હાઇ બ્લડ પ્રેશર જેમને રહેતું હોય, તેમણે શવાસન કરવું
યોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એવું ડોક્ટરો અને યોગ એક્સપર્ટે સ્વીકાર્યું છે. યોગ એટલે માત્ર આસન જ નથી. યોગ જિંદગી જીવવાની પદ્ધતિ છે. જેમાં વ્યક્તિએ ખાવા-પીવાની આદત, ઊંઘવાની આદત, વિચારવાની આદત વગેરે આદતમાં પણ યોગને ધ્યાનમાં રાખવાનો હોય છે. વિવિધ શારીરિક અને માનસિક રોગોમાં યોગનું મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે. એ વિશે જાણી લઇએ.
હાઈ બ્લડ પ્રેશર
હાઇ બ્લડ પ્રેશર જેમને રહેતું હોય, તેમણે શવાસન, સુખાસન, મકરાસન, વજ્રાસન, તાડાસન કરવાં જોઇએ. જ્યારે પ્રાણાયામમાં અનુલોમ વિલોમ, શીતલી પ્રાણાયામ, શીતકારી પ્રાણાયામ અને ભ્રામરી કરવા જોઇએ.
નોંધ: ઝડપી શ્વાસના વ્યાયામ (ભસ્ત્રિકા, કપાલભાતિ) ટાળવા.
ડાયાબિટીસ (મધુમેહ)
ડાયાબિટીસના દર્દીઓએ અર્ધમત્સ્યેન્દ્રાસન, પવનમુક્તાસન, સેતુબંધાસન, ધનુરાસન, ભુજંગાસન કરવાં જોઇએ. પ્રાણાયામમાં કપાલભાતિ, અનુલોમ વિલોમ કરી શકાય.
નોંધ : નિયમિત યોગ નિયમિત સુગર સ્તર જાળવી રાખવામાં મદદરૂપ થશે.
અસ્થમા (દમ)
દમની તકલીફ જેમને હોય તેમણે સુખાસન, ધનુરાસન, મકરાસન, ભુજંગાસન કરવાથી રાહત રહેશે. પ્રાણાયામમાં અનુલોમ વિલોમ, ભ્રામરી, શીતલી કરવા જોઇએ.
નોંધ : યોગ શ્વાસનળીઓ ખોલે છે અને ફેફસાંની ક્ષમતા વધારે છે.
થાઇરોઇડ (Hypo/Hyperthyroid)
થાઇરોઇડ બે પ્રકારના હોય છે. બંને થાઇરોઇડમાં મત્સ્યાસન, સર્પાસન, હલાસન, શશાંકાસન, સર્વાંગાસન કરવાં જોઇએ. જ્યારે પ્રાણાયામમાં અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા કરી શકાય.
નોંધ : ગ્રંથિઓના કાર્યને સંતુલિત રાખવામાં સહાયક.
કબજિયાત (Constipation)
મોટાભાગની બીમારીનું મૂળ કબજિયાત છે. જેમને કબજિયાતની તકલીફ હોય તેમણે પવનમુક્તાસન, ભુજંગાસન, અર્ધ મત્સ્યેન્દ્રાસન, પશ્ચિમોત્તાનાસન કરવાં જોઇએ. જ્યારે પ્રાણાયામમાં કપાલભાતિ, ભ્રામરી કરવા.
નોંધ : યોગ પાચનતંત્રને સક્રિય કરે છે.
કમરમાં દુખાવો
કમરનો કે પીઠનો દુખાવો એક એજ પછી મોટાભાગની મહિલાઓ તથા પુરુષોને સતાવતો હોય છે.દવાથી દુખાવાને કાયમ માટે દૂર કરી શકાતો નથી. એમાંથી હંમેશાં મુક્તિ મેળવવા મકરાસન, ભુજંગાસન, અર્ધશલભાસન, શલભાસન કરવાં જોઇએ. જ્યારે પ્રાણાયામમાં ભ્રામરી કરવાથી ફાયદો થાય છે.
નોંધ : નિયમિત ધીરે ધીરે અભ્યાસ કરવો જરૂરી.
માનસિક તણાવ
અત્યારની ફાસ્ટ લાઇફને કારણે સ્કૂલમાં ભણતાં બાળકોથી માંડી દરેક વર્ગના લોકો કોઇ ને કોઇ કારણોસર માનસિક તાણ અનુભવે છે. તાણને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં ન આવે તો વ્યક્તિ ડિપ્રેશનમાં સરી પડે છે. આવી સ્થિતિમાંથી બહાર નીકળવા સુખાસન, પદ્માસન, શવાસન અને તાડાસન કરી શકાય છે. પ્રાણાયામમાં ભ્રામરી, અનુલોમ વિલોમ અને ધ્યાનમાં જવાનો પ્રયત્ન કરવો જોઇએ.
નોંધ : યોગ મનને શાંત અને સ્થિર બનાવીને તાણને દૂર કરે છે.
મેદસ્વિતા
મેદસ્વિતા અનેક રોગોને નોતરવાનું કામ કરે છે એટલે નાની ઉંમરમાં હૃદયરોગથી માંડીને બ્લડ પ્રેશર, શ્વાસ વગેરેની સમસ્યા સર્જાય છે. તેમાંથી મુક્તિ મેળવવા મેદસ્વિતાને ઘટાડવી જરૂરી છે. જે માટે ત્રિકોણાસન, પવનમુક્તાસન, નૌકાસન, સેતુબંધાસન કરી શકાય. પ્રાણાયામમાં કપાલભાતિ, ભસ્ત્રિકા અને અનુલોમ વિલોમ કરવાથી ફાયદો થાય છે.
નોંધ : યોગથી વજન નિયંત્રણમાં રહી શકે છે.
મહિલા સંબંધી સમસ્યાઓ (PCOD/PCOS)
પિરિયડ્સને લઇને કિશોરીઓ અને યુવતીઓમાં પીસીઓડી અને પીસીઓએસની સમસ્યા સર્જાતી હોય છે. આવી સ્થિતિમાં બદ્ધકોણાસન, સુપ્તબદ્ધકોણાસન, ભુજંગાસન, શશાંકાસન કરવાથી ફાયદો થાય છે. પ્રાણાયામમાં અનુલોમ વિલોમ કરી શકાય.
નોંધ : હોર્મોનલ સંતુલન માટે યોગ લાભદાયક.
નિદ્રાની તકલીફ (અનિદ્રા)
રાત્રે મોડા સુધી મોબાઇલનો ઉપયોગ કરવાથી અથવા તો અન્ય કોઇ કારણોસર અનિદ્રાની સમસ્યા સતાવતી હોય છે.એ દૂર કરવા શવાસન, પદ્માસન, યોગ નિદ્રા મેડિટેશન કરવાથી ફાયદો થાય છે. પ્રાણાયામમાં ભ્રામરી અને શીતલી કરી શકાય છે.
નોંધ : રાત્રે સૂતા પહેલાં 10 મિનિટ યોગ નિદ્રા ખૂબ જ અસરકારક.
