બેરિસ્ટર સિરિલ રેડક્લિફને વિભાજનની રેખાઓ નક્કી કરવા માત્ર પાંચ અઠવાડિયાંનો સમય આપવામાં આવ્યો. તેમણે ભારત જોયું ન હતું. એક ઓરડામાં બેસી તેમણે માત્ર કાગળ અને નકશા પર એક પેન્સિલથી લીટી ખેંચીને કરોડો લોકોની કિસ્મતનો ફેંસલો કરી નાખ્યો, જેનાથી સર્જાયેલા રક્તપાતે રેડક્લિફને પણ ભારે આઘાત આપેલો
દર વર્ષે 15 ઓગસ્ટનો દિવસ પ્રત્યેક ભારતીયના હૃદયમાં દેશભક્તિ, ગૌરવ અને આઝાદીના આનંદની એક અદ્ભુત લહેર લઈને આવે છે. 1947ની એ ઐતિહાસિક અડધી રાત્રે જ્યારે સમગ્ર વિશ્વ ઊંઘતું હતું, ત્યારે ભારતે એક નવજીવન અને સ્વતંત્રતામાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ઇતિહાસનાં પાનાં પલટાવીએ તો એ સત્ય સામે આવે છે કે આઝાદીનો આ મહાન ઉત્સવ માત્ર આનંદનો નહોતો; તેની પાછળ લાખો લોકોની ચીસો, વહાવેલું લોહી અને પોતાના ઘરબાર છીનવાઈ જવાનું અસહ્ય દર્દ પણ છુપાયેલું હતું. એક અખંડ મુલ્કને બે ટુકડામાં ચીરી નાખવાની આ અત્યંત સંવેદનશીલ ઘટનાને જેટલી ગંભીરતા અને વિચક્ષણતાથી હાથ ધરવી જોઈતી હતી, તેના બદલે તે સમયના શાસકો દ્વારા અપનાવવામાં આવેલી ભાગલાની પદ્ધતિ અત્યંત બાલીશ, ઉતાવળિયા અને જવાબદારીવિહોણી હતી.
ભારત અને પાકિસ્તાનની સીમાઓ નક્કી કરવા માટે બ્રિટિશ સરકારે લંડનના જાણીતા બેરિસ્ટર સિરિલ રેડક્લિફ(Cyril Radcliffe)ની પસંદગી કરી. આ નિર્ણય જ બ્રિટિશ શાસનની ગંભીર ક્ષતિ અને અજ્ઞાનતા સાબિત થયો. સિરિલ રેડક્લિફ તે પહેલાં ક્યારેય ભારત આવ્યા નહોતા. તેમને આ દેશની ભૌગોલિક સ્થિતિ, સાંસ્કૃતિક વિવિધતા, સદીઓ જૂના સામાજિક સંબંધો કે માનવ સંવેદનાઓની કોઈ જ સમજ નહોતી. 8 જુલાઈ, 1947ના રોજ ભારત આવેલા આ વ્યક્તિને પંજાબ અને બંગાળ જેવા બે સમૃદ્ધ અને વિશાળ પ્રદેશોના ભાગલા પાડવા માટે માત્ર પાંચ અઠવાડિયાં (લગભગ 36 દિવસ)નો સમય આપવામાં આવ્યો. તેમણે માત્ર કાગળ અને નકશા પર એક પેન્સિલથી લીટી ખેંચીને કરોડો લોકોની કિસ્મતનો ફેંસલો કરી નાખ્યો.
