સંસ્કૃતમાં એક કહેવત છે કે, વિદ્વાનો બધે જ પૂજાય છે. આજના સમયમાં જે કોઈ પણ વ્યક્તિએ અમેરિકાના બોસ્ટન શહેરમાં આવેલ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોય, એની વિદ્વત્તા જણાવવાની જરૂર રહેતી નથી. એ વ્યક્તિ ફક્ત એટલું જ કહે છે કે હું હાર્વર્ડમાં ભણ્યો છું એટલે સાંભળનારાઓ સમજી જાય કે વ્યક્તિ ખૂબ જ હોશિયાર હશે. હાર્વર્ડમાં કોઈ નબળો વિદ્યાર્થી અભ્યાસ

કરી જ ન શકે.

દર વર્ષે સામાન્ય રીતે હાર્વર્ડમાં અભ્યાસ કરવા માટે 60થી 70 હજાર અમેરિકાના તેમજ વિશ્વના જુદા જુદા દેશના વિદ્યાર્થીઓ અરજી કરે છે અને એમાંથી માંડ બે હજારથી પચીસો જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે છે. હાર્વર્ડનું સ્ટાન્ડર્ડ આટલું બધું ઊંચું છે.

28મી ઓક્ટોબર, 1636ના દિવસે આજે જે વિશ્વની પ્રથમ નંબરની યુનિવર્સિટી ગણાય છે એ હાર્વર્ડ યુનિવર્સિટીની સ્થાપના થઈ. 1782માં એમાં મેડિસિનની કોલેજ સ્થપાઈ. 1817માં લો અને 1847માં એન્જિનિયરિંગ તેમજ 1872માં આર્ટ એટલે કળા અને વિજ્ઞાન આ વિષયો શીખવવાના શરૂ થયા. 1908માં વ્યાપાર વાણિજ્યના વિષયો આ યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યા. 1913માં પબ્લિક હેલ્થ અને 1920માં એજ્યુકેશન આ વિષયો હાર્વર્ડે એની કોલેજોમાં દાખલ કર્યા. એમાં શિખવાડાતા સોશિયલ સાયન્સ, બાયોલોજી તેમજ બાયોલોજિકલ સાયન્સ, મેથેમેટિક્સ, કમ્પ્યૂટર અને ઈન્ફર્મેશન તેમજ ઈતિહાસ આ વિષયો ખૂબ જ પ્રચલિત છે. હાર્વર્ડનું ભણતર ખૂબ જ મોંઘું છે. એની ટ્યૂશન ફી લગભગ આઠ હજાર લાખ ડોલર જેટલી છે.

અમેરિકાના બે અતિ પોપ્યુલર પ્રેસિડન્ટો ફ્રેન્કલિન રૂઝવેન્ટ અને જોન એફ કેનેડીએ હાર્વર્ડમાં જ અભ્યાસ કર્યો હતો. હાર્વર્ડમાંથી અભ્યાસ કરીને ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાંના 188 વિદ્યાર્થીઓ બિલિયોનેર બન્યા છે. 162 વિદ્યાર્થીઓએ નોબેલ પ્રાઇઝ મેળવ્યાં છે. 48 વિદ્યાર્થીઓએ પુલિટ્ઝર પ્રાઇઝ મેળવ્યાં છે. હાર્વર્ડના 10 વિદ્યાર્થીઓએ એકેડેમી એવોર્ડ મેળવ્યા છે અને 108 વિદ્યાર્થીઓએ ઓલિમ્પિક્સની રમતોમાં મેડલો મેળવ્યા છે. જેમાંના 46 વિદ્યાર્થીઓએ તો સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કર્યા છે. અભ્યાસ, કળા, વ્યાયામ, વ્યાપાર, રાજકારણ, વૈશ્વિક પ્રશ્નો, જર્નાલિઝમ, મીડિયા, સંગીત, સાયન્સ, ટેક્નોલોજી, લેખનકાર્ય આમ વિશ્વના દરેક પ્રકારના કાર્યમાં હાર્વર્ડના વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ ભજવ્યો છે અને નામના મેળવી છે.

આ કટારના લેખક 1980માં જ્યારે સૌ પ્રથમવાર અમેરિકા ફરવા ગયા હતા ત્યારે હાર્વર્ડમાં જતા એમની મુલાકાત એ વખતે ત્યાં ભણતા રોહિંગ્ટન નરીમાન જોડે થઈ હતી. તેઓ ભણી રહ્યા બાદ એમના પિતાશ્રી ફલી નરીમાન જોડે કાયદાની પ્રેક્ટિસમાં જોડાયા અને કોર્ટના એક પછી એક પગથિયાં ચડતાં ચડતાં છેવટે સુપ્રીમ કોર્ટના જજ પણ બન્યા અને આજે હવે તેઓ નિવૃત્ત પણ થયા છે. આમ, હાર્વર્ડે ભારતના સુપ્રીમ કોર્ટના એક જજને શિક્ષણ આપ્યું હતું. આવી વિશ્વવિખ્યાત અને વિશ્વની સર્વપ્રથમ ગણાતી યુનિવર્સિટીમાં ભણવાનું કયા વિદ્યાર્થીને મન ન થાય. તમે હાર્વર્ડમાં ભણ્યા હોવ એટલે હોશિયાર જ હોવ. હાર્વર્ડનું બીજું નામ જ હોશિયારી છે.

