હબસણના મોં જેવી કાળી ડિબાંગ રાતના અંધકારમાં સિંહની ડણક જેવું રજવાડું ગાઢ નિદ્રામાં પોઢ્યું હતું. ચારેકોર સૂનકાર છવાઇ ગયો હતો. આવી ભાંગતી રાતે કોઈ ઠેકાણેથી ભગવા ભજનના ભક્તિઘેરા સૂર રેલાઈને ફેલાઇ રહ્યા હતા.

રાતના કહુલા ટાણે અરબી ઘોડાના ડાબલા રાજમાર્ગને ખૂંદી રહ્યા હતા. ત્યાં ઘોડાને નજીક આવતાં જાણી પહેરેદારે શિરસ્તા પ્રમાણે સાદ દીધો: `હોલ્ટ ટુ કમ્સ ધેર?' સામેથી લશ્કરી ભાષામાં જવાબ આવ્યો: `ગ્રાન્ડ રાઉન્ડ' બોલનારના મર્દાનગીભર્યા અવાજના પડઘા નિરવ રાત્રીના ચંદરવામાં જાણે રંગોળી રચી ગયા.

`ગ્રાન્ડ રાઉન્ડ પાસ.' પહેરેદારે પસાર થવાની સૂચના કરતો સાદ દીધો. ત્યાં સામે સંપૂર્ણ સત્તાભર્યા અવાજે લશ્કરી કમાન્ડરની રીતે પડકાર કર્યો: `ક્યા નામ, કૌન-સા નંબર?' એટલી જ ત્વરાથી પ્રત્યુતર મળ્યો: `નામ દેશળ, નંબર છત્તીસ.' પછી તો લગોલગ આવીને વિઝિટ બુક માગી. સિપાઈએ આપી. તેમાં માગનારે, આવનારે પોતાની સહી કરી, શાબાશી આપી. માલિકનો મનપારખું અરબી અશ્વ વળી આગળ ઉપડ્યો.

સિપાઈની વિઝિટ બુકમાં સહી કરનાર ધ્રાંગધ્રાના ચપળ, સફળ ને સૈન્યપ્રેમી રાજવી ખુદ અજીતસિંહજી હતા. આ રાજવી શિસ્તપાલનના ભારે આગ્રહી. પોતે પાલન કરતા ને સિપાઈ કે નોકર-ચાકર પાસે પણ પાલન કરાવતા. તેમના વખતમાં `ચોરી' નામે શૂન્ય હતી. ભૂતકાળમાં રાજાઓ અંધારપછેડો ઓઢી નગરચર્ચા જોવા-સાંભળવા નીકળતા એવું જ હતું આ રાજવીનું. વેળા-કવેળા તેઓ આમ નગરચર્યા માટે નીકળી પડતા હતા.

અશ્વ હજુ થોડો આગળ વધ્યો હશે ત્યાં પડખેની શેરીમાંથી ભગવા ભજનના સૂર કાને પડ્યા. થોભીને અશ્વને એ શેરીમાં વાળ્યો. જોયું તો નજર અંધારા અટવાઈને પાછી પડી. થયું કે ભજનના ભણકારા વાગે છે, પણ આગળની શેરીમાં પરભુ કોચમેનને ત્યાં ભજન હતાં. પગપાળા સીધું જ જઇ શકાય, પણ અશ્વ સવારી હતી તે ફેરવીને નજીક આવ્યા. અંધારાની આડસ લઇ ઊભા રહ્યા. કાન માંડ્યા. સાદ સૂરીલો ને જાણીતો હતો.

ભજનના શબ્દો હતા:`બાયુ અમને પૂરાં રે મળે તો રાવું રેડીયે. અધૂરિયાને ન કઈ દિલની વાત રે.'

કોઈ ભાળે નહીં એમ ઊભા રહ્યા પછી ધ્રાંગધ્રાના ધણીએ અશ્વના પેડુમાં એડી અડાડી અને જ્યાં સુધી ભજનના સૂર સંભળાતા રહ્યા ત્યાં સુધી તેની ગતિ વધારી નહીં. રાજમહેલમાં આવ્યા ત્યારે રાજવીને વિસામણના બદલે નિરાંત થઇ હતી, કારણ કે દેશળ ભગત માટે ચોકીદારીની ફરિયાદ હતી તે રહી નહોતી.