જે સદીઓથી સાથે રહેતા હતા, જેમની ખેતી, વેપાર, નદીઓ, રસ્તાઓ અને સંસ્કૃતિ એકબીજા સાથે વણાયેલી હતી, તેમને એક કાગળની લીટીથી અલગ કરી દેવાયા. આ સમગ્ર પ્રક્રિયામાં શાસકોની બાલીશતાનો સૌથી મોટો પુરાવો એ છે કે 14 ઓગસ્ટે પાકિસ્તાન અને 15 ઓગસ્ટે ભારત આઝાદ થઈ ગયું, પરંતુ સરહદ રેખા જેને `રેડક્લિફ લાઇન' કહેવામાં આવે છે, તેની સત્તાવાર જાહેરાત બે દિવસ પછી, એટલે કે 17 ઓગસ્ટ, 1947ના રોજ કરવામાં આવી. લાખો લોકો એ જ નહોતા જાણતા કે તેઓ જે જમીન પર ઊભા છે તે ભારત છે કે પાકિસ્તાન.
આ અજ્ઞાનતા અને ઉતાવળનું પરિણામ એક મહામાનવીય તારાજીમાં પરિણમ્યું. આશરે 1.2 થી 1.5 કરોડ લોકો પોતાના ઘરબાર છોડીને સ્થળાંતર કરવા મજબૂર બન્યા. કટ્ટરતા અને હિંસાની એવી આગ ભડકી જેમાં 10 લાખથી વધુ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. શરણાર્થીઓથી ભરેલી ટ્રેનો રક્તરંજિત થઈને સરહદ પાર પહોંચતી હતી. પંજાબ અને બંગાળની ભૂમિ પર જે ભીષણ નરસંહાર થયો, તેણે સદીઓ જૂની ભાઈચારાની ભાવનાને છિન્નભિન્ન કરી નાખી. કામ પૂરું થયા પછી રેડક્લિફ ભારત છોડીને ચાલ્યા ગયા અને ક્યારેય પાછા ન આવ્યા. કહેવાય છે કે આ હિંસાથી તેઓ પણ એટલા વિચલિત થયા હતા કે તેમણે પોતાની ફી પણ સ્વીકારી નહોતી અને પોતાના તમામ કાગળો સળગાવી દીધા હતા, પરંતુ કાગળ પર ખેંચાયેલી એ લીટીએ કરોડો લોકોનાં દિલ પર કાયમી ઘા છોડી દીધા.
વિભાજનનું આ દર્દ એટલું ઊંડું અને જીવંત છે કે દાયકાઓ પછી પણ સાહિત્ય, કળા અને સિનેમા દ્વારા તે સતત છલકાતું રહે છે. હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ `મૈં વાપસ આઉંગા'માં પણ 1947ના આ પાર્ટિશનનું દર્દ અત્યંત સંવેદનશીલ રીતે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ એ વાતની સાક્ષી પૂરે છે કે વિભાજનની એ ઘટના પેઢી દર પેઢી વહેતી એક એવી પીડા છે જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. વિભાજનમાં માત્ર જમીન નથી વહેંચાઈ, પરંતુ પરિવારો, યાદો અને હૃદયના ટુકડા થયા હતા.
ઝૂમ ઇન
યહ દાગ દાગ ઉજાલા, યહ સબ-ગઝીદા સહેર,
વો ઇન્તઝાર થા જિસકા, યહ વો સહેર તો નહીં..
(ભાવાર્થ: આ ડાઘવાળો ઉજાસ, આ ડંખાયેલી સવાર. આપણે જે આઝાદીની રાહ જોતા હતા, આ એ સવાર તો બિલકુલ નથી.)
ઝૂમ આઉટ
બસ્તી મેં અપને ઘર કા પતા તક ના મિલ સકા,
ખત લેકે મેરે નામ કા કાસિદ કહાં ગયા,
હમ તો સમઝ રહે થે કી આઝાદી આ ગઈ,
યે કિસકે સર પે ખૂન કા સેહરા સજા ગયા.
(ભાવાર્થ: પોતાના જ શહેરમાં પોતાનું સરનામું ન મળ્યું. જે આઝાદીની ઉજવણી અમે કરી રહ્યા હતા, એ તો નિર્દોષોના લોહીના તાજ પહેરીને આવી હતી.)
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો