તાજિકિસ્તાનના એક રાજ્યાશ્રયવાંચ્છુને યુકેમાં રહેવાની પરવાનગી અપાઇ છે, પરંતુ તે માટે અપાયેલું કારણ આશ્ચર્યજનક છે. તેણે અપીલમાં દલીલ કરી હતી કે જો મને દેશનિકાલ કરાશે તો મારે હજામત કરવી પડશે. હું મારી દાઢીની હજામત કરવા નથી ઇચ્છતો. દાઢી રાખવા માટે મારા પર અત્યાચાર કરાશે. હોમ ઓફિસે આ માઇગ્રન્ટને તાજિકિસ્તાનમાં દેશનિકાલનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે અસાયલમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે આ વ્યક્તિને તેની દાઢીના કારણે ઇન્ટરનેશનલ પ્રોટેક્શન અપાય તેનો અધિકાર છે. તાજિકિસ્તાનમાં દાઢી રાખવા પર સરકારે પ્રતિબંધ લાદી રાખ્યો છે અને છેલ્લા એક દાયકામાં દાઢી રાખનારા લાખો પુરુષોની ધરપકડ કરાઇ છે. તાજિકિસ્તાનમાં દાઢી રાખનારા પુરુષોની ધરપકડ કરીને બળજબરીથી હજામત કરાય છે અને પોલીસ તેમની ફિંગર પ્રિન્ટ લઇને રેકોર્ડ પણ રાખે છે. તાજિકિસ્તાનની સરકાર આવું એટલા માટે કરે છે કે તેના દેશના પુરુષ કટ્ટરવાદી ન બને અને ઇસ્લામિક આતંકવાદી સંગઠનોમાં જોડાઇ ન જાય. આ માઇગ્રન્ટની અપીલથી કોર્ટમાં સુનાવણી બાદ ચુકાદો અપાયો હતો કે જો માઇગ્રન્ટને હજામત કરવાની ફરજ પડાશે તો તેના પર અત્યાચાર થયો ગણાશે
દેશનાં વિવિધ ક્ષેત્રમાં મોખરે ગણાતી100 મહિલાઓમાં 9 ગુજરાતી
દેશમાં સંપત્તિ, ચેરિટી, સ્ટાર્ટઅપ અને સંસ્કૃતિ જેવાં ક્ષેત્રમાં ટોપ-100 મહિલામાં 9 ગુજરાતી છે. હુરુન રિચ લિસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ 2025માં વાપીની બે યુવા બિઝનેસ વુમન મૃણાલ પંચાલ અને સલોની આનંદનાં નામ પણ જોવા મળે છે. લિડર્સ લિસ્ટ અંતર્ગત કુલ 9 કેટેગરીમાં મહિલાઓની યાદી આપવામાં આવી છે. તેમાં મૃણાલ પંચાલને વુમન ઇન્ફ્લુઅન્સર કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. જ્યારે સલોની આનંદને યંગ વુમન લીડર કેટેગરીમાં સ્થાન મળ્યું છે. આ સિવાય પ્રોફેશનલ કેટેગરીમાં કોટક મહિન્દ્રાના શાંતિ અકબરમ, ફર્સ્ટ જનરેશન વેલ્થ ક્રિએટરમાં ઝોહો કોર્પોરેશનના રાધા વેમ્બુ, નેક્સ્ટ જનરેશન લીડરમાં એચસીએલના રોશની નાદર, ઈન્વેસ્ટરમાં શ્વેતા જલાન, ફિલાન્થ્રોપીસ્ટમાં રોહિણી નિલેકાની, આર્ટિસ્ટમાં અર્પિતા સિંહ, મોસ્ટ ફોલોડ સેલેબ્રિટી ઇન્વેસ્ટરમાં શ્રદ્ધા કપૂર જેવાં દિગ્ગજ નામો સામેલ છે. માધવી પારેખે આર્ટિસ્ટ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.
યોગ હવે ઉદ્યોગ : 3 વર્ષમાં વેલનેસ માર્કેટ 875 બિલિયનને પાર થઇ જશે
યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો રૂપિયાનો વ્યવસાય ધમધમી રહ્યો છે. લોકો હવે પહેલાં કરતાં તેમના સ્વાસ્થ્ય અને માનસિક શાંતિને વધુ મહત્ત્વ આપી રહ્યા છે અને તેના માટે અઢળક નાણાં પણ ખર્ચી રહ્યા છે. ઓનલાઈન યોગ વર્ગોએ તેને દરેક માટે સરળ બનાવ્યું છે. યોગ ફક્ત શારીરિક તંદુરસ્તી નથી, પરંતુ લોકોને એકબીજા સાથે જોડે છે. ઇક્વેન્ટિસ ડોટકોમ નામના એક વેબપોર્ટલના અહેવાલ મુજબ 2027 સુધીમાં યોગ 66.2 બિલિયન ડોલરનો ઉદ્યોગ બનશે, જે વધુ ઝડપથી વિકાસ પામશે તેવી અપેક્ષા છે. યોગ વધુ ને વધુ લોકપ્રિય થઈ રહ્યો છે, તેથી તેનાથી સંબંધિત સ્ટાર્ટઅપ્સ પણ ઝડપથી ઊભરી રહ્યા છે. એક અહેવાલ મુજબ ભારતમાં વેલનેસ માર્કેટ રૂ. 490 બિલિયનનું છે, જેમાંથી યોગ સ્ટુડિયો અને ફિટનેસ સેન્ટરો 40 ટકા હિસ્સો ધરાવે છે. આગામી ત્રણ વર્ષમાં આ બજાર 20 ટકાના દરે વધીને રૂ. 875 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે. લોકો હવે રોગથી બચવા માટે યોગ અપનાવી રહ્યા છે, જે આ બજારના વિકાસનું એક મુખ્ય કારણ છે.
મેડિકલ સ્ટાફ ઉપર બ્રિટનમાં પણ જોખમ : એક વર્ષમાં 6500 કેર વર્કર્સ ઉપર હુમલા
ભારતમાં તબીબો અને તબીબી સ્ટાફ ઉપર હુમલાની ઘટનાઓ વિશે ખાસ બિલ માટે તબીબોએ આંદોલન કરેલું. યુકેમાં કામ કરતા કેર વર્કર્સને પણ હિંસક હુમલાઓનો પણ સામનો કરવો પડે છે. ચોંકાવનારા આંકડા અનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં કેર વર્કર્સ પર 6500 જેટલા હિંસક હુમલા કરાયા હતા. દર્દીઓની કાળજી લેતી વખતે કેર વર્કર્સને દરરોજ હિંસાનો સામનો કરવો પડે છે. ક્યારેક તેમને માર પણ મારવામાં આવે છે. જીએમબી યુનિયન દ્વારા કરાયેલા એક સરવેમાં 1700 કરતાં વધુ કેર વર્કર્સનાં મંતવ્ય લેવાયાં હતાં. 52 ટકાએ જણાવ્યું હતું કે અમે શારીરિક હુમલા સહન કર્યા છે જ્યારે 66 ટકાએ જણાવ્યું હતું કે, તેમના પર શાબ્દિક હુમલા કરાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં કેર વર્કર પર હુમલાની 6469 ઘટના નોંધાઇ હતી, જેમાં તેમને ઇજા થતાં ઓછામાં ઓછું એક સપ્તાહ કામથી દૂર રહેવું પડ્યું હતું. તેમાંથી 1200 હુમલામાં કેર વર્કર્સને હાડકાં તૂટી જવાં, મગજમાં ઇજા થવી જેવી ગંભીર ઇજાનો સામનો કરવો પડ્યો હતો.