તમે અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાનો અભ્યાસ કરશો એટલે કે `ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ- 1952' જો ધ્યાનપૂર્વક વાંચશો તો તમને જણાશે કે અમેરિકાએ ઈમિગ્રેન્ટોને એમને ત્યાં આવવા માટે કંઈકેટલાય જુદા જુદા રસ્તાઓ, જુદા જુદા પ્રકારના વિઝાઓ એમના ઈમિગ્રેશનના કાયદામાં સમાવ્યા છે.
સૌ પ્રથમ ચાર ફેમિલી પ્રેફરન્સ કેટેગરી છે. એની હેઠળ એક વર્ષમાં 2,25,000 ઈમિગ્રન્ટોને એટલે કે પરદેશીઓને અમેરિકામાં આવવા દેવામાં આવે છે. બીજી ચાર જુદી જુદી એમ્લોયમેન્ટ્સ બેઝ પ્રેફરન્સ કેટેગરીઓ હેઠળ પણ 1,40,000 જેટલા પરદેશીઓને અમેરિકામાં જુદાં જુદાં કામ કરવા માટે આવવા દેવામાં આવે છે. જો તમે અમેરિકન સિટીઝનના `ઇમિજિએટ રિલેટિવ' હોવ એટલે કે અમેરિકન સિટીઝનનાં માતા-પિતા હોવ કે પછી પત્ની યા પતિ હોવ તો તમને ઇમિજિએટ રિલેટિવ કેટેગરી હેઠળ અમેરિકામાં કાયમ રહેવા માટે આવવાની છૂટ હોય છે.
દર વર્ષે અમેરિકાની સરકાર 55,000 ઈમિગ્રન્ટ વિઝા `વિઝા લોટરી' દ્વારા આપે છે.
પછી આવે છે `અસાઈલમ.' તમે રાજકીય આશરો માગીને, તમારા દેશમાં તમાર ઉપર અત્યાચાર થાય છે, રાજકીય માન્યતાઓના કારણે, પોલિટિકલ એક્ટિવિટીના કારણે, જાતિ યા ધર્મના કારણે તમારા ઉપર અત્યાચાર થાય છે અને સરકાર તમને રક્ષણ નથી આપતી, તમને બીક લાગે છે કે તમારા જાનમાલ જોખમમાં છે, તો તમે અસાઈલમ માગીને અમેરિકામાં કાયમ માટે રહેવા જઈ શકો છો. તમે રેફ્યુઝી સ્ટેટ્સ પ્રાપ્ત કરીને પણ અમેરિકામાં કાયમ રહેવા જઈ શકો છો. જો તમે અમેરિકાની મિલેટરીમાં જોડાઓ તોપણ તમને અમેરિકામાં કાયમ રહેવા માટે ઈમિગ્રેન્ટ વિઝા મળી શકે છે.
વર્ષ 1990માં અમેરિકાએ એમની જે ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ્સ બેઝ પ્રેફરન્સ કેટેગરીઓ હતી એમાં એક વધુ કેટેગરી `ઈબી-5'નો ઉમેરો કર્યો છે. જેની હેઠળ તમે અમેરિકામાં નવા બિઝનેસમાં, જે મોટા શહેરમાં કાર્ય કરતી હોય એમાં દસ લાખ, પચાસ હજાર ડોલર અથવા તો પછાત પ્રદેશમાં કાર્ય કરતી હોય એમાં આઠ લાખ ડોલરનું રોકાણ કરો અને એ બિઝનેસમાં દસ અમેરિકનોને નોકરીમાં રાખી જાતે બિઝનેસ કરો તો ગ્રીન કાર્ડ મળી શકે છે. જો જાતે બિઝનેસ ન કરવો હોય તો આ ઈબી-5 પ્રોગ્રામ હેઠળ અમેરિકાની સરકારે માન્ય કરેલ રિજનલ સેન્ટરમાં રોકાણ કરો તોપણ તમને ગ્રીન કાર્ડ મળી શકે છે. એ નવો બિઝનેસ ચલાવવાનું રિજનલ સેન્ટરને માથે આવી પડે છે. દસ અમેરિકનોને એમણે નોકરીમાં રાખવા પડે છે. તે લોકો ડાયરેક્ટલી, ઈન-ડાયરેક્ટલી કે ઈન્ડ્યુસ વે, એ દસ અમેરિકનોને તમારા વતીથી નોકરીમાં રાખી શકે છે. આમ, જુદાં જુદાં કારણોસર અમેરિકા તમને એમના દેશમાં આવવા દે છે. શા માટે? કારણ કે અમરિકાને ઈમિગ્રન્ટોની જરૂર છે.
