મોટા ભાઈ, આપણે ત્યાં પધારે ખરા? પણ આવવાના હતા તે નરવી ને ગરવી હકીકત હતી.

ગામના સાવ છેવાડે વર્ષોથી પલાંઠી વાળીને બેઠેલી ઉદાસી ને ગરીબી જાણે આળસ ખંખેરીને ઊભી થઇ હતી. નવલા ઉજાસના એંધાણ સાથે સોનાનો સૂરજ ઊગ્યો હતો. કારણ એટલું જ હતું વંચિતો, શોષિતો ને ગરીબજન સમુદાય માટે પોતાની જાત ઘસનાર ઊજળા મનેખ એવા `મોટા ભાઇ'નું આગમન થવાનું હતું, તેથી છેવાડાનો સમાજ હરખના હિલ્લોળે ચઢ્યો હતો.

પરીક્ષિતલાલ મજમુદાર `મોટા ભાઇ'ના હુલામણા નામથી ઓળખતા હતા. તેઓ અમદાવાદ-દહેગામ પાસેના છાલા ગામે એક ઘરમંડળીનું ખાતમુહૂર્ત કરવા પધારવાના હતા. વાસના નાકે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં હતાં. ગાર-માટીનાં ખોરડાંઓને પણ સાફસૂફ કરી, તોરણ-ટોડલિયા ને ચાકળાથી શણગારવામાં આવ્યાં હતાં. જાણે ઘરઆંગણે કોઈ મંગળ પ્રસંગ હોય!

અને મોટા ભાઈ પધાર્યા ત્યારે ગામ આખું નાતજાતના ભેદ ભૂલી આબાલવૃદ્ધ સૌ સાગમટે તેમનું સામૈયું કરવા ઊમટ્યું હતું. ખોબા જેવા ગામનું રળિયામણું પાદર પંચરંગી થઇ ઊઠ્યું હતું.

`મોટા ભાઈની જય હો.' નવતર નારા સાથે સમગ્ર માહોલ કિલકિલાટ કરી ગાજી ઊઠ્યો હતો.

પણ મોટા ભાઇને આવું ગમે નહીં. નામ નહીં, ગરીબોની સેવા એ જ એમનું કામ. છતાંય લોકોના ઊભરાતા ઉત્સાહ સામે અબોલ રહ્યા હતા. તેમનું સામૈયું વાજતેગાજતે વાસના ચોકમાં, મંડપ પાસે આવ્યું. ફરી હર્ષોલ્લાસનો નાદ ગગનભેદી ગુંજવા લાગ્યો. જે બાજુ નજર નાખવા કોઈ રાજી નહોતું ત્યાં ગાંધીવાદી મનેખ પધાર્યા હતા, તેથી આ છેવાડાના લોકોને હરખ સાથે બમણો આદર ઊગ્યો હતો.

મોટા ભાઇ આસન ગ્રહણ કરે ત્યાં ઘરમંડળીના પ્રમુખ પાણી ભરેલી ત્રાંબાની કૂંડી નીચે મૂકી પગ આગળ નમીને કહે: `મોટા ભાઇ, મારી વર્ષોથી મંછા છે, આપના પગ પખાળવાની.'

કોઇ જાતની અપેક્ષા વગર નિ:સ્વાર્થ ભાવે પોતાની લીલીછમ જિંદગી શોષિતો-પીડિતોની સેવામાં ખર્ચી હતી. તેઓ આવી સેવા લેવાનું પસંદ કરે ખરા? પણ આવી સ્થિતિ થતા બેઠક પર સંકોરાઇ ગયા હતા.

`હા હા, અમારા પર આટલી દયા કરો, સેવાનો લાભ આપો.' મંડળીના પ્રમુખની અડખેપડખે ઊભેલા લોકોએ સૂર પુરાવ્યો, પણ મોટા ભાઈ એક ટળીને બે ન થયા અને પ્રમુખ નિરાશ વદને પાછા ફર્યા હતા.

પ્રમુખના મનમાં પણ પગ ધોવા માટે શું કરવું તેનું વલોણું ફરવું શરૂ થયું હતું. પરીક્ષિતલાલના પગ ધોવાનું વર્ષોથી મનમાં ઘોળાતું ને ચોળાતું હતું. હવે તો ગંગા ખુદ ઘેર પધારી હતી ને પગ પખાળવાની મંછા બર ન આવે તો કરમની કઠણાઇ કે ભાગ્ય ફૂટેલાં સમજવું, પણ ત્યાં એક તરકીબ હાથ આવી અને તેનો કોઈને ખ્યાલ ન આવે તેમ અમલ કરવા ઉત્સુક થયા.

ઘરમંડળીના નિર્માણની રૂપરેખા રજૂ થઇ. જેના લીધે ગાંધીચીંધી સર્વોદય પ્રવૃત્તિને વેગ મળશે. સાથે પરીક્ષિતલાલ મજમુદારનાં સેવાકાર્યોની મન મૂકીને વાતો થઇ, લોકોએ પેટ ભરીને સાંભળી, કારણ કે નરવી ને નક્કર વિગતો હતી. જેની મંત્રમુગ્ધતા વચ્ચે તાળીઓનો ગડગડાટ થયો અને ત્યાં પ્રમુખ સળવળ્યા. તેમના જીવને નિરાંત નહોતી. જીવનભરની ઝંખના કોઈ પણ રીતે ફળીભૂત કરવી હતી. તેમાં માત્ર ભાવુકતા કે લાગણી નહોતી, પણ મોટા ભાઈનાં સેવાકાર્યો પ્રત્યેનો આદરભર્યો ઉમળકો હતો. કોઈને ખ્યાલ ન આવે તેમ પ્રમુખ મંડપ બહાર નીકળી તરકીબ અજમાવી, પાછા પોતાની જગ્યાએ આવીને બેસી ગયા હતા, પણ પછી દિલમાં ઉચાટ હતો કે નિરાંત તે ખુદ નક્કી કરી શકે તેમ નહોતા.

ઘરમંડળીના મકાનનું ખાતમુહૂર્ત કરવા મોટા ભાઈ ત્યાં ગયા ને સભા બેઠક છોડ્યા વગર બેસી રહી.

મોટા ભાઇની સાથે પ્રમુખ પણ જગ્યા પર આવ્યા. જોયું તો ત્યાં કાદવકીચડનો પાર નહોતો. નવાઇ લાગી. ત્યાં કોઈ આગેવાને પડકાર કર્યો: `થોભો, જગ્યા સાફ કરી નાખીએ!' પણ ત્યાં પ્રમુખ આદેશની ભાષામાં બોલ્યા: `ના, હવે એવો સમય નથી.' ગણ્યાગાંઠ્યા લોકો વચ્ચે સન્નાટો છવાઇ ગયો. પ્રમુખ તો ચોખ્ખાઈના આગ્રહી. તેમણે કાદવની સફાઈ કરવાની ના કેમ પાડી તે કોઈની સમજમાં ન આવ્યું.

 મોટા ભાઇ કીચડને ગણકાર્યા વગર ખાતમુહૂર્ત કરવા પાયામાં ઊતર્યા. ઘીનો દીવો પ્રગટાવ્યો. પછી એક-બે ઇંટો મૂકી, હાથમાં લેલુ લઇ ઇંટો બરાબર ગોઠવી ને ચુનાડાથી સિમેન્ટ પાથર્યો. ઘર કરી ગયેલી ગરીબીને જાકારો દઇ, ગરીબોનો ઉદ્ધાર કરવા જાણે જુગોજુગના જામોકામી પાયા ધરબ્યા. મોં પર પરસેવાના રેગાડા પથરાયા, પણ દિલમાં રાજીપાનાં ઘોડાપૂર ઊમટ્યાં હતાં. તેઓ જેવા પાયા બહાર આવ્યા ત્યાં વળી પાછા પ્રમુખ પાણી ભરેલી ત્રાંબાની કૂંડી લઈને સામે ઊભા રહ્યા. તેમની કરામત કારગત નીવડી હતી. પાયામાં જાતે જ ઢોળેલા પાણીના લીધે કાદવ થયો હતો ને મોટા ભાઇના પગ કાદવમાં ખરડાયા હતા, તેથી કંઇ જ કહ્યા વગર પગ ધોવા માટે વાંકા વળ્યા. `અરે! આ શું કરો છો?' કહી મોટા ભાઇ બે ડગલાં પાછા હટ્યા, પણ પ્રમુખે મોટા ભાઈના પગ પકડી લીધા હતા.

 `હવે આપની વાત નહીં માનું મોટા ભાઇ, ઘણાં વર્ષે આમ મળ્યા છો.'

મોટા ભાઇને પ્રમુખના હૃદયનો ભાવ સ્પર્શી ગયો. કંઇ બોલી શક્યા નહીં. પગ પાણીથી નહીં પણ છેવાડા સમાજના હરખનાં આંસુથી પખાળાઇ રહ્યા હતા!