં સન્નાટો છવાઈ ગયો.

`સર...' રમણિકનો અવાજ ધીમો હતો, પણ દૃઢ. `મારે મોટા થઈને...'

તેણે એક ક્ષણનો વિરામ લીધો. ક્લાસના બધા વિદ્યાર્થીઓ અને સર પણ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા કે રમણિક કયું મોટું `પ્રોફેશન' બોલશે.

`મારે મોટા થઈને માણસ બનવું છે.'

આખા ક્લાસમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. સરે નવાઈ પામીને પૂછ્યું, `માણસ? કેમ તું અત્યારે માણસ નથી?'

રમણિકે નિર્દોષતાથી જવાબ આપ્યો, `સર, અત્યારે તો હું ફક્ત એક વિદ્યાર્થી છું, જે મોટો થઈને ક્યાંક એન્જિનિયર બનીને રૂપિયાની પાછળ ભાગશે, ક્યાંક ડોક્ટર બનીને ફીના પહાડ ચડાવશે, ક્યાંક રાજકારણી બનીને જૂઠા વાયદા આપશે, પણ માણસ... માણસ બનવા માટે તો સાહેબ લાગણી જોઈએ. સર, મેં જોયું છે કે મોટા થઈને લોકો એન્જિનિયર બને છે, ડોક્ટર બને છે, રાજકારણી બને છે, પણ માણસ બનવાનું ભૂલી જાય છે. મને ડર છે કે હું પણ ક્યાંક એન્જિનિયર બની જઈશ, પણ મારામાં માણસાઈ નહીં હોય તો! એટલે મારે પહેલાં માણસ બનવું છે, પછી જો સમય મળે તો એન્જિનિયર કે ડૉક્ટર!'

આખા ક્લાસરૂમમાં ઊંડો સન્નાટો છવાઈ ગયો. સરને થયું કે આ વિદ્યાથીને સલામ કરે.