તન અને મનની તંદુરસ્તી માટે યોગાસનને શ્રેષ્ઠ માનવામાં આવ્યાં છે. આમેય કસરત કરતાં પણ યોગાસન એ ભારતની પ્રાચીન વિદ્યા છે, જે શરીર, મન અને આત્માને એકરૂપ કરવા પર ભાર મૂકે છે. સમય જતાં આ યોગના વિવિધ પ્રકારો વિકસિત થયા છે, જે જુદા જુદા હેતુઓ અને જરૂરિયાતોને પૂર્ણ કરે છે. યોગાસનના અનેક પ્રકારો છે. અહીં યોગના પ્રકારની વિગતે ચર્ચા કરીએ.
પાવર યોગ : પાવર યોગ એ હઠયોગ અને અષ્ટાંગ યોગનું મિશ્રણ છે, જે શારીરિક ઊર્જા અને રોગપ્રતિકારક શક્તિ પર ભાર મૂકે છે. દરેક યોગ પ્રકારના પોતાના ફાયદાઓ છે અને તે વ્યક્તિની જરૂરિયાત, શારીરિક ક્ષમતા અને ધ્યેય પર આધાર રાખે છે કે કયો યોગ પ્રકાર તેમના માટે સૌથી યોગ્ય છે. દરેકે પોતાના શરીરને ધ્યાનમાં રાખીને જ યોગાસનની પસંદગી કરવી જોઇએ.
એક્વા યોગ : એકવા યોગ એ પાણીમાં કરવામાં આવતો યોગ છે. આમાં પાણીની શક્તિ અને તેના પ્રતિકારનો ઉપયોગ થાય છે. આજકાલ એક્ટ્રેસીસ એક્વા યોગ કરવાનું પસંદ કરે છે. પાણીમાં યોગ કરવાથી સાંધા પર ઓછું દબાણ આવે છે, જે ઇજાઓમાંથી સાજા થતા લોકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે ઉત્તમ છે. તે સ્નાયુઓને મજબૂત બનાવે છે, લવચીકતા વધારવામાં મદદ કરે છે અને શરીરને ઠંડું રાખે છે.
હોટ યોગ : હોટ યોગ એ ઘણો ખરો બિક્રમ યોગ જેવો જ છે, પરંતુ આમાં આસનોનો ક્રમ નક્કી નથી હોતો. તે વ્યક્તિની ઉંમર અને તેની તકલીફ અનુસાર નક્કી કરવામાં આવે છે.
ડાર્ક યોગ : ડાર્ક યોગ, જેને ક્યારેક `કેન્ડલ લાઇટ યોગ' અથવા `બ્લાઇન્ડફોલ્ડ યોગ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઓછા પ્રકાશવાળા અથવા સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં કરવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ બાહ્ય દૃશ્યોથી વિચલિત થયા વિના આંતરિક અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. અંધારામાં યોગ કરવાથી અન્ય ઇન્દ્રિયો (જેમ કે, શ્રવણ અને સ્પર્શ) વધુ સક્રિય બને છે અને સાધકને પોતાના શ્વાસ, શરીરની સંવેદનાઓ અને મનની સ્થિતિ પર વધુ ઊંડાણપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. આ યોગ મનને એકાગ્ર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે મગજને શાંત કરવા શાંત વાતાવરણ પૂરું પાડે છે.
રિસ્ટોરેટિવ યોગ : રિસ્ટોરેટિવ યોગ એ સંપૂર્ણપણે આરામ અને કાયાકલ્પ કરતો યોગ છે. આમાં આસનો લાંબા સમય સુધી (5-20 મિનિટ) ટેકા (જેમ કે, બ્લોક્સ, બોલસ્ટર્સ, ધાબળા વગેરે) સાથે કરવામાં આવે છે. આ યોગ તણાવ ઘટાડવામાં, નર્વસ સિસ્ટમને શાંત કરવામાં અને ડીપ રિલેક્સેશન મેળવવામાં મદદ કરે છે.
આયંગર યોગ : શરીરના શાર્પ પોઝને લાંબા સમય સુધી ટકાવી રાખવા પર ભાર મૂકે છે. આમાં પ્રોપ્સ (જેમ કે, પટ્ટા, બ્લોક્સ, ખુરશીઓ)નો ઉપયોગ કરવામાં આવે છે, જેથી દરેક વ્યક્તિ, ભલે તેમની લવચીકતા ગમે તેટલી હોય, તે આસનને યોગ્ય રીતે કરી શકે. આ યોગ શરીરના પોશ્ચર, શારીરિક ક્ષમતા, સ્થિરતા અને રોગપ્રતિકારક શક્તિ સુધારવામાં મદદ કરે છે.
કુંડલિની યોગ : આ યોગાસન શ્વાસ, મંત્ર, મુદ્રા અને ધ્યાન દ્વારા શરીરની ઊર્જાને જાગૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
વિક્રમ યોગ : 105 ડિગ્રી ફેરનહીટ (લગભગ 40.6 ડિગ્રી સેલ્સિયસ) તાપમાનવાળા ગરમ રૂમમાં 26 આસનો અને 2 શ્વાસ કસરતોના નિશ્ચિત ક્રમમાં વિક્રમ યોગ કરવામાં આવે છે. આ યોગ અઘરો છે એટલે એને ટ્રેઇનરની સાથે જ કરવાની સૂચના અપાય છે.
હઠયોગ : હઠયોગ એ સૌથી સામાન્ય અને પાયાનો યોગ પ્રકાર છે. `હઠ' શબ્દમાં `હ' સૂર્ય અને `ઠ' ચંદ્રને સૂચવે છે, જે સંતુલનનું પ્રતીક છે. આ યોગાસન શારીરિક મુદ્રાઓ (આસનો), શ્વાસ નિયંત્રણ (પ્રાણાયામ) અને ધ્યાનના સંયોજન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે શરીરને મજબૂત અને લચીલું બનાવે છે. મનને શાંત કરે છે અને તણાવ ઘટાડે છે. મોટાભાગની યોગ શિબિરો અને યોગ ક્લાસ હઠયોગના સિદ્ધાંતો પર આધારિત હોય છે.
વિન્યાસ યોગ : વિન્યાસ યોગને `ફ્લો યોગ' પણ કહેવાય છે, કારણ કે આમાં આસનોને એક શ્વાસથી બીજા શ્વાસ સાથે સુસંગત રીતે જોડીને પ્રવાહમાં કરવામાં આવે છે. આમાં શ્વાસ અને ગતિનું મહત્ત્વ વધારે હોય છે. વિન્યાસ યોગ શારીરિક શક્તિ, ઊર્જા અને લવચીકતા વધારવામાં મદદ કરે છે, સાથે જ મનને શાંતિ પ્રદાન કરે છે. દરેક વિન્યાસ યોગમાં થોડા ફેરફાર હોઈ શકે છે, જે યોગ શિક્ષકની સર્જનાત્મકતા પર આધાર રાખે છે.
ચેર યોગ : ચેર યોગ મતલબ કે આજના વ્યસ્ત જીવનમાં ખુરશી ઉપર કરાતાં યોગાસનો. આ યોગ કરવા માટે તમારે કોઇ ક્લાસમાં નથી જવું પડતું. ચેર યોગમાં સીટેડ ચેર પોઝ, સીટેડ ટ્વિસ્ટ, સીટેડ સાઇડ બેન્ડ, ચેર સ્ટેન્ડ તેમજ ચેર સ્ક્વોટ વગેરે પ્રકાર કરીને પોશ્ચરને સુધારી શકો છો.