લીડરશિપ એટલે માત્ર મોટા નિર્ણયો લેવા કે મહાન ઉદ્દેશ્યો હાંસલ કરવા પૂરતું નથી, પરંતુ નાની નાની બાબતો પર ધ્યાન આપવું અને તેને યાદ રાખવું એ પણ એટલું જ મહત્ત્વનું છે.

 મહાભારતના `શાંતિપર્વ'માં પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને જીવન અને લીડરશિપનાં સૂક્ષ્મ પાસાંઓનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે જે વ્યક્તિ નાની બાબતોને અવગણે છે, તે ક્યારેય સંપૂર્ણ લીડર બની શકતો નથી. નાની બાબતો એટલે એવી વિગતો જે દેખીતી રીતે ક્ષુલ્લક લાગે, પરંતુ તેની અસર દૂરગામી હોય છે. આ બાબતોનું ધ્યાન રાખવું, તેને યાદ રાખવી અને તેને ન અવગણવી એ લીડરની સફળતાનો પાયો બની શકે છે.

જીવનમાં નાની બાબતોનું મહત્ત્વ સમજવા માટે આપણે આસપાસના વાતાવરણ પર નજર રાખવી પડે. ભીષ્મ કહે છે કે જેમ ચંદ્રનો ક્ષય કે દરિયાની ભરતી-ઓટ આપણા જીવન પર અસર કરે છે, તેમ નાની બાબતો પણ આપણી લીડરશિપ પર ઊંડી અસર કરે છે. ઉદાહરણ તરીકે, ટીમના સભ્યની ચિંતા, તેની નાની સિદ્ધિ કે તેની નાની ભૂલ પર ધ્યાન આપવું એ લીડરની જવાબદારી છે. જો લીડર આવી બાબતોને અવગણે તો ટીમનું મનોબળ ઘટે છે અને નાની ભૂલો મોટી સમસ્યાઓનું રૂપ લઈ શકે છે. શાંતિપર્વમાં ભીષ્મ આ વાતને ઋતુઓના પરિવર્તન સાથે સરખાવે છે. જેમ ઋતુઓના નાના ફેરફારો પાકની ઊપજ પર અસર કરે છે, તેમ લીડરની નાની બેદરકારીઓ ટીમની પ્રગતિ પર અસર કરે છે.

નાની બાબતો યાદ રાખવી એટલે માત્ર વિગતોનો હિસાબ રાખવો નહીં, પરંતુ તેની પાછળનો ઉદ્દેશ સમજવો. ઉદાહરણ તરીકે, એક લીડરે પોતાની ટીમના સભ્યોના જન્મદિવસ, તેમની વ્યક્તિગત પસંદગીઓ કે તેમની નાની મુશ્કેલીઓ યાદ રાખવી જોઈએ. આવી નાની બાબતો યાદ રાખવાથી ટીમના સભ્યોને લાગે છે કે લીડર તેમની કદર કરે છે, જેનાથી તેમનો વિશ્વાસ અને નિષ્ઠા વધે છે. ભીષ્મ આ વાતને પ્રકૃતિના નાના ફેરફારો સાથે સાંકળે છે. તેઓ કહે છે કે નદીના પ્રવાહમાં નાનો ફેરફાર કે જીવસૃષ્ટિમાં નાનું પરિવર્તન પણ ધ્યાને લેવું જોઈએ, કારણ કે આ નાની બાબતો આખરે મોટી અસર કરે છે.

નાની બાબતોને ન અવગણવી એ લીડરશિપનો મૂળ મંત્ર છે. ઘણી વખત આપણે મોટાં લક્ષ્યોની પાછળ દોડતાં નાની વિગતોને ભૂલી જઈએ છીએ, પરંતુ ભીષ્મ શાંતિપર્વમાં સમજાવે છે કે નાની બાબતોને અવગણવાથી લીડર અસાવધ દેખાય છે, જે તેની પ્રતિષ્ઠા અને સફળતા માટે હાનિકારક છે. ઉદાહરણ તરીકે, એક મીટિંગમાં નાની ભૂલ, જેમ કે સમયનું ધ્યાન ન રાખવું કે કોઈનું નામ ખોટું બોલવું, લીડરની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરી શકે છે. આવી નાની બાબતો પર ધ્યાન આપવાથી લીડરની સજાગતા અને વ્યવસ્થિત અભિગમ દેખાય છે, જે ટીમને પ્રેરણા આપે છે.

આ ઉપરાંત નાની બાબતો પર ધ્યાન આપવું એટલે પોતાની જાતને પણ નિરીક્ષણ કરવી. ભીષ્મ કહે છે કે લીડરે પોતાના શરીર અને મનમાં થતા નાના ફેરફારો પર નજર રાખવી જોઈએ. જેમ કે, થાકની નાની નિશાની, ખાવા-પીવામાં નાનો ફેરફાર કે નાની તબિયતની સમસ્યા પર ધ્યાન આપવું જોઈએ. આવી નાની બાબતોને અવગણવાથી લીડરની કાર્યક્ષમતા ઘટી શકે છે. શાંતિપર્વમાં ભીષ્મ આને પ્રકૃતિના નિયમ સાથે સરખાવે છે. જેમ કે, નદીના પાણીમાં નાનો બગાડ પણ આખી જીવસૃષ્ટિને અસર કરે છે. તેમ લીડરની નાની બેદરકારી તેની આખી કારકિર્દી પર અસર કરી શકે છે.

નાની બાબતોનું ધ્યાન રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે લીડર હંમેશાં સજાગ રહે છે. ગાફેલ લીડર ક્યારેય સફળ થઈ શકતો નથી, કારણ કે ગફલતથી નાની ભૂલો મોટી સમસ્યાઓ બની જાય છે. ભીષ્મ કહે છે કે જે લીડર નાની બાબતો પર ધ્યાન રાખે છે, તે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની સ્થિતિમાં નથી આવતો. ઉદાહરણ તરીકે, ટીમના સભ્યની નાની શિકાયતને સમયસર સાંભળવાથી મોટો વિવાદ ટળી શકે છે. આવી સજાગતા લીડરને આગળ રાખે છે અને તેની ટીમને સ્થિરતા આપે છે.

ઈનશોર્ટ, નાની બાબતો પર ધ્યાન આપવું એ લીડરશિપની કળા છે. શાંતિપર્વમાં ભીષ્મના ઉપદેશો આપણને શીખવે છે કે નાની બાબતો યાદ રાખવી, તેનું ધ્યાન રાખવું અને તેને ન અવગણવું એ લીડરની સફળતાનો આધાર છે. જે લીડર આ કળામાં નિપુણ બને છે, તે ન માત્ર પોતાની ટીમને પ્રેરણા આપે છે, પરંતુ પોતાની જાતને પણ સતત ઉન્નત કરે છે. જે આખરમાં તેના માટે જ મસમોટા લાભો ઉત્પન્ન કરે છે.