ગામના પાદરમાં આવીને ગાડી ઊભી રહી. શેઠે જોયું તો પાદરનો નાક-નકશો જ બદલાઈ ગયો હતો. ફળફળતો નિસાસો નાખી નજરને સંકેલી લીધી. ત્યાં ગાડી જોઈ ગામનાં છોકરાંઓ દોડતા આવ્યા.
ગાડીના ડ્રાઈવરે તેને પૂછ્યું: `હરજી મોહનનું ઘર કઈ બાજુ આવ્યું?' તેમાં એક છોકરાએ હિંમત કરી: `મને ગાડીમાં બેહાડો તો ઘર બતાવું.' ગાડીમાં બેઠેલા શેઠે સાંભળ્યું હતું કે, હવે સમય બદલાઈ ગયો છે. પહેલાં જેવું ગામડું રહ્યું નથી. તેની જીવતીજાગતી સાબિતી મળી ગઈ હતી. સ્વગત બોલી જવાયું: `આ છે કળજુગની એંધાણી.'
ગામના સાવ છેવાડે આવેલા મફત પ્લોટ વિસ્તારમાં આવીને ગાડી ઊભી રહી. જ્યાં ગંદકીનો પાર નહોતો. તૂટી ગયેલા નળમાંથી પાણી વહેતું હતું. ઉકરડાઓ વચ્ચેથી હરજી મોહનના ઘેર જવાનો રસ્તો હતો. ગાડી ત્યાં ઊભી રાખી દીધી. ડ્રાઈવરે શેઠને કહ્યું: `આપ ગાડીમાં બેસી રહો. હું તેને બોલાવીને આવું!' શેઠે પોતાનો કક્કો ઘૂંટતાં કહ્યું: `મેં તને એકવાર કહ્યું, મારે તેના ઘેર જવું છે. બોલાવવા હોત તો મુંબઈ ન બોલાવી લેત.'
શેઠ મુંબઈથી આવે છે. વયોવૃદ્ધ છે. શરીર સાથ આપતું નથી. ઘર બહાર નીકળવાનું સાવ બંધ કરી દીધું છે, પણ પોતાના જૂના ગામમાં આવવાની હઠ લઈને બેઠા હતા. એટલે નાછૂટકે તેમના પુત્રએ આવવા દીધા છે. પુત્રએ તો ત્યાં સુધી કહ્યું હતું: `પપ્પા, તમે કહો તો ગામના તમામ લોકોને અહીં બોલાવીએ, જલસા કરાવીએ.' વાત વાજબી હતી. પોતે કરોડોપતિ છે. વળી, દિલના પણ એટલા ઉદાર છે, પણ શેઠની ઈચ્છા ગામમાં આવવાની જ હતી. ગામમાં આવી શું કરવાનું છે તેની પોતાના સિવાય કોઈને ખબર નથી.
ધીમે ધીમે ડગ માંડતા શેઠ હરજી મોહનના ઘેર આવ્યા. હરજી મોહન ગુજરી ગયા તેને તો વર્ષોનાં વહાણાં વાઈ ગયાં છે, પણ તેમનો દીકરો અને ઘરવાળી હયાત છે. તે પણ હવે ખખડી જવામાં છે. શેઠને હરજી મોહનની ઘરવાળી ઓળખી ગઈ, પણ તેને વિશ્વાસ આવતો નહોતો. ખુદ શેઠ પોતાના ઘરે આવે ખરા? પણ હકીકત હતી. વૃદ્ધ સ્ત્રીએ પહેલાં તો છાતી સમો ઘૂમટો તાણ્યો ને પછી શેઠ આગળ બેસી રીતસરનો ખોળો પાથર્યો. પહેલાંના સમયમાં કોઈ મોટો મનેખ પોતાના ઘેર આવે તો ઘરની સ્ત્રીઓ આમ ખોળો પાથરી તેઓને માન-સન્માન આપતી, આમન્યા દાખવતી. શેઠ ધન્ય થઇ ગયા. તેમનું અહીં આવવું જાણે સાર્થક નીવડ્યું. પોતાનો પુત્ર સાથે હોત તો તેને કહી દેત: `જો બેટા, આવું મુંબઈમાં શક્ય બને ખરું?'
