વોટ્સએપ પર એક જોક આવેલો, બેસન-ચણાના લોટમાં ખૂબ હિંગ નાખી, એનાં પકોડાં તળીને ખાઓ અને રાંધવા માટેનો ગેસ ઘરે બનાવો.

સરકારે ફરી એકવાર ગેસના ભાવમાં `કચકચાઈ'ને વધારો ઝીંકી દીધો. ગ્રાહકોને સિલિન્ડર તો મળશે, પણ એ સિલિન્ડર તોડી નાખે એવી કિંમતે મળશે. સરકારની આવી જાહેરાત પછી ઉપર લખેલો જોક બધાના મોબાઇલમાં ફરી રહ્યો છે.

આયુર્વેદમાં કહ્યું છે કે શરીરની સ્વસ્થતાનો આધાર વાત-પિત્ત અને કફ ઉપર છે. એવી જ રીતે ભારતના કોઈ પણ ઘરની `આર્થિક સ્વસ્થતા'નો આધાર ગેસ-કેરોસીન અને ઇલેક્ટ્રિસિટીના ભાવ પર છે. વાત-પિત્ત-કફમાંથી કોઈ પણ એક વધી જાય તો તબિયતની પથારી ફરી જાય, એમ ગેસ-કેરોસીન કે ઇલેક્ટ્રિસિટીમાંથી કોઈ પણ એકના ભાવ વધી જાય તો ઘરના બજેટની વાટ લાગી જતી હોય છે. આવી વિકટ સમસ્યામાં ગેસ બચાવવા કઈ અને કેવી પ્રવૃત્તિઓ કરવી તેના પર ગંભીર ચર્ચાઓ છેડાઈ ગઈ છે.

આવી `કઠિન' પરિસ્થિતિમાં ગેસ બચાવવા, સિલિન્ડરનો વપરાશ ઘટાડવા અમો કેટલાંક રચનાત્મક સૂચનો આપની સમક્ષ પેશ કરી રહ્યાં છીએ. અમો એવું માનીએ છીએ કે આ સૂચનોથી ગેસ બચે કે ના બચે, પણ તમને આ પ્રવૃત્તિમાં મજા જરૂર પડશે. તો હેંડો, ગ્યાસ બચાવવા કોંક `ભેદી' કોમ કરીએ.

આના માટેનો સૌથી પહેલો ને સૌથી સહેલો ઉપાય છે, રસોઈ કરવાની બંધ કરી દેવાની. રાંધવાનું ટોટલી સ્ટોપ કરી દેવાનું. બધું જ `કાચું- કુંવારું' ખાવાનું. તમને થશે આવું તો કંઈ કરાતું હશે? અલ્યા ભૈ, કેમ ન કરાય? આખી દુનિયામાં માણસ જ એકલું એવું પ્રાણી છે જે પોતાનો ખોરાક રાંધીને ખાય છે, બાકી જગતનાં તમામ પશુ-પક્ષીઓ પોતાનું ખાવાનું કાચેકાચું જ ભચડતાં હોય છે. ભેંસને ઘાસનો સૂપ બનાવીને પીતી જોઈ છે ક્યારેય? કે પછી વાઘ-સિંહને મટન કબાબ ખાતા જોયા છે? કબૂતર, ચકલી, પોપટને ફ્રાઇડ બીન્સ ચણતાં જોયાં છે? નહીં ને? તો પછી રાંધેલો, શેકેલો, બાફેલો, તળેલો ખોરાક ખાવાનો આગ્રહ આપણે શું કામ રાખવો જોઈએ? મંડી પડો કાચું ને કાચું ભરડવા.

કાચા બટાકા, કાચી દૂધી, કાચાં રીંગણ, કાચા ભુટ્ટા, કાચું કોળું. આહા... કેટલી મજા પડે હેં? જ્યારે જ્યારે લીલોતરી ખાવાનું મન થાય ત્યારે મેદાનમાં ચરવા જતા રહેવાનું કે પછી આપણા પ્યારા પૂર્વજોની જેમ ઝાડ પર ચડીને ડાળીઓ, વેલા તથા પાંદડાં ખાવાનાં. અત્યારે બધા જેમ પિકનિક પર જાય છે એમ વીકએન્ડમાં કે રજાઓમાં આઉટિંગ પર નીકળી પડવાનું અને પછી સગાંવહાલાં અને ઈષ્ટમિત્રોની સંગે કુદરતના ખોળે, પ્રકૃતિની ગોદમાં ગોચરો-મેદાનોમાં જવાનું, જંગલમાં જવાનું અને ઝાડ, પાન, ફળ, મૂળ, વેલા ખાઈને જલસા કરવાના.

આ પ્રવૃત્તિ ફાવે એવી ન હોય તો મહેમાન બનવાની કળામાં મહારત હાંસલ કરી લેવાની. અઠવાડિયાના સાતેય દિવસ કોઈકના ને કોઈકના ઘરે ધસી જવાનું અને પછી અડ્ડો જમાવી બેસી રહેવાનું. એ જમવાની સહેજ પણ વાત છેડે કે તરત જ એનો સહર્ષ સ્વીકાર કરી લેવાનો અને જમી લેવાનું. હા, આવું કરતાં પહેલાં શહેરના વિવિધ વિસ્તારમાં વસતા ઓળખીતા પાળખીતાનું લિસ્ટ બનાવી લેવાનું અને પછી રોજે જુદા જુદા લોકોના ઘરે જઈ ધામા નાખવાના. પણ હા, આ વાંચી તમારા ઘરે કોઈ મહેમાન બનીને આવી ચડે ત્યારે ભાગી જવાની આવડત પણ શીખી લેવાની.

આ સિવાય તમે ગાંધીચીંધ્યા માર્ગે પણ જઈ શકો. ગાંધીજીએ દેશ બચાવવા માટે ઉપવાસ કર્યા'તા. તમે ગેસ બચાવવા ઉપવાસ કરો અને ઉપવાસની માત્રામાં ઉત્તરોત્તર વધારો કરો. સમાચારમાં આવ્યું હતું કે કેટલાક મહાનુભાવો માત્ર સૂર્યપ્રકાશ ખાઈને કે ફક્ત પાણી પીને જીવતા હોય છે. આવા મહામાનવોનો સંપર્ક કરી, એમની પાસેથી આ કળા શીખી, સૂર્યપ્રકાશ-પાણી પર જીવન જીવવાની પ્રવૃત્તિ શરૂ કરી દો.

ચા-કોફી જેવાં પીણાં તો આમેય શરીર માટે નુકસાન કરે તેવાં હોય છે, એટલે એમનો તો સંપૂર્ણપણે ત્યાગ જ કરી દો. જો એની આદત ન છૂટી શકે તો બ્લેક કોફી, બ્લેક ટી શરૂ કરો. એના માટે સૌથી પહેલાં ચા કે કોફી ચમચો ભરી ફાકી જવાની, ઉપર થોડું પાણી પી અને અડધો કલાક તડકામાં ગોળ ગોળ ફરવાનું, એનાથી એ મિશ્રણ પેટમાં ઊકળીને મિક્સ થઈ જશે. ક્યારેક કોઈ વાનગી ગરમ કરવાની ઇચ્છા થાય તો બિલોરી કાચથી એને ગરમ કરી લેવાની. ગરમ ઇસ્ત્રી ઉપર રોટલી બનાવી શકાય.

આમ તો સૂર્યકૂકર રાંધવા માટે બેસ્ટ છે, પણ એ ખૂબ મોટાં હોય છે. એટલે નાનાં નાનાં મીઠાઈના બોક્સની સાઈઝનાં સૂર્યકૂકર બનાવી શકાય. એ સિવાય `ઇંધણા વીણવા ગઈ'તી મોરી સહિયર' એ ગીત ગાતાં રોજ ભેરુ-સાહેલિયો સંગે લાકડાં વીણવા જવાની મોજ પણ માણી શકાય. આ ઉપરાંત `માંગણ પ્રવૃત્તિ' પણ શીખી શકાય. ફુલ ફેમિલી સાથે ભીખ માગવા નીકળી શકાય. કોઈ સંઘવાળા પગપાળા પ્રવાસે નીકળે તો એમની સાથે જોડાઈ જવું અને રસ્તામાં એમને મફત જમાડે ત્યાં જોડે જમી લેવું.

આવી આવી ગેબી અને ભેદી પ્રવૃત્તિઓ કરી તમે ગેસ બચાવી શકશો. તો બોલો ભાઈઓ ને બુનો, તમે `ગ્યાસ' બચાવવા કયું કરતબ કરશો?