મૂળ વાત ડિપ્રેશનની છે. રશિયાના દિગ્ગજ લેખક ટોલ્સ્ટોય કઈ રીતે ડિપ્રેશનમાં પટકાયા અને પછી કઈ રીતે એમાંથી બહાર આવ્યા એ વિશેની આ આત્મકથા છે, `કબૂલાત'.
જીવનનો કોઈ અર્થ છે ખરો? જીવીને આપણે શું ઉકાળી લઈએ છીએ? આવા સવાલોથી શરૂ થયેલી ટોલ્સ્ટોયની શોધયાત્રા છેવટે ઇશ્વરની શોધ તરફ ફંટાઈ. પછી એક આખા વર્ષ સુધી ટોલ્સ્ટોયને એક-બે વાર નહીં, સેંકડો વાર એવો અનુભવ થતો રહ્યો કે એમને જ્યારે ઇશ્વરનું અસ્તિત્વ હોવાની આશા જાગતી ત્યારે એ ખીલી ઊઠતા, પરંતુ પછી તર્કના આધારે એમને લાગતું કે ઇશ્વર હોઈ શકે નહીં, ત્યારે એ ચીમળાઈ જતા અને એમને મરી જવાની ઇચ્છા થતી. આગળની વાત એમના શબ્દોમાં.
પછી એક દિવસ ઊગ્યો. વસંતની શરૂઆત થઈ રહી હતી. હું જંગલમાંના અવાજો સાંભળી રહ્યો હતો. હું ફરી એકવાર ઈશ્વર વિશે વિચારી રહ્યો હતો. મેં મારી જાતને કહ્યું, `છોડ યાર, ઈશ્વર જેવું કંઈ છે જ નહીં. એ બધું મારી કલ્પના જ છે. જે રીતે મારું એક નક્કર અસ્તિત્વ છે, એવું ઈશ્વરનું નક્કર અસ્તિત્વ નથી અને કશું જ, કોઈ ચમત્કાર પણ એવું સાબિત કરી શકે એમ નથી કે ઈશ્વર છે, કારણ કે ચમત્કારો પણ છેવટે તો બિનતાર્કિક ભેજાની ભ્રમણા જ હોય છે.
પણ એટલામાં મારી અંદર સવાલ જાગ્યો: `આ ઈશ્વર કે જેને હું શોધી રહ્યો છું એનો વિચાર મારી અંદર ઊગે છે ક્યાંથી?' આ સવાલ હજુ તો મનમાં પ્રગટ્યો એટલી વારમાં મેં મારી નસોમાં જાણે જીવનનો સુખદ સંચાર અનુભવ્યો. મારી ચારે તરફ બધું જીવંત અને અર્થસભર બની ગયું. જોકે, એ ખુશી લાંબી ન ટકી. મારું (વિચક્ષણ) મગજ ફરી કામે લાગ્યું. મેં મારી જાતને કહ્યું, `જો ભાઈ, ઈશ્વરનો વિચાર એ કંઈ ઈશ્વર નથી. વિચારો તો આવે ને જાય. હું ધારું ત્યારે ઇશ્વર વિશે વિચારી શકું અને ધારું ત્યારે એ વિચારો બંધ પણ કરી શકું (મતલબ કે ઇશ્વર મને વિચારવા નથી પ્રેરતો, પરંતુ વિચાર મને ઇશ્વરની કલ્પના કરવા પ્રેરે છે). હું ઇશ્વરના વિચારને નહીં, બલ્કે જેના વિના જીવન શક્ય ન બની શકે એવા (નક્કર અને ઉપયોગી) ઇશ્વરને શોધી રહ્યો છું.'
આવું સમજાતાંની સાથે જ મારી અંદર અને આસપાસ જાણે બધું જ ઠરી ગયું, મરી ગયું. મને ફરી એ જ જૂની અનુભૂતિ થઈ કે જીવતરને પરાણે ખેંચવાને બદલે મારે મરી જવું જોઈએ.
પણ આ વખતે મેં મારી જાતને વધુ નજીકથી જોઈ. છેલ્લા એકાદ વરસ દરમિયાન સેંકડો વાર ઘડીકમાં ઠરી જવાનો અને ઘડીકમાં ખીલી ઊઠવાનો મારી અંદર જે સિલસિલો ચાલી રહ્યો હતો એને મેં બરાબર ચકાસ્યો. મને સમજાયું કે જ્યારે હું ઇશ્વરનો વિચાર કરું છું ત્યારે હું જીવી ઊઠું છું અને જ્યારે હું ઇશ્વરને ભૂલી જાઉં છું કે ઇશ્વરમાં નથી માનતો ત્યારે હું મરી જાઉં છું. આ મનોમન જીવવા-મરવાનો સિલસિલો અસલમાં છે શું? અને મને સમજાયું કે ઇશ્વરના અસ્તિત્વને હું જ્યારે નકારું છું ત્યારે મારી જીવંતતા ઢીલી પડી જાય છે. મને એ પણ સમજાયું કે ઇશ્વરના હોવા વિશેની જે એક સાવ જ આછી શ્રદ્ધા મારામાં હતી એના જોરે જ તો હું ટકી ગયો હતો. જો એ સૂક્ષ્મ શ્રદ્ધા મારામાં ન હોત તો મેં ક્યારનોય આપઘાત કરી લીધો હોત. હું ખરેખર ત્યારે જ જીવું છું જ્યારે હું ઇશ્વરમાં માનું છું અને ઇશ્વરને શોધું છું. મારા મનમાં સવાલ પડઘાયોઃ `તો પછી હું જે શોધું છું તે શું છે? શું તે એ જ છે જેના વિના જીવન શક્ય નથી?' અને મને સમજાયું કે ઇશ્વરને જાણવો અને જીવવું એ બંને એક જ બાબત છે. જીવન એ જ ઇશ્વર છે.
`માટે ઇશ્વરને શોધવા માટે મારે જીવવું જોઈએ, કારણ કે ઇશ્વર નથી તો જીવન નથી.' આવો અવાજ મારી અંદર ઊઠ્યો એ સાથે જ મેં મારી અંદર અગાઉ ક્યારેય નહોતો ઝળહળ્યો એટલો તેજસ્વી પ્રકાશ ઝળહળી ઊઠ્યો. એ પ્રકાશ ત્યાર પછી મારો કાયમનો સાથી બની રહ્યો.
આ રીતે હું આપઘાતમાંથી ઊગર્યો. (ક્રમશઃ)
***
ઇશ્વર શું છે? નાસ્તિકોનું કહેવું છે કે ઇશ્વર જેવું કશું હોતું નથી. ગાંધીનું કહેવું હતું કે સત્ય એ જ પરમેશ્વર. ટોલ્સ્ટોયને સમજાયું કે જીવન એ જ ઇશ્વર.
આપણી અંદરનો જીવનનો ધબકાર એ જ ઇશ્વર છે. ઇશ્વર જ આપણને જીવાડે છે અને જીવવાનું બળ પૂરું પાડે છે. માંહ્યલો ઇશ્વર જડી જાય, આપણા પોતાની અંદર ઇશ્વરને અનુભવી શકાય તો જીવન આસાન અને સુંદર બની શકે એવું કહેવા માગે છે ટોલ્સ્ટોય.
એટલે જ તો આ આત્મકથા લખ્યા પછી ટોલ્સ્ટોયે એક એવું પુસ્તક પણ લખ્યું, જેનું શીર્ષક હતું, કિંગ્ડમ ઓફ હેવન ઇઝ વિધિન યુ. અર્થાત્, ઇશ્વરનું સામ્રાજ્ય તમારી અંદર છે.
ખૈર, આપણી અંદરનું ઇશ્વરનું સામ્રાજ્ય કઈ રીતે શોધવું અને એ શોધમાં ધર્મો, ગ્રંથો અને પંથોની ભૂમિકા કેવી છે અને કેવી હોવી જોઈએ એ વિશેના ટોલ્સ્ટોયનાં નિરીક્ષણો તેમની આત્મકથાનું ક્લાઈમેક્સ રચે છે. એની વાત હવે પછી.
અને બાય ધ વે, તમને શું લાગે છે? ઇશ્વર શું છે? ઇશ્વર છે કે નહીં? છે તો આપણી અંદર છે? કે બહાર છે? કે અંદર તેમજ બહાર, બંને જગ્યાએ છે? આ બધા સવાલોના જવાબ મેળવવાનો છેવટનો રસ્તો એક જ છે, જાતે વિચારવું. જાતમહેનત જિંદાબાદ.