મા-દીકરો હાંફળાંફાંફળાં થઇ ગયાં. શેઠને ક્યાં બેસાડવા, તેમની આગતાસ્વાગતા કેવી રીતે કરવી. કારણ કે, સુદામા ઘેર કૃષ્ણ પધાર્યા હતા, પણ પછી ખાટલો ઢાળ્યો અને તેના પર શેઠને બેસાડ્યા. ગાડીવાળા શેઠના લીધે પાડોશીઓ ભેગા થઇ ગયા હતા. શું બોલવું, શું કહેવું તેની અવઢવમાં એકબીજા સામે ટગરટગર જોતા હતા. વળી, આવો ઊજળો મનેખ છેવાડાના વાસમાં આવે તેનું અચરજ આભને આંબે એવડું હતું.
શેઠ આ ગામના વતની, પણ ગામ છોડ્યું તેને પચાસ વર્ષ થઇ ગયાં હશે, તેથી ગામ સાથે કોઈ નાતો રહ્યો નહોતો, પણ અહીં હતા ત્યારે હરજી મોહન સાથે ભારે ઘરોબો હતો. પોતાને કરિયાણાની નાનકડી હાટડી હતી, પણ સીમતળની જમીન હરજી મોહન સંભાળતો હતો. ઘરનો એક સભ્ય હોય તેમ. પછી તો શેઠે ગામ છોડી મુંબઈ વસવાટ કર્યો. ખૂબ સારું કમાયા. હરજી મોહન વર્ષો સુધી અહીં ગામમાં ખેતી સંભાળતો રહ્યો. તેમાં શેઠની જાણ બહાર શેઠનો દીકરો ગામડે આવી હરજી મોહનનો કોરા કાગળ પર અંગૂઠો લઇ ગયો હતો. ભવિષ્યમાં હરજી મોહન જમીન પર પોતાનો હક્કદાવો કરી ન શકે. શેઠને બહુ મોડી ખબર પડી હતી: `બેટા, આ એક ધંધો તેં ખોટનો કર્યો. દરેક કામમાં નફો રળવાનો ન હોય, પણ તીર કમાનમાંથી છૂટીને વછૂટી ગયું હતું. હવે તો ઘાવ પર મલમ લગાવવાનો હતો.
જ્યારે ખબર પડી ત્યારે તો હરજી મોહન આ દુનિયામાં રહ્યો નહોતો. આ વાતનો વસવસો શેઠને અહીં સુધી લઇ આવ્યો હતો. લાંબું બેસી કે બોલી શકાય એવું નહોતું, તેથી ઓછા શબ્દોમાં પેટછૂટી વાત કરી દીધી: `જો ભાઈ, હરજી તો હવે આ દુનિયામાં નથી.' હાંફ ચઢી તે શ્વાસ ઘૂંટીને કહે: `હું પણ હવે કેટલા દી'?' થોડી વાર અટક્યા: `દીકરા, તું મારી સાથે તાલુકે આવ.' તે વેળા ખાટલા પાસે પારોઠ ફરીને ઊભેલાં હરજી મોહનનાં ઘરવાળાને ઊભી નજરે જોઈ લીધાં. એક સૂકલ તણખલું પાછું સજીવન થયું. કહ્યું: `આ ખેતર છે તે તારા ખાતે કરવાનું છે.' આટલું સાંભળી હરજી મોહનનાં ઘરવાળાંથી બોલાઈ ગયું: `ના બાપા, તમારી લાગણી છે ઇમાં હંધુય આવી ગ્યું.' શેઠે જવાબ વાળવામાં પળ બેપળ પોરો ખાધો. પછી મરણમૂડી જેવા ભીના સંબંધની ગાંઠ છોડતાં કહ્યું: `એ લાગણીથી હૈયું ભરાય, પેટ નહીં.' ઘડીભર અબોલતા છવાઇ ગઈ. ખૂણામાં બાંધેલી બાંડી બકરી પણ સાચું સમજી ઊંચા કાન કરી ગઈ.
`દીકરા!' શેઠ ઊભા કહે: `મારે પણ આ ભવના લેણદેણનો હિસાબ ચૂકતે કરવો પડેને.'
શેઠનું આમ કહેવું મા કે દીકરો કોઈ અવગણી શક્યાં નહીં.
