તામિલનાડુ અને દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટના વિસ્તારમાં એક કુરીંજી નામનો છોડ થાય છે. કુરીંજી ભારતમાં અનેક સ્થળોએ અને વિદેશોમાં પણ થાય. તે છોડમાં બાર વર્ષે જ ફૂલ બેસે.

આખી દુનિયાના કુરીંજીમાં એકીસાથે જાંબલી રંગનાં ફૂલો બેસવાનું કારણ શું? છોડ પાસે ઘડિયાળ હોય? બીજું આવું ઉદાહરણ છે બામ્બૂ ફ્લાવર્સનું. વાંસની જુદી જુદી જાત અનુસાર વાંસને સાઠથી એકસોવીસ વર્ષે ફૂલ આવે. પછી એ વાંસ ભારતમાં હોય કે ઇન્ડોનેશિયામાં, એકસાથે જ ફૂલ બેસે. કેલેન્ડર વિના અને કોઈ જ સીધા-આડકતરા સંપર્ક વિના જુદા જુદા વાંસ વચ્ચે આવું તાદાત્મ્ય કેમ?

હજુ એક રોચક ઉદાહરણ: યુક્કા કરીને એક છોડ આવે છે. એ છોડની આખી જિંદગી દરમિયાન એક જ એવી રાત હોય છે જે દરમિયાન યુક્કા નામ ધરાવતા જ જીવડાં તેની ઉપર બેસી, તેની પરાગરજ લઇ તે છોડને પરાગનયન દ્વારા પ્રજનન કરી આપે. હવે આ વસ્તુ યુક્કા છોડ કે જીવાતને શીખવાડી ન શકાય, કારણ કે એ અવસર આખી લાઈફમાં માત્ર એક જ વખત આવે. તો આખી દુનિયામાં ફેલાયેલા બધા જ છોડ અને તે જીવાતને ખબર કઈ રીતે પડે કે આજની રાત વસ્તી વધારવાની રાત છે?

કાળા-ગોરાના ભેદભાવભરી માનસિકતા વર્ષો પહેલાંથી ભારતમાંથી લગભગ નાબૂદ થઇ ગઈ, પરંતુ જે દેશમાં આજની તારીખે તે સમસ્યા છે તે અમેરિકામાં અત્યારે ત્યાંના નાગરિકો સ્તબ્ધ છે. લોકશાહી દ્વારા ત્યાંના એક ઘુરીયલ પ્રમુખ એક વખત હાર્યા પછી બીજી વાર ચૂંટાયા. એનો આઘાત નથી, પણ જે અમેરિકા ગ્રેટની વાતો કરતા હતા એના જ અમેરિકાનાં અમુક શહેરોમાં અત્યારે ગૃહયુદ્ધ અને લૂંટફાટભરી સ્થિતિ છે, જે હજુ સુધી કાબૂમાં આવી નથી. સત્તા પર આવ્યા પછી ચોપાટની પેલી કૂકરીની જેમ તેમને ગાંડું ઉપડ્યું અને ટ્રેડ વોરના નામે વિશ્વના અનેક દેશોને સીધા સપાટામાં તો લઇ જ લીધા. પ્રમુખ તરીકે ચૂંટાયા પછી પ્રમુખનો આવડા મોટા પયમાના ઉપર વિરોધ થયો હોય એવું નજીકના ઈતિહાસમાં પહેલી વખત ટ્રમ્પના કેસમાં બન્યું છે. લાખો ભારતીયો એટલે કે NRI પરત ફરી રહ્યા છે. ઘણાં રામજીભાઈ ને મૂળીબહેનના અમેરિકા જઈને સેટલ થઇ જવાનાં ખ્વાબ ઉપર અત્યારે ઠંડી ઝાકળ બેસી ગઈ છે. કેમ? પ્રથમ ફકરાના છોડ-જીવાતનાં ઉદાહરણ અને આ અમેરિકન રાજકીય સ્થિતિને વળી શું કનેક્શન છે?

અચાનક અઘટિત ક્યારે બની જાય એ આપણે જાણતા નથી. એકસાથે લાખો લોકો ક્યારે સપાટામાં આવી જાય તેની કોઈને ખબર હોતી નથી. કોરોના ફરીથી દેખા દે, અચાનક યુદ્ધના સંજોગો આવી પડે, કોઈ હુમલો થાય. કોઈએ આ ભવિષ્ય ભાખ્યું હોતું નથી. ઉલ્કાપાતની જેમ અચાનક આવી ઘણી બધી કુઘટનાઓ કેમ ઘટતી હોય છે?

હવે એક થિયરી મુજબ જવાબ સાંભળો: બીકોઝ, ડીપ ઇનસાઇડ, પબ્લિકને આ બીક હોય છે કે પછી પબ્લિક જાણતી હોય છે. પ્રજા અમુક સંજોગોના સોનેરી સપનાં કે દુ:ખિયારાં દુ:સ્વપ્નો જોતી હોય છે. એકસાથે કરોડો મનમાં આવી દહેશત કોઈ ને કોઈ ખૂણે હોય છે. કુદરત સુધી આ સિગ્નલો પણ કોઈ ને કોઈ રીતે પહોંચતાં હોય છે. બેતુકી લાગતી આ થિયરી હકીકતમાં વિજ્ઞાનની દેન છે. વધુ ચોક્કસપણે કહીએ તો આ સાયકોલોજીનો વિષય છે. આપણે વાત કરી રહ્યા છીએ collective unconscious - સામૂહિક અર્ધજાગૃતિની.

