`તુલસી યે દુનિયા મેં ભાત ભાત કે લોગ' અને `તુંડે તુંડે મતિ ભિન્ના' જેવી કહેવતો દુનિયામાં લોકોના સ્વભાવ અને વ્યક્તિત્વને વ્યક્ત કરે છે. પાંચ આંગળી જેમ સરખી નથી હોતી એમ દરેક માણસ પણ સમાન નથી હોતા.

કેટલાક લોકો કરવત જેવા હોય છે, જે આપણને આવતાં-જતાં બંને રીતે વેરી નાંખે છે. મધમાખી જેવા લોકો થોડી મીઠાશ આપશે, પરંતુ સમય આવ્યે ડંખ મારતા પણ ન અચકાય. ફુગ્ગા જેવા લોકોની લાગણી તકલીફનો તાપ લાગતાં જ ફૂટી જાય. શિયાળ જેવા લોકોની ફિતરત જ ખોટી હોય જેઓ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે જ આપણી સાથે રહે. તો કેટલાક લોકો કૂતરા જેવા વફાદાર હોય છે કે જેઓ ગમે તેવા સંજોગોમાં આપણો સાથ નિભાવે છે.

જે સંબંધીઓ અને મિત્રો સાથે આપણે રહીએ છીએ, આપણાં સુખ-દુઃખ વહેંચીએ છીએ તેને આપણે ઓળખતા જ નથી. એમના ચહેરા પરનું મહોરું એટલું સુંદર હોય છે કે એ મહોરાને જ આપણે સાચું વ્યક્તિત્વ માની લઇએ અને જ્યારે એ મહોરું ઊતરે ત્યારે માથા પરથી પાણી વહી ગયું હોય છે ને આપણને માનસિક, આર્થિક, સામાજિક જે નુકસાન થવાનું હોય તે થઇ ચૂક્યું હોય છે.

ખુશામત ખુદાને પણ પ્યારી હોય છે અને પ્રશંસાનો નશો માણસની વિવેકદૃષ્ટિ છીનવી લે છે. આવા લોકો આપણી ખામીઓને વિશિષ્ટતામાં ખપાવી હંમેશાં એવાં ગુણ-ગાન ગાતાં રહે છે કે જાણે આપણા જેવું સ્માર્ટ અને ગ્રેટ આ દુનિયામાં બીજું કોઇ નથી. આ પ્રશંસા અને ખુશામત આપણને આપણી સાચી ક્ષમતા ઓળખવા નથી દેતા, તેથી આપણે જે નિર્ણયો લઇએ, જે કામ કરીએ એ ખોટી દિશાનાં પુરવાર થાય અને પત્તાંના મહેલની જેમ આપણી ખુશીઓનો મહેલ ક્ષણભરમાં તૂટી જાય. ખુશામત એ આપણા વ્યક્તિત્વને ખોખલું બનાવતું એવું ધીમું ઝેર છે જે ખુશામતિયા લોકો આપણને શરબતના રૂપમાં પીવડાવે છે અને એના નુકસાનની ખબર પડે ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હોય છે.

આચાર્ય ચાણક્યનાં મતે લાલચુ વ્યક્તિથી હંમેશાં અંતર રાખવું જોઇએ. આવી વ્યક્તિ વિશ્વાસપાત્ર નથી હોતી અને પોતાના ફાયદા માટે બીજાને છેતરે છે. એમને બીજા લોકોને ગમે તેટલું નુકસાન થાય એની પરવા નથી હોતી. એ પોતાના ટીપાં જેટલા લાભ માટે આપણને દરિયા જેટલું નુકસાન કરી શકે. ભલે આ દુનિયા ગિવ એન્ડ ટેકની નીતિ પર ચાલે છે, પણ પરસ્પરના સ્વાર્થ માટે થતા વ્યવહાર અને લાલચ વચ્ચે મોટો તફાવત છે. લાલચમાં છેતરપિંડી, દગો, સંબંધોનું અવમૂલ્યન અને માત્ર પોતાના ફાયદાનો જ વિચાર હોય છે. લાલચ ઇચ્છાઓને એવી ચકરાવે ચડાવે છે કે જે બીજાના જીવનમાં વંટોળ સર્જીને રહે છે. આવા લાલચુ વંટોળિયા જેવા લોકો આપણા જીવનમાં વિનાશ સર્જે એ પહેલાં એનાથી છેડો ફાડવામાં જ સમજદારી છે.

