યોગ એટલે માત્ર કસરત નહિ, પણ તે એક સંપૂર્ણ જીવનશૈલી છે. `યોગ' શબ્દ સંસ્કૃતના `યુજ' ધાતુમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે `જોડાવું'. યોગ દ્વારા મન, શરીર અને આત્માને એકતામાં લાવવાનું કાર્ય થાય છે. આ પૌરાણિક વિજ્ઞાન ભારતીય સંસ્કૃતિમાં આજકાલનું નથી, પરંતુ હજારો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. આજની ઝડપી જીવનશૈલીમાં વ્યસ્તતા, દબાણ અને અનિયમિત આહાર-વિહાર સામાન્ય બની ગયાં છે. આવી સ્થિતિને બેલેન્સ કરવા માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ એ શાંતિ અને સ્વાસ્થ્ય તરફ પાછા ફરવાનો માર્ગ છે. યોગથી થતા અનેક લાભોને કારણે WHO અને યુનાઇટેડ નેશન્સ પણ યોગને માન્યતા આપી ચૂક્યા છે. પરિણામે 21મી જૂનને `આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને તેને વિશ્વભરમાં ઊજવવામાં આવે છે.

યોગનો ઈતિહાસ

યોગની શરૂઆત આશરે 5,000 વર્ષ પહેલાં પ્રાચીન ભારતમાં થઈ હોવાનું મનાય છે. પતંજલિ ઋષિએ યોગને 8 અંગોમાં વિભાજિત કરી `યોગસૂત્ર' રચ્યાં, જેને આધુનિક યોગશાસ્ત્રનો મૂળ ગ્રંથ માનવામાં આવે છે. ત્યાર પછી ભગવાન કૃષ્ણે ગીતામાં યોગના ત્રણ માર્ગો - કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગની વ્યાખ્યા કરી છે. પહેલાંના વખતમાં ઋષિમુનિઓ યોગ કરીને ફિટ રહેતા હતા. યોગ એ માત્ર કસરત નહીં, પરંતુ જીવન જીવવાની એક હોલિસ્ટિક પદ્ધતિ છે. રિટાયર થયા પછી જ યોગ તરફ વળવું જોઇએ એવું નથી. બાળકથી માંડીને સિનિયર સિટીઝન એમ દરેક વયની વ્યક્તિએ દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવું જોઈએ, જેથી તેઓ શારીરિક રીતે તંદુરસ્ત, માનસિક રીતે શાંત અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બની શકે. તેથી કહેવાયું છે કે, योगः कर्मसु कौशलम् - યોગ એ કર્મોમાં કુશળતા છે.

યોગ દિવસની શરૂઆત ક્યારે થઈ?

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2015થી થઈ હતી. 2014માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાની ભલામણ કરી હતી. એના પરિણામ સ્વરૂપ 11 ડિસેમ્બર, 2014ના રોજ UNOએ 21 જૂનને ઇન્ટરનેશનલ યોગ ડે તરીકે જાહેર કર્યો હતો. એ પછી દર વર્ષે 21 જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવે છે. યોગ એ ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય દાન છે, જે શરીર, મન અને આત્માને શાંતિ આપવાનું એક સાધન છે. દર વર્ષે યોગ દિવસની સ્પેશિયલ થીમ નક્કી કરવામાં આવે છે અને એ થીમને પ્રાધાન્ય આપીને યોગ દિવસ ઊજવવામાં આવે છે. આ વર્ષની એટલે કે 2025ની યોગ દિવસની થીમ `Yoga for Self and Society' (યોગ - જાત અને સમાજ માટે) છે. જે દર્શાવે છે કે યોગ માત્ર વ્યક્તિગત આરોગ્ય અને શાંતિ માટે જ નહીં, પણ સામૂહિક સુખાકારી અને સમાજિક સુમેળ માટે પણ અગત્યનું સાધન છે, તેથી નિયમિત યોગ કરીને જાત અને સમાજને ફિટ રાખી શકાય છે.

યોગ દિવસની ઉજવણી

યોગ દિવસના મહત્ત્વને સમજાવવા દર વર્ષે યોગ ડેના દિવસે ભારત સહિત અનેક દેશોમાં યોગ શિબિરો અને કાર્યક્રમો યોજાય છે. શાળાઓ, કૉલેજો અને સરકારી-ખાનગી સંસ્થાઓ દ્વારા યોગાસનોનું પ્રદર્શન કરવામાં આવે છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર યોગ વિશે જનજાગૃતિ ફેલાવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ આપણા જીવનમાં યોગને રોજની ટેવ બનાવવા માટેની પ્રેરણા છે. 2025ની થીમ `Yoga for Self and Society' આપણને શીખવે છે કે જ્યારે આપણે પોતાને સુધારીએ, ત્યારે સમાજ પણ સુધરે છે.

                 - દેવલ થોરિયા

21 જૂન કેમ પસંદ કરાઈ?

આપણા મનમાં પ્રશ્ન થાય કે આખા વર્ષમાં બીજો કોઇ મહિનો નહીં અને જૂન મહિનો જ કેમ પસંદ કરવામાં આવ્યો. એ જ રીતે અન્ય કોઇ તારીખ નહીં અને 21 જૂને જ કેમ યોગ દિવસ ઊજવવામાં આવે છે. તો તેની પાછળનું કારણ એ છે કે, 21 જૂન એ ઉત્તરાયણનો સૌથી લાંબો દિવસ હોય છે અને પ્રકૃતિ સાથે આધ્યાત્મિક જોડાણનું મહત્ત્વ ધરાવે છે, તેથી આ તારીખ પસંદ કરવામાં આવી છે.