આવા અતિ પ્રખ્યાત નંબર વનમાં જેની ગણના થાય છે એ યુનિવર્સિટીમાં આગલા છ મહિના સુધી કોઈ પણ પરદેશી વિદ્યાર્થીને ભણવા માટે અમેરિકામાં પ્રવેશ ન આપવો એવી આજ્ઞા અમેરિકાના બીજી વાર ચૂંટાઈ આવેલા 47મા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવાર, 4 જૂન, 2025ના દિવસે કરી છે.

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવાર, 4 જૂન, 2025ના દિવસે સોમવાર, 9 જૂન, 2025થી શરૂ થઈને છ મહિના સુધી જે કોઈ પણ પરદેશી વિદ્યાર્થી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણવા માટે યા એક્સચેન્જ વિઝિટર તરીકે કાર્ય કરવા માટે આવતો હોય એને પ્રવેશવા ન દેવો એવો એક્ઝિક્યૂટિવ ઓર્ડર બહાર પાડ્યો છે. આ કારણસર અનેક પરદેશી વિદ્યાર્થીઓ જેઓ આ વર્ષના સપ્ટેમ્બર મહિનાથી શરૂ થતા હાર્વર્ડના અભ્યાસક્રમમાં ભણવા જવા માટે પ્રવેશ મેળવ્યો છે તેઓ મૂંઝાઈ ગયા છે. જો 6 મહિના સુધી એમને હાર્વર્ડમાં પ્રવેશવા દેવામાં નહીં આવે તો એમનું એક સેમેસ્ટરનું ભણતર ચાલ્યું જાય. એ પછી પણ પ્રેસિડન્ટ ટ્રમ્પ એમનો મનાઈહુકમ લંબાવે છે કે નહીં એની કોઈ જ જાણકારી નથી. આથી આ બધા વિદ્યાર્થીઓનું ભણતર રગદોળાઈ જશે. સાથે સાથે જેઓ હવે પછી હાર્વર્ડમાં પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવતા હશે તેઓ પણ વિચારમાં પડી જશે કે શું એમણે પ્રેસિડન્ટ ટ્રમ્પના આવા વિચાર અને વર્તનના કારણે હાર્વર્ડમાં પ્રવેશ મેળવવો જોઈએ કે નહીં?

હાર્વર્ડ એટલે હોશિયારી એ વાત સોએ સો ટકા સાચી છે, પણ પ્રેસિડન્ટ ટ્રમ્પે હાલ પૂરતી 6 મહિના સુધી પરદેશી વિદ્યાર્થીઓને હાર્વર્ડમાં ભણીને હોશિયાર બનવાની ના ફરમાવી દીધી છે.

અનેક ભારતીય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો, પ્રોફેસરો, શિક્ષણકારો હાર્વર્ડની જે લાઈબ્રેરીઓ આવેલી છે, જેમાં 20 મિલિયનથી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે એમાં સંશોધન કરવા જવાનું વિચારતા હોય છે. પ્રેસિડન્ટ ટ્રમ્પના આ મનાઈહુકમના કારણે કદાચ એમને હાર્વર્ડમાં ફક્ત ત્યાંની લાઈબ્રેરીઓમાં વાંચવા જવા માટે, રિસર્ચ કરવા માટે પણ જવા દેવામાં નહીં આવે. અનેક ભારતીય વિદ્યાર્થીઓ તેમજ વિશ્વના અન્ય દેશોના વિદ્યાર્થીઓ પ્રેસિડન્ટ ટ્રમ્પના આ પ્રવેશ નિષેધના કારણે વિશ્વના બીજા દેશોમાં ભણવા જવાનો વિચાર કરશે.

પ્રેસિડન્ટ ટ્રમ્પે પરદેશી વિદ્યાર્થીઓને હાર્વર્ડમાં ભણવા આવતા રોક્યા છે, પણ આ કારણસર અમેરિકાની અન્ય યુનિવર્સિટીઓમાં ભણવા જવા પરદેશી વિદ્યાર્થીઓના મનમાં ભીતી પેસી જશે અને તેઓ પણ કદાચ અમેરિકાને બદલે અન્ય દેશોમાં ભણવા જવાનો વિચાર કરશે. પ્રેસિડન્ટ ટ્રમ્પના આ પ્રતિબંધના કારણે અમેરિકાને, હાર્વર્ડને, અમેરિકાની અન્ય યુનિવર્સિટીઓને, અમેરિકાના વેપાર વાણિજ્યને, એના ટૂરીઝમને બહુ મોટો ફટકો પડશે. શું પ્રેસિડન્ટ ટ્રમ્પ હાર્વર્ડનું જે પ્રથમ સ્થાન છે એ ખેંચી લેવાની ખેવના ધરાવે છે? હાર્વર્ડ એટલે હોશિયાર આ જે કહેવત પ્રચલિત છે એને શું તેઓ નષ્ટ કરવા ઈચ્છે છે?