અમેરિકા ભારત કરતાં ત્રણ ગણો મોટો દેશ છે, પણ એની વસ્તી ભારત કરતાં ત્રણ ગણી યા એથી પણ ઓછી છે. આથી અમેરિકાને જુદાં જુદાં કાર્યો કરવા માટે માણસોની જરૂર છે. એ માણસો ક્યાંથી આવે?
તમે જોજો કે અમેરિકાનાં ખેતરોમાં અડધાથી ઉપરાંત મજૂરો પરદેશીઓ છે. શાળાઓમાં ટીચરો, યુનિવર્સિટીમાં પ્રોફેસરો, હોસ્પિટલોમાં ડોક્ટરો અને નર્સો અને બિઝનેસમાં, મોટેલ ચલાવવામાં, સ્ટોર ચલાવવામાં, ગેસ સ્ટેશનો ચલાવવામાં, પેટ્રોલપંપ ચલાવવામાં, આ સર્વે માટે અમેરિકાને માણસોની જરૂર છે. આથી જ અમેરિકાએ એમના ઈમિગ્રેશનના કાયદામાં આ પ્રમાણેની છૂટ આપી છે. આ છૂટ તો જેઓ અમેરિકામાં કાયમ રહેવા આવવા ઈચ્છે એમના માટે છે, પણ ટૂંક સમય માટે પણ અમેરિકાને કાર્યકરોની જરૂર હોય છે. એના માટે ખાસ નોન ઈમિગ્રન્ટ કેટેગરીના વિઝા ઘડવામાં આવ્યા છે.
અમેરિકાને ઈમિગ્રન્ટોની જરૂરિયાત છે. ઇમિગ્રન્ટો વગર અમેરિકાના બિઝનેસો ઠપ્પ થઈ જશે. આમ છતાં અમેરિકા ઈમિગ્રન્ટોની વિરુદ્ધ છે. આની પાછળનું કારણ એ છે કે કાયદેસર જે લોકોને અમેરિકામાં આવવાની છૂટ આપી છે એ ઉપરાંત ગેરકાયદેસર લાખો લોકો અમેરિકામાં ઘૂસી આવે છે.
અમેરિકાને આ પસંદ નથી. એટલે અમેરિકાને ઈમિગ્રન્ટોની જરૂર છે, પણ ગેરકાયદેસર ઈમિગ્રન્ટો એમને જોઈતા નથી. કાયદેસર તમે અમેરિકામાં જાઓ તો તમે ત્યાં કાયમ રહી શકો છો, કામ કરી શકો છો. અમેરિકાનો લાભ લઈ શકો છો. તમારી આવડતનો લાભ અમેરિકાને આપી શકો છો.તમારે જો અમેરિકા જવું હોય તો કાયદેસર જજો. હા, એ માટે તમારે તમારી લાયકાત દર્શાવવી પડશે. જો વિઝા, જે આપવાના હોય એ કોટાનાં બંધનોથી સીમિત હોય તો તમારે લાઈનમાં ઊભા રહેવું પડશે. વિઝા મળતા વાર પણ લાગશે. ઘણી વાર તો પાંચ-દસ-પંદર વર્ષ સુધી રાહ જોવી પડે છે, પણ પછી તમે અમેરિકામાં કાયદેસર રહી શકશો. જો તમે અમેરિકામાં ગેરકાયદેસર જશો તો તમને અમેરિકામાં જે તક અને છત છે એનો ફાયદો નહીં મળે. તમારે લપાતા-છુપાતા રહેવું પડશે, ગભરાતા રહેવું પડશે. જો પકડાશો તો તમને જેલમાં નાખશે, દંડ કરશે અને તમારા દેશમાં પાછા મોકલી આપશે.ઈમિગ્રન્ટોની અમેરિકાને જરૂરિયાત છે, પણ અમેરિકા લીગલ ઈમિગ્રન્ટો માગે છે ઈલીગલ ઈમિગ્રન્ટો નહીં.