મૂળ ગુજરાતના બિઝનેસમેન વરુણ નવાણીના વરઘોડાએ અમેરિકાના ન્યૂ યોર્કમાં વોલ સ્ટ્રીટ બંધ કરાવી દીધી એ સમાચારની ભારે ચર્ચા છે. વરુણના વરઘોડાએ એવો માહોલ જમાવી દીધો હતો કે, વોલ સ્ટ્રીટમાં કામ કરનારા લોકો પણ બહાર નીકળીને વરઘોડામાં જોડાઈ ગયા હતા અને ડાન્સ કર્યો હતો. વરુણ એજ્યુટેક કંપની રોલાઈના સ્થાપક અને સીઈઓ છે. એઆઈ પ્લેટફોર્મ રોલાઈ હાયર એજ્યુકેશન સંસ્થાઓ માટે ડેટા એનાલિટિકલ સ્કિલ શીખવવાનું કામ કરે છે. વરુણે માસ્ટરકાર્ડમાં રિસ્ક-મેનેજમેન્ટ લીગલ કમ્પ્લાયન્સ ડિરેક્ટર અમાન્ડા સોલ સાથે લગ્ન કર્યાં છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં તમે ફી ચૂકવીને થોડાક સમય માટે રસ્તો બંધ કરાવી શકો છો. વરુણે પોતાના વરઘોડાનો રૂટ એવો પસંદ કરેલો કે, રસ્તા બંધ કરાવવાની 20 પરમિટ લેવી પડી હતી અને આ માટે 50 હજાર ડોલર (લગભગ 43 લાખ રૂપિયા) ફી ચૂકવી હતી. આમાંથી 25 હજાર ડોલર તો વોલ સ્ટ્રીટ બંધ કરાવવા જ ખર્ચવા પડ્યા હતા.
સિતારે ઝમીં પર ફિલ્મમાં આમિરની સાથે તેમનાં માતા અને બહેન પણ જોવા મળશે
ફિલ્મ `સિતારે ઝમીં પર'માં આમિર સાથે તેમની માતા ઝિનત ખાન અને બહેન નિકહત ખાન પણ જોવા મળશે. નિકહત પોતે પણ પ્રોફેશનલ એક્ટર છે, પરંતુ આમિરનાં માતા પહેલીવાર રૂપેરી પડદે દેખાશે. આમિરે કહ્યું કે માતા મારી બહેન સાથે સેટ પર વ્હીલચેરમાં આવ્યાં. ત્યારે એક વેડિંગ સોંગનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને અમે બધા મોજમસ્તીના મૂડમાં હતા. એવામાં ફિલ્મના ડાયરેક્ટર આર. એસ. પ્રસન્નાએ આમિરને પૂછ્યું કે, સર, જો તમને વાંધો ન હોય તો તમે તમારાં અમ્મીને શૂટિંગમાં જોડાવવા વિનંતી કરી શકો? આ ફિલ્મનું છેલ્લું સોંગ છે અને વેડિંગ સેલિબ્રેશન સિક્વન્સ છે તો તેઓ એક ગેસ્ટ તરીકે તેમાં હોઈ શકે છે. આમિર માટે આ લાગણીસભર બાબત હતી. તેઓ તેમની અમ્મી આ ફિલ્મનો હિસ્સો બને તેવું ઈચ્છતા હતા. પછી આમિરે તેમની અમ્મીને કહ્યું કે, `અમ્મી, પ્રસન્ના રિક્વેસ્ટ કર રહે હૈં કી આપ એક શોટ દો, એક ગેસ્ટ બનકે.' ઝિનત ખાને તરત જણાવ્યું, `હાં, ઠીક હૈ.' આમ, `સિતારે ઝમીં પર' આમિરની એવી પહેલી ફિલ્મ હશે કે જેમાં તેઓ તેમની માતા સાથે દેખાશે.
હવે તમે સંપૂર્ણ ચિંતા છોડો, વધુ પ્રમાણમાં ફળો ખાઓ અને ડિપ્રેશનને ખૂબ જ દૂર રાખો
`બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રિશન'માં પ્રકાશિત અભ્યાસ અનુસાર વધુ ફળો ખાવાથી ડિપ્રેશનને દૂર રાખવામાં મદદ મળી શકે છે. એસ્ટન યુનિવર્સિટીના કોલેજ ઓફ હેલ્થ એન્ડ લાઇફ સાયન્સીસના તાજેતરના અભ્યાસ મુજબ જે લોકો ફળોનું સેવન નિયમિતપણે કરે છે, તેમનામાં સકારાત્મક માનસિક સુખાકારીનું સ્તર વધુ સારું હોવા સાથે ડિપ્રેશનનાં લક્ષણો ઓછાં જોવા મળે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર સામાન્ય સપ્તાહ દરમિયાન ઉપયોગમાં લેવાતા કુલ જથ્થા કરતાં ફળોના સેવનની ફ્રીક્વન્સી મનોવૈજ્ઞાનિક આરોગ્ય માટે વધુ મહત્ત્વપૂર્ણ છે. જે લોકો ક્રિસ્પ્સ સહિતનાં ઓછાં પોષકતત્ત્વો ધરાવતા ચટપટા ખાદ્યપદાર્થો ખાય છે તેમનામાં ચિંતાનાં લક્ષણો વધુ જોવા મળે છે. યુકેની 428 વ્યક્તિ પર હાથ ધરાયેલા અભ્યાસમાં ફળો, શાકભાજી, મીઠાં અને ચટપટા નાસ્તાના સેવન અને મનોવૈજ્ઞાનિક સુખાકારી વચ્ચેના સંબંધની તપાસ કરાઈ હતી. જે લોકો ઓછાં પોષકતત્ત્વો ધરાવતા ક્રિસ્પ્સ જેવા ચટપટા નાસ્તા વારંવાર ખાતા હતા, તેઓમાં માનસિક સુખાકારી ઓછી હોવાનું જણાયું હતું.
14 વર્ષે લગ્ન, 15 વર્ષે માતા, એક અફઘાન યુવતી આમ છતાં બની ચેમ્પિયન
અફઘાનિસ્તાનની આ યુવતીનું નામ છે રોયા કરીમી. 14 વર્ષની ઉંમરે તેનાં લગ્ન કરી દેવાયાં અને 15 વર્ષની માસૂમ ઉંમરે તે માતા બની ગઇ. તે જિંદગીમાં કંઇક કરીને આગળ વધવા માગતી હતી, પણ તે મુશ્કેલ હતું. આ પછી તે પતિ અને અફઘાનિસ્તાન છોડી દીકરા સાથે યુરોપિયન દેશ નોર્વે ચાલી ગઈ. રોયા કરીમીએ અહીંના એક બોડી બિલ્ડર કોચ સાથે લગ્ન કર્યાં, જે એક અફઘાની કોચ હતા. રોયા બોડી બિલ્ડિંગમાં નામ કમાવવા માગતી હતી. તે કહે છે કે અફઘાન સંસ્કૃતિમાં પ્રવર્તતી રૂઢિઓ અને ધારણાઓથી વિપરીત, એક અફઘાન મહિલા તરીકે આ રમત અપનાવવી તેના માટે સરળ નહોતી, કારણ કે અફઘાનિસ્તાનમાં આ રમત વિશે વિચારી પણ શકાતું નથી. જોકે, તેના પતિએ તેને આ કામમાં સંપૂર્ણ સહયોગ આપ્યો અને કહ્યું કે તે સખત મહેનત કરીને પોતાને સાબિત કરી બતાવે. શરૂઆતમાં આ ટાસ્ક તેના માટે ખૂબ જ મુશ્કેલ હતો. ઘણી વખત તે થાકીને હાર માની લેવા માગતી હતી, પરંતુ પતિના પ્રોત્સાહન અને અફઘાન મહિલાઓનો અવાજ બનવા માટે તે ફરીથી ઊભી થઈ અને ખૂબ જ મહેનત કરી તેણે બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. આજે રોયા કરીમી ચેમ્પિયન છે. તે કહે છે કે તેને વધુ ખુશી એ વાતની છે કે આજે તે અફઘાન મહિલાઓ માટે ઉદાહરણ બની ગઈ છે. જે પોતાનાં સપનાં પૂરાં કરવા માગે છે, પરંતુ તાલિબાન શાસન હેઠળ કડક શરિયા કાયદાને કારણે આગળ વધી શકતી નથી.