દર વર્ષે 15મી ઓગસ્ટે દેશભરમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. ચારેકોર દેશભક્તિના ગીતો ગુંજે છે, સોશિયલ મીડિયા પર તિરંગાની તસવીરો છવાઈ જાય છે અને દરેક નાગરિકના હૃદયમાં એક અનોખો દેશપ્રેમ ઊભરાઈ આવે છે, પરંતુ શું આ એક દિવસીય ઉત્સવ, વાવટો ફરકાવવો કે માત્ર રાષ્ટ્રભક્તિના નારા લગાવવા એ જ સ્વતંત્રતાની ખરી વ્યાખ્યા છે? 1947માં ભારતે વિદેશી હકૂમતમાંથી આઝાદી મેળવી લીધી અને આપણે આપણું બંધારણ તથા સાર્વભૌમત્વ પ્રાપ્ત કર્યું, પરંતુ આજે સાડા સાત દાયકા પછી પણ એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આપણે નાગરિક તરીકે માનસિક અને આચરણગત સ્તરે ખરેખર સ્વતંત્ર કે જવાબદાર બન્યા છીએ? ભારત જેવા મહાન અને વિશાળ દેશમાં આજે સૌથી મોટો પડકાર કોઈ બહારનો શત્રુ નથી, પરંતુ આપણા જ સમાજમાં વ્યાપ્ત `સિવિક સેન્સ' એટલે કે નાગરિક સંસ્કાર અને સામાજિક જવાબદારીનો ઘોર અભાવ છે.
સ્વતંત્રતાનો અર્થ સ્વેચ્છાચાર કે ગમે તેમ વર્તવાની છૂટ ક્યારેય હોઈ શકતો નથી. કાયદાકીય રીતે આપણને હકો મળ્યા છે, પરંતુ હકોની સાથે જોડાયેલી ફરજોને ભૂલી જવી એ અજ્ઞાનતા છે. આપણી રોજિંદી જિંદગી તરફ નજર કરીએ તો સિવિક સેન્સના અભાવના વિષચક્રનું નગ્ન સત્ય સામે આવે છે. જાહેર રસ્તાઓ પર કચરો ફેંકવો, થૂંકવું, ટ્રાફિકના નિયમોનો અનાદર કરવો, જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવું કે પદયાત્રીઓ માટેની ફૂટપાથ પર અતિક્રમણ કરવું, ટેક્સ ચોરી કરવી, ધાર્મિક કટ્ટરતાનો ભોગ બનવું એ આપણી માનસિકતાનો ભાગ બની ગયું છે. આપણે આપણા ઘરને સાફ રાખીએ છીએ, પણ ઘર બહારનો રસ્તો એ આખા દેશની કે સમાજની મિલકત છે તેવું સ્વીકારવા તૈયાર નથી. જે દેશમાં લોકો નાગરિક તરીકેની પ્રાથમિક શિસ્ત ન જાળવી શકે, ત્યાં માત્ર ભવ્ય ઇમારતો કે આધુનિક ટેક્નોલોજી દેશને મહાસત્તા બનાવી શકતી નથી. ખરી આઝાદી તો ત્યારે જ સાર્થક ગણાય જ્યારે દરેક વ્યક્તિ બીજાના અધિકારો અને જાહેર વ્યવસ્થાનો આદર કરતી થાય.
બીજી તરફ આપણો દેશપ્રેમ ઘણીવાર પ્રતીકાત્મક કે આવેગપૂર્ણ ઉન્માદ સુધી જ મર્યાદિત રહી જાય છે. ક્રિકેટ મેચમાં જીત વખતે કે રાષ્ટ્રીય તહેવારો પર રસ્તાઓ પર નીકળતાં સરઘસો, ગગનભેદી નારા અને ક્ષણિક જુવાળ એ સાચી રાષ્ટ્રભક્તિ નથી. આ પ્રકારનો ઉન્માદ બીજા જ દિવસે ગાયબ થઈ જાય છે અને તે જ રસ્તાઓ પર ફેંકાયેલા કચરા કે તૂટેલા નિયમોના રૂપમાં આપણે આપણી અસલી માનસિકતા જાહેર કરી દઈએ છીએ. દેશપ્રેમ એ કોઈ એક દિવસનો દેખાડો કે ભાવનાત્મક ઊભરો નથી, પરંતુ એ તો સતત ચાલતી એક નિષ્ઠાવાન જીવનશૈલી છે. આપણે પ્રતીકાત્મક રાષ્ટ્રવાદમાંથી બહાર નીકળીને વાસ્તવિક કર્તવ્યપાલન તરફ વળવું પડશે, કારણ કે પાછલાં વર્ષોમાં આપણે એ બાબતે તો સ્પષ્ટ થઈ ગયા છીએ કે રાષ્ટ્રવાદી હોવું અને રાષ્ટ્રપ્રેમી હોવું એ બેમાં બહુ મોટો ફરક છે. એવું ન હોત તો સોશિયલ મીડિયામાં રાષ્ટ્રવાદનાં બણગાં ફૂંકતા લોકો જ ટેક્સચોરી કે મસમોટા ભ્રષ્ટાચારમાં ખદબદતા ન હોત. આખરે દેશ માટે મરી મટવું એ ચોક્કસપણે બલિદાન છે, પરંતુ દેશ માટે જીવવું, દેશના કાયદાઓનું પાલન કરવું, કરચોરી ન કરવી, ભ્રષ્ટાચારથી દૂર રહેવું અને પોતાના કામને પૂર્ણ પ્રામાણિકતાથી કરવું એ આજના સમયની સૌથી મોટી દેશભક્તિ છે.
જ્યાં સુધી આપણે સ્વાર્થી અને ટૂંકી માનસિકતામાંથી મુક્ત નહીં થઈએ, ત્યાં સુધી આપણે બંધારણે આપેલી સ્વતંત્રતાનો સંપૂર્ણ સ્વાદ માણી શકીશું નહીં. સિવિક સેન્સ એ કોઈના પર લાદવાની વસ્તુ નથી, પરંતુ એ વ્યક્તિગત અને સામાજિક જવાબદારીનો વિષય છે. જ્યારે એક વાહનચાલક રેડ સિગ્નલ પર પોતાની ગાડી ઊભી રાખે છે, જ્યારે એક નાગરિક કચરો ડસ્ટબિનમાં નાખે છે, જ્યારે એક સરકારી અધિકારી લાંચ લીધા વગર કામ કરે છે અને જ્યારે દરેક વ્યક્તિ પોતાનાથી નબળા માણસ સાથે આદરપૂર્વક વર્તે છે, ત્યારે સાચા અર્થમાં સિવિક સેન્સનો જન્મ થાય છે. આ જ નાની-નાની બાબતો ભેગી થઈને એક મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરે છે.
આ સ્વાતંત્ર્ય પર્વે આપણે એ સંકલ્પ લેવાની જરૂર છે કે આપણે દેશપ્રેમને કેવળ ઝંડા ફરકાવવા કે નારાબાજી સુધી સીમિત નહીં રાખીએ. આપણે પ્રતીકાત્મક ઉન્માદથી મુક્ત થઈને સર્વાંગીપણે દેશને સમર્પિત બનીશું. આપણું દૈનિક આચરણ, આપણી શિસ્ત, આપણી સિવિક સેન્સ અને આપણી નૈતિકતા જ આ દેશની સાચી ઓળખ બનવી જોઈએ. જ્યારે દેશનો દરેક નાગરિક પોતાના હકોની સાથે ફરજો પ્રત્યે સભાન થશે અને જાહેર જીવનમાં જવાબદારીપૂર્વક વર્તશે, ત્યારે જ ભારત સાચા અર્થમાં અંદરથી સ્વતંત્ર, સુસંસ્કૃત અને વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી શકશે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો