આમ જુઓ તો તે સાણસામાં સલવાયો હતો. તેની વહુ કહેતી હતી: `ગામડે મને ગમતું નથી, રે'વું તો આ શે'રમાં છે ને બાપની રટણા છે: `મને આંયા મૂંઝારો થાય છે, આપણા મલકમાં લઇ જા.'

આ બે વાત વચ્ચે દીકરાએ શું નિર્ણય લેવો તે સમજાતું નથી. પત્ની વગર પાલવે એવું નથી ને પહાડ જેવા બાપની વાત કેમ ટાળવી? સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઇ છે. આ વણનોતરેલી સમસ્યાનું સમાધાન ક્યાં શોધવાનું? જ્યારે પોતે ઝૂંપડું છોડી ફ્લેટમાં રહેવા આવ્યો ત્યારે થતું હતું, મારા જેવો સુખી બીજો કોઈ નથી ને હવે થાય છે જગતનો સૌથી દુઃખી માણસ હું છું. કારણ કે બાપ અને વહુ બેઉ સંબંધ અંગના ગૂમડા જેવાં છે, છોડ્યા કે તોડ્યા તરછોડી શકાય એમ નથી.

આ સમસ્યાના મૂળમાં જયંતિનો બાપ જેઠા મૂળજી છે. જ્યારથી એ મહાનગરની મહામુસીબતવાળી ચાલી-ઝૂંપડપટ્ટી છોડી આ ફ્લેટમાં રહેવા આવ્યા છે ત્યારથી તેના ઘરમાં આ પાટલા ઘો ગરી છે!

જયંતિને પથારીમાં પડખા ઘસવામાં પોણી રાત પસાર ગઈ હતી. છતાંય આંખમાં ઊંઘનો છાંટોય આવ્યો નહોતો. બીજી બાજુ જેઠા મૂળજીની ઝાંખીપાંખી નજર ફ્લેટની છત અને ચારે બાજુ લગોલગ ઊભેલી દીવાલોને તાકતી રહી હતી. એક વેળા તો એવું થઇ આવ્યું હતું કે આ ફરતી દીવાલો એકસામટી ભેગી થઇ પોતાને ભીંસી મારશે. કાં તો માથે તોળાઈ રહેલી છત ડાકણના પંજા જેમ માથે પડશે! ઓય મા કરતાં જિંદગીનો કડૂસલો બોલી જાશે. ખખડેલ ખોળિયાનો ખડકલો ખડકાઇ જાશે ને પછી તો રામ બોલો ભાઈ, રામ! જેઠા મૂળજીને આવી ધાસ્તી ધ્રુજાવવા લાગી હતી. છેવટે થાકી, કંટાળી પથારીમાં દમિયલ ડોસા માફક બેઠો થઇ ગયો હતો. તે પહેલાં દીકરાને રીતસરની વિનવણી કરી હતી: `મને ગામડા ભેગો કર્ય, આંયા તો મુને બવ મૂંઝારો થાય છે.' જયંતિનું કહેવું હતું: `બાપુ, શે'રની માયા તમે લગાડી છે ને હવે મૂંઝારો થાય છે.'

જેઠા મૂળજીએ ચાર દાયકા પહેલાં ગરવું ગામડું છોડી-તરછોડી પેટિયું રળવા આ મહાનગરની વાટ પકડી હતી. ગામડે રહેવા ઓટલો હતો, પણ રળવા રોટલો નહોતો. વરસ દહાડે લગભગ દુષ્કાળ જેવું હોય. જ્યાં પીવાના પાણીના સાંસા પડતા હોય ત્યાં પેટનો ખાડો પુરવા મૂઠી ધાનની ક્યાંથી આશા રાખવી? શહેરમાં રહેવા ઓટલો નહોતો, પણ મજૂરી કરવાથી રોટલો મળે એવું હતું. શહેરની રાવળી જગ્યામાં સૌ સાથે કંતાન ને પતરાનું છાપરું વાળ્યું હતું. પછી સમય જતાં ગામડામાંથી આવતા મજૂરિયા લોકોથી વસાહતમાં સતત વધારો થવા લાગ્યો હતો. ઝૂંપડપટ્ટીમાં પગ મૂકવાની જગ્યા રહી નહોતી. સંકડાશના લીધે હવા-ઉજાસ ને ગંદકી સાથે ભૂંડનો ત્રાસ વધવા લાગ્યો હતો.

`બાપુ, તમને વાંધો શેનો પડ્યો છે?' જયંતિના સળગતા સવાલ સામે બાપ જેઠા મૂળજી તગતગતી નજરે તાકી રહ્યા હતા. શું જવાબ આપવો તે હૈયે હતો, પણ હોઠે આવતો નહોતો. છતાંય અકળામણ સાથે બોલી ગયા હતા: `મુને આ બંધ ઘરમાં મૂંઝારો થાય છે, જરીકેય ગોઠતું નથી.'

`લ્યો કરો વાત, કોથળામાંથી બિલાડું કાઢ્યુંને?' તે ઘડીભર ચૂપ રહીને બોલ્યો હતો: `ઝૂંપડામાં રહેવા જેવું હતું કંઈ?' બાપથી બોલી જવાયું હતું: `તારો જનમ જ ઝૂંપડામાં થ્યો'તો.' એક જાતનો સન્નાટો છવાઈ ગયો હતો. જયંતિની વહુ રસોડામાં ઊભી રહી વણલખ્યો સંવાદ સાંભળી રહી હતી. જયંતિ થોડો ઢીલો પડ્યો હતો, પણ તે પહેલાં બોલી ગયો હતો: `ત્યાં હતી કોઈ સગવડ. અરે! ગંદકીમાં ભૂંડ સાથે સબડતાં હતાં.' સામે જેઠા મૂળજી એટલું જ બોલ્યા હતા: `એ ભલે કાંય નો'તું, પણ માણસોની માયા તો હતીને.' પછી નહોતું બોલવું: `આંયા તો કોઈનું મોં જોવાય મળતું નથી.'

`હવે જીવવા જેવું થયું છે બાપુ, નિરાંતે જીવો ને અમનેય જીવવા દ્યો.' એક રીતે જયંતિનું કહેવું સાચું હતું. પોતે એક કારખાનામાં કામે જતો હતો. પત્ની પણ આજુબાજુની સોસાયટીમાં નાનાં-મોટાં ઘરેલુ કામ કરી આવકમાં ઉમેરો કરતી હતી. સૌથી મોટી વાત, રહેવા માટે પોતાને ફ્લેટ મળ્યો હતો, જેના લીધે એક ઓળખ ઊભી થઇ હતી.

 છેવાડાનો વિસ્તાર શહેરના મધ્યમાં આવી જતાં ઝૂંપડપટ્ટીના રહીશોને ખાલી કરાવી જે તે જગ્યાએ ફ્લેટ આપી દેવામાં આવ્યા હતા. ત્યારે જેઠા મૂળજીએ વિરોધ કર્યો હતો: `અમે જીવ જેમ જતન કરી ઝૂંપડું ઊભું કર્યું છે.' પણ કોઈએ સમજાવી દીધું હતું: `ભાઈ, ઝૂંપડું જીવરોખું છે, પણ સોનાની કટાર ભેટ રખાય એને પેટમાં નો નખાય!' પછી કહી જ દીધું હતું: `એ કાગારોળ કરવાથી કંઈ નહીં વળે, જે મળે તે મેળવીને નીકળી જાવ.' પછી જેને જ્યાં જે મળ્યું તે સ્વીકારી લીધું હતું.

જયંતિએ તેના બાપને પાયાનો પ્રશ્ન કર્યો હતો: `બાપુ, તમે ગામડે જઇને ત્યાં એકલા કરશો શું?'

જેઠા મૂળજી પાસે આ સવાલનો કોઈ સધ્ધર જવાબ નહોતો, છતાંય...