નુકસાનકર્તા લોકોમાં ત્રીજા ક્રમે આવે છે ચાલાક વ્યક્તિ. જે એક ચહેરા પર અનેક ચહેરાં લગાવીને ફરે છે. મુખ મેં રામ ઔર બગલ મેં છૂરી જેવા આ ઢોંગી લોકો મીઠી વાણી અને સારા વર્તનનો સહારો પોતાના સ્વાર્થ માટે લે છે અને પોતાની મેલી મુરાદની સામી વ્યક્તિને ખબર નથી પડવા દેતા. એમની બદમાશી અને લુચ્ચાઇની આપણને મોડી ખબર પડે છે. તેઓ પોતાનો લાભ સિફતપૂર્વક લે છે. પોતાના લાભ માટે એ કાચિંડાની જેમ રંગ બદલતા રહે છે. સમયના કોઇ પણ વહેણમાં વહીને એ પોતાનો સ્વાર્થ સાધી લે છે અને તેઓ સીધું નહીં આપણને આડકતરું નુકસાન કરે છે, તેથી ઘણી વખત એમને ઓળખવામાં થાપ ખવાઇ જાય છે. તેઓ માનસિક રીતે કમજોર હોય છે તેથી બીજાની ખુશીઓથી બળે છે અને ચાલાકીથી બીજાને ઉલ્લુ બનાવે છે.

કેટલાક લોકો સંબંધોમાં માત્ર ફાયદો જ જુએ. `A Friend in need is a Friend In deed.' મતલબ કે જે જરૂરિયાતના સમયે સાથ નિભાવે એ જ સાચો મિત્ર, પરંતુ સ્વાર્થી અને પોતાનો ફાયદો જોનાર વ્યક્તિ પોતાનો લાભ હશે તો અડધી રાતે ઊભા રહેશે અને થોડા જ સમયમાં અદૃશ્ય થઇ જશે. તેઓ પોતાની નીતિમાં સ્પષ્ટ હોય છે કે આપણને ફાયદો ન થાય એવા સંબંધોના વળગણથી દૂર રહેવું. `ગરજ સરી અને વૈદ્ય વેરી જેવી એમની માનસિકતા હોય છે.'

પાંચમા ક્રમે આવે છે હર્ટ કરનારા લોકો. આવા લોકોને પરપીડનમાં આનંદ આવે છે. એમના શબ્દો તીર જેવા હોય છે, જે સીધા હૃદયને ઘાયલ કરે અને વર્તન ઘા પર મીઠું ભભરાવવા જેવું હોય છે. તેઓ પોતાને સ્પષ્ટ વક્તા તરીકે ગ્લોરિફાય કરશે અને શબ્દોથી બીજાને હર્ટ કરશે. ટીકા, નેગેટિવિટી અને ઇર્ષ્યાથી પીડાતી આ વ્યક્તિના સ્વભાવમાં જ બીજાને હર્ટ કરવાની વૃત્તિ હોય છે. આવા લોકો આપણો આત્મવિશ્વાસ તોડે છે, ખોટા વિચારોથી મન ભરે છે, ઇમોશનલી ડિસ્ટર્બ કરી ખુશીઓથી દૂર કરે છે. ઊગતા શત્રુની જેમ આપણા જીવનમાં એમનું વર્ચસ્વ પ્રભાવી બને એ પહેલાં જ ડામી દેવું જોઇએ.

આટલા લોકોને આપણે ઓળખીને આપણા જીવનથી દૂર રાખીશું તો ખુશીઓને ગ્રહણ નહીં લાગે એ નક્કી.