આ બાજુ ભજન પૂરું થતાં જ ભજનિકને ભાન થયું. `વખત ઘણો ગયો છે પરભુભાઈ! આજ વા'લાના ગુણ ગાતો ભાન ભૂલ્યો.' ભજનિકે ભાવસભર કહ્યું: `તમારા ઘરેથી વાયક આવ્યું હતું કે એકાદ ચોહાર કરી પહેરા પર જવાશે, પણ રંગ ચડી ગયો.' પછી કહે: `હમણાં હમણાં બાપુ ખુદ રોનમાં નીકળે છે. ભજનના લીધે આવા પહેરા ભરવાના ગુના થાય છે. નોકરી રહેશે નહીં.' આગળ કહે: `ધણી કરે તે ખરી!'

`દેશળ ભગત!' ઘરધણી કોચમેન કહે: `આ વાત કરી હોત તો વે'લી રજા આપત. હતું કે ભગતની નોકરી દિવસની હશે!'

`ઠાકર ધણીની મરજી પરભુભાઈ.' દેશળ ભગત આર્જવ સ્વરે બોલ્યા: `ચોકી પર જોઈ આવું કે પહેરો કોણ ભરે છે?' આમ કહીને ભગત રવાના થયા.

ભગતના માવતરને આયખાનો લૂણો લાગી ગયો હતો. છતાંય લાકડાંના ભારા વેચી દેશળને ઉછેર્યો હતો. રાયસંગપુર ગામથી હારી-થાકી તેઓ ધ્રાંગધ્રા આવ્યા હતા. ત્યાં તેમને રથ હાંકવાની નોકરી મળી હતી. દેશળ ભગત ઘણી મહેનતના અંતે લખી, વાંચી શકે એટલું ભણ્યાં. રેવન્યુ ખાતામાં હવાલદાર તરીકે નોકરીમાં જોડાયા. ઘરમાંથી દારુણ ગરીબીએ રજા લીધી હતી, પણ કમાણી રકમ સંત-સાધુ, અભ્યાગતો પાછળ ખર્ચાવા લાગી હતી. વય સાથે ધર્મ, વિવેક, ભક્તિભાવના, સંતસેવાની વૃત્તિઓ ભગતમાં વધતી જતી હતી. જ્યાં ભજન હોય ત્યાં ભગતની હાજરી હોય. ભગતનો કંઠ મીઠો, તેથી ભગત વિનાનાં ભજન મોળાં લાગતાં હતાં. ઠાકોર અજીતસિંહ ગાદીએ આવતાં રાજ્યમાં નવો પોલીસબેડા તૈયાર કર્યો. જેમાં દેશળ ભગતને માસિક રૂપિયા આઠથી પોલીસમાં લીધા હતા. તે બહુ મોટી રકમ હતી, પણ ભજન ને રાતની નોકરી વચ્ચે વડચડ સાથે શોક્ય જેવો ફજેતો થવા લાગ્યો હતો. જેની રાવ ખુદ રાજ્યના રાજવી સુધી પહોંચી ગઇ હતી.

દેશળ ભગત શેરી વટાવી પોતાની ચોકીદારીના સ્થળે આવ્યા. બત્તીના અજવાળે ઘોડાના ડાબલાના સગડ પારખી લીધા. રાજવી ખરાઇ કરીને ગયા છે તેનો ખ્યાલ આવતાં હૈયામાં ધ્રાસકો પડ્યો. `નક્કી નોકરી ગઇ!' પણ સાથે કોઈ માણસના પગલાં પણ પડેલાં હતાં. ભગતને થયું કે મારી જગ્યાએ કોઈ બીજો માણસ આવ્યો કે રાખ્યો હશે? શું થયું હશે? પોતે ભજનમાં લીન હતા તે હકીકત હતી, પણ પછી કાળ કે કુદરતની કરામતનો સઘળો તાળો મળતાં ભગતની પ્રજ્ઞાનાં દ્વાર ઊઘડી ગયાં. અંતરમાં ચેતનાની જ્યોત ઝળહળવા લાગી. ચોમેર દિવ્ય ઉજાસ પથરાવા લાગ્યો. જાણે દસે દિશાએ નર્યું અજવાળું, અજવાળું!

`વાહ મારા નાથ, વાહ મારા ધણી, તે આ ગરીબડા ભગતની આટલી બધી કાળજી લીધી?' ભગતની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ગળે ડૂમો ભરાઇ ગયો. તે બોલી શક્યા નહીં, પણ ખબર હતી, ખરેખર કયા ધણીએ લાજ રાખી છે! પણ હવે ભજન ને ચોકીદારી સાથે નહિ થાય. પછી ભગતે રાજીનામું આપી દીધું હતું.