સમજો. રંગભેદની નીતિ તો પશ્ચિમના દેશોનો સમગ્ર જગતને શાપ છે જ. અમેરિકાની સ્થાપના જ ત્યાંના મૂળ રેડ ઇન્ડિયન અમેરિકનોને તગેડીને થઇ છે. લોકશાહીના આગ્રહી ખરા પણ એ સગવડિયા ધર્મ જેવી લોકશાહી અગર તો સરમુખત્યારશાહીના વિરોધરૂપે જન્મેલી લોકશાહી ત્યાં પ્રવર્તે. આમ પણ 9/11 પછી સરેરાશ અમેરિકન દરેક મુસ્લિમને ટીકી ટીકીને જોવા તો મંડેલો જ. એક ચોક્કસ ધર્મ કે એક ચોક્કસ કોમ્યુનિટી પ્રત્યેનો દ્વેષ, અગર તો છૂપો દ્વેષ લોકોમાં જાગેલો. સમાનતા ને વિવિધતામાં એકતાવાળા રૂપાળા સિદ્ધાંતોના ઓછાયા હેઠળ મોટાભાગના અમેરિકનો એ વાત જાહેરમાં ઉચ્ચારતા નહિ, પણ અંદરખાને તો પહેલાં મુસ્લિમો અને પછી વિદેશીઓ માટે ધીમા ધિક્કારની લાગણી ઊભી થવા મંડી હતી. ટ્રમ્પ અત્યારે શું કરે છે? વિદેશીઓને અનુકૂળ ન આવે એવું વાતાવરણ ઊભું કરી રહ્યો છે તો અમેરિકન પબ્લિકને આંચકા શેના લાગે છે? ભૂલી ગયા તમે, 9/11 પછી કેટલા બધા નિર્દોષ નોન-અમેરિકનને તમે ટોર્ચર કર્યા છે? જોન અબ્રાહમની `ન્યૂયોર્ક' ફિલ્મ જેવા કેટલા બધા કિસ્સા છે!

સેમ વિથ ઇન્ડિયા, અંગ્રેજો હતા ત્યારથી આપણને પશ્ચિમી સંસ્કૃતિનું ખાસ કરીને ટેક્નોલોજીનું ઘેલું હતું. તલવાર મુકાવીને આપણા હાથમાં રાઈફલ પકડાવનારી એ જ પ્રજા છે. ગુજરાતી અને સરેરાશ ભારતીયને સુંદર યુવતી કરતાં તો અમેરિકા-બ્રિટન-કેનેડાનું ઘેલું હોય છે. `ફોરેન' શબ્દનું ભાષાંતર વિદેશ થાય, પરંતુ એ શબ્દ કાને પડે એટલે માનસપટ ઉપર તો ચકાચૌંધ કરી દેતી અમેરિકન કે લંડનની દુનિયાનું રમણીય ચલચિત્ર શરૂ થઇ જાય, માડાગાસ્કર કે ઝિમ્બાબ્વેનું નહિ. સરેરાશ ભારતીયના અર્ધજાગ્રત મનમાં જે પશ્ચિમી ટેક્નોલોજી માટે ફેસીનેશન હતું, જે મદહોશ કરી દે તેવી કલ્પનાઓ હતી ને હવે એ અહીં પૂરી થઇ રહી છે. એમાં કંઈ ખરાબ નથી, પણ પબ્લિક રીલઘેલી બનતી જાય છે.

`તમારા અર્ધજાગ્રત મનની શક્તિ જાણો અને કરોડો કમાઓ' ટાઈપના જે મોટાભાગના બેબુનિયાદી સેમિનારો ચાલે છે તે નર્યા બફાટ હોય છે અને તે વાત અહીં નથી. વાત છે હ્યુમન સાયકોલોજીની, રાધર કલેક્ટિવ સાયકોલોજીની. મોટા દીકરાને સાદ દેતી વખતે નાના દીકરાનું નામ ભૂલથી બોલાઈ જાય, હબી સાથે વાત કરવા જતાં બોયફ્રેન્ડનું નામ નીકળી જાય - આ અનકોન્શિયસ માઈન્ડનો કમાલ છે.

છેક બાળપણમાં જોયેલી વાત બુઢાપામાં કોઈ રાતે સપનામાં આવે તે જાદુ આપણા મગજની સપાટીના અંદરના ભાગનો છે. વાત સમજવામાં અઘરી લાગે, પણ મોટા જનસમુદાયના માનસ ઉપરથી જુદા હશે પણ અંદરથી ઘણા સરખા છે. ધર્મ, રીતરિવાજ, સમાજ, સંસ્કૃતિ, ટેક્નોલોજી વગેરે તેને એક ચાકડે ઘડે છે. ઈન્ટરનેટથી દુનિયા નાની થઇ ગઈ માટે એક ફોરવર્ડ મેસેજ લાખો લોકોના માનસ એકસાથે બદલી શકવાની ક્ષમતા ધરાવે છે.

મુદ્દો એ છે કે જેમ સમય જતો જશે એમ સામૂહિક વિચારધારાની વૈશ્વિક સ્તર ઉપર અસર ખૂબ થશે. દરેક માણસ કલેક્ટિવ અનકોન્શિયસ ધરાવતો હશે અને આવા અનેક માણસોના સમુદાયને કારણે અણધાર્યા ફેરફારો આવશે. અર્થાત્ હવે દરેક વ્યક્તિની, દરેક સામાન્ય વ્યક્તિની જવાબદારી વધતી જાય છે. પાઠ્યપુસ્તકના પ્રતિજ્ઞાપત્ર અને નાગરિકોની મૂળભૂત ફરજોને મઠારવાનો સમય આવી ગયો છે. હવે વાંસનાં ફૂલ અને યુક્કા પરાગનયન સમજાયું? મનોવિજ્ઞાનની ઉત્ક્રાંતિમાં સદીઓથી પાછળ રહેલો માણસ મનુષ્યેતર જીવોની લગોલગ ક્યારે પહોંચી